Ahmedabad

જસ્ટિસ રાજેન્દ્ર સચ્ચરને સમાજના સામાન્ય વર્ગના મસીહા ગણાવતા વિદ્વાનો

અમદાવાદ,તા.રણ
આર્થિક અને સામાજિક રીતે મુસ્લિમો કયાં છે. તેનો સચ્ચર કમિટીનો રિપોર્ટ બનાવનાર અને વંચિતો તેમજ પીડિતો અને ગરીબો માટે આજીવન હંમેશા કાર્યરત રહેનારા જસ્ટિસ રાજેન્દ્ર સચ્ચરનું તાજેતરમાં નિધન થયું છે. ત્યારે તેમની યાદમાં અનેક જગ્યાએ શ્રધ્ધાંજલિ સભાઓ યોજાય છે તદ્‌ઉપરાંત કર્મશીલોમાં અને વિદ્વાનોમાં એક જ સૂર વહેતો થયો છે કે જસ્ટિસ સચ્ચરને જો ખરી શ્રધ્ધાંજલિ આપવી હોય તો સરકાર ઉપર દબાણ લાવીને સચ્ચર કમિટીના રિપોર્ટનો અમલ કરાવવો જોઈએ. જો કે જસ્ટિસ સચ્ચર આ ફાની દુનિયાને છોડી જતા રહ્યા પણ તેમના નિધનથી કદી પૂરી ન શકાય તેવી ખોટ પડી છે. ત્યારે જસ્ટિસ સચ્ચર ભલે દુનિયામાં નથી પણ તેમણે કરેલા કાર્યોથી તેમનું નામ હંમેશા લેવાશે. ત્યારે જસ્ટિસ સચ્ચરને કર્મશીલોએ શ્રધ્ધાંજલિ અર્પી છે. જે અત્રે તેમના જ શબ્દોમાં રજૂ કરીએ છીએ.
કચડાયેલા અને વંચિતોના ન્યાય માટે અવાજ બુલંદ કરનાર
મહિલાઓની ચળવળોમાં તેઓ અમારા ટેકેદાર રહ્યા. તેમણે હંમેશા દેશના અને દુનિયાના કચડાયેલા અને વંચિતોના ન્યાય માટે પોતાનો અવાઝ બુલંદ કર્યો અને તેઓ આગળ રહ્યા જ્યારે તેઓ પીયુસીએલના વડા હતા તે વેળાએ પણ તેમણે અનેક મુદ્દે પિટિશન કરી ન્યાય માટે ઝઝૂમ્યા હતા. ખાસ કરીને ભૂખ્યા લોકોને અનાજ મળે અને તે અનાજ ગોડાઉનોમાં ન સડી જાય તે મુદ્દે તેમણે સરકારનું ધ્યાન દોર્યું હતું અને સરકારે તે દિશામાં પગલાં લીધા હતા જ્યારે પણ દેશમાં નાગરિક સ્વાતંત્ર્ય પર તરાપ પડે ત્યારે તે અંત સુધી વાતન ેઅંત સુધી છોડતા ન હતા અને સત્યને ઉજાગર કરતા હતા. મીનાક્ષી જોષી (મહિલા કર્મશીલ)
જસ્ટિસ સચ્ચરની ભલામણોનો અમલ થાય તો દેશને મહાસત્તા બનવાથી કોઈ રોકી શકે નહીં
જસ્ટિસ રાજેન્દ્ર સચ્ચરે ખૂબ જ મોટી સેવા કરી છે, તેઓ એક વિશ્વ વિભૂતી છે જેમણે મુસ્લિમ સમાજ માટે કાર્ય કર્યું છે. તેમણે દેશના તાલુકાઓ અને જિલ્લાઓમાં પ્રવાસ કરી લઘુમતી સમાજની સ્થિતિ છે તેને ચિતાર આપ્યો છે. દેશમાં લઘુમતી સમાજની પરિસ્થિતિ દલિતો કરતાં પણ ખરાબ છે. તેવા તેમના અવલોકનો છે. તેઓએ જે અવલોકન કર્યા છે અને જે સૂચનો આપ્યા છે તે પ્રમાણે જો કાર્ય થાય તો દેશ મહાસત્તા બની શકે છે. જો આપણે મહાસત્તા બનવાની વાત કરતાં હોઈએ ત્યારે દેશના તમામ નાગરિકોને સરખા રાખવા પડે જેથી ખભે ખભો મિલાવી દેશને આગળ લાવવામાં ઉપયોગ બની શકે છે. જસ્ટિસ રાજેન્દ્ર સચ્ચરે જે સૂચનો કર્યા છે તે પ્રમાણે જો દેશમાં કાર્યવાહી થાય તો દેશને મહાસત્તા બનવાથી કોઈ રોકી શકે તેમ નથી.
ગ્યાસુદ્દીન શેખ (ધારાસભ્ય ગુજરાત વિધાનસભા)
ભારતના મુસ્લિમોની આર્થિક-સામાજિક સ્થિતિથી જગતને અવગત કરાવનાર સચ્ચરને સો સલામ
હિન્દુસ્તાનના ઈતિહાસમાં બહુ મોટું નામ ગણાશે રાજેન્દ્ર સચ્ચર સાહેબનું તેઓ એકલા હાથે એ સત્ય બહાર લાવ્યા કે ભારતમાં મુસલમાનોની આર્થિક અને સામાજિક સ્થિતિ ખૂબ ખરાબ છે. આ પહેલાં આરએસએસ અને ભાજપ એવા દાવા કરતા હતા કે દેશમાં મુસ્લિમોને ખૂબ પંપાળવામાં આવે છે. મુસ્લિમો જે દારૂણ અવસ્થામાં દેશમાં જીવી રહ્યા છે તે સત્યને બહાર લાવનાર સચ્ચર સલામ કરવાને અધિકારી છે.
ડૉ.બંદૂકવાલા (જાણીતા કર્મશીલ)
જસ્ટિસ સચ્ચરને લઘુમતીના ન્યાયી સ્થાન અને માન
માટે બોલનારા તરીકે કાયમ યાદ કરાશે
સમાજવાદી કુળના અને સ્વાતંત્ર્ય સૈનિક પરિવારના રાજેન્દ્ર સચ્ચરએ લાંબા સમય સુધી દેશમાં નાગરિક સ્વાધીનતાની લડાઈ અને સ્વતંત્રતા તેમજ સમતાલક્ષી બંધારણીય ધોરણોએ લઘુમતીના ન્યાયી સ્થાન અને માન અંગે અસંદિગ્ધ રીતે સંભારાશે
પ્રકાશ ન શાહ (પત્રકાર, જાણીતા કર્મશીલ)
જસ્ટિસ સચ્ચરના સૂચનોનો અમલ થાય તો
દેશને પ્રગતિના પંથે લઈ જઈ શકાય
જસ્ટિસ સચ્ચરની વિદાય ખૂબ જ આઘાતજનક છે. ન્યાયના હિતમાં એમણે જે મહેનત કરીને લાંબી મજલ કાપીને ભારત દેશના ઉદ્ધાર માટે જે રિપોર્ટ અને સૂચનો રજૂ કર્યા તે અનન્ય છે. એ રિપોર્ટ વિશે વિચાર કરતા એવું લાગે છે કે આપ સાહેબે રોગનું નિદાન કર્યું પરંતુ તે પ્રમાણે તે રોગનો ઉપાય અને ઈલાજ થઈ શકયો નથી જેને કારણે એમની મહેનતનો ફાયદો આજ દિવસ સુધી લઘુમતી સમાજને મળ્યો નથી. તેને કારણે દેશના વિકાસને ધક્કો પહોંચ્યો છે. આવા નિષ્પક્ષ ન્યાયાધીશને સાચી શ્રદ્ધાંજલિ આપવા માટે તેમણે સૂચવેલા નિર્દેશો ઉપર અમલ કરીને લઘુમતી સમાજ અને આપણા દેશને પ્રગતિના પંથે લઈ જઈ શકાય.
ડૉ.પ્રો.ચાંદબીબી શેખ (ઉર્દૂ વિભાગના પૂર્વ અધ્યક્ષ ગુજ.યુનિ.)