રાજીનામું આપવાનો પ્રશ્ન જ નથી હું કોંગ્રેસ અને રાહુલ ગાંધીનો સૈનિક

(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.ર૩
ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ રાજકીય પક્ષોમાં ગરમાવો પણ વધી રહ્યો છે અને એકબીજા સામે આક્ષેપો, પ્રતિઆક્ષેપોનો મારો પણ શરૂ થઈ ગયો છે. પરંતુ આ બધા વચ્ચે હલકી રાજનીતિ પણ શરૂ થઈ ગઈ છે. તાજેતરમાં કોંગ્રેસના લેટરપેડ અને પ્રદેશ પ્રમુખની ખોટી સહી સાથેની ઉમેદવારોની ખોટી યાદી સોશિયલ મીડિયા પર ફરતી કરાયા બાદ આજરોજ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહના રાજીનામાનો પત્ર સોશિયલ મીડિયામાં ફરતો થતાં ભરતસિંહે આ પત્ર ખોટો ગણાવી રાજીનામાની વાતનું ખંડન કર્યું હતું. કોંગ્રેસના લેટરપેડ પર પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીના રાજીનામાનો લેટર સોશિયલ મીડિયામાં વાયરલ થતાં કોંગ્રેસમાં હલચલ મચી ગઈ હતી અને તેની ખરાઈ કરવા કોંગ્રેસ કાર્યાલયમાં અને ભરતસિંહના મોબાઈલ ફોન પર લોકોએ ફોનનો મારો ચલાવ્યો હતો. ત્યારબાદ આ બાબતની સ્પષ્ટતા કરતા ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે આ મેસેજ ખોટા છે અને પત્ર પણ ખોટો છે. રાજીનામું આપવાનો કોઈ પ્રશ્ન જ નથી. તેઓ કોંગ્રેસના સૈનિક છે અને રાહુલ ગાંધીના સૈનિક છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ૧૮ર બેઠકોમાંથી કોંગ્રેસને મહત્તમ બેઠકો જીતાડવા તેઓ તનતોડ મહેનત કરશે. આ પત્ર ભાજપ દ્વારા વાયરલ કરવામાં આવ્યો હોય તેવી શક્યતા છે તે અંગે તેઓ ફરિયાદ કરશે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks