(એજન્સી) નવી દિલ્હી, તા.ર૧
હિન્દુ ટેરરીઝમના નિવેદન બદલ ભાજપે કોંગ્રેસ મહાસચિવ દિગ્વિજયસિંહનું રાજીનામું માંગ્યું છે. ભાજપે માંગ કરી છે કે દિગ્વિજયસિંહને પક્ષમાંથી હાંકી કાઢવા જોઈએ. દિગ્વિજયસિંહે લાખો હિન્દુઓને ત્રાસવાદી કહ્યા છે. ભાજપના પ્રવકતા સંદિપ પાત્રાએ એક પત્રકાર પરિષદ દરમ્યાન આ માંગ કરી હતી. સંદીપપાત્રાએ સવાલ કર્યો કે શા માટે તમે રાહુલ ગાંધીને હિન્દુ તરીકે ગણાવો છો ? અગાઉ દિગ્વિજયસિંહે કહ્યું હતું કે જેટલા હિન્દુ આતંકવાદીઓ પકડાયા છે તે બધા જ સંઘ સાથે જોડાયેલા છે. દિગ્વિજયસિંહે સ્પષ્ટતા કરી હતી કે તેમણે સંઘી ત્રાસવાદની વાત કરી છે. કદી પણ હિન્દુ ત્રાસવાદી કહ્યો નથી. આ બાબતે ખોટી માહિતી ફેલાઈ છે.
તેમણે કહ્યું કે ધર્મના આધારે કોઈપણ ટેરર પ્રવૃત્તિને જોડવી ન જોઈએ. કોઈ ધર્મ ત્રાસવાદને સમર્થન કરતું નથી.
પુનઃ સંઘ પર આરોપ મૂકી દિગ્વિજયસિંહે કહ્યું કે માલેર્ગાંવ, મક્કા મસ્જિદ બ્લાસ્ટ, સમજૌતા એક્ષપ્રેસ, દરગાહ શરીફની ઘટનાઓ સાથે જોડાયેલા આરોપીઓ સંઘીય વિચારોથી પ્રેરિત છે. સાંસદ સંજય પાઠકે કહ્યું કે દિગ્વિજયસિંહના આરોપોથી સંઘ સાથે સંકળાયેલા ભાજપના નેતાઓની લાગણી દુભાઈ છે.