નવી દિલ્હી, તા. ૨૮
૨૮ ડિસેમ્બર એટલે કોેંગ્રેસની સ્થાપનાની તારીખ જ્યારે તે ગુરૂવારે પોતાનો ૧૩૩મો સ્થાપના દિવસ મનાવી રહી છે. રાહુલ ગાંધીના પાર્ટી અધ્યક્ષ બન્યા બાદ આ કોંગ્રેસનો પ્રથમ સ્થાપના દિવસ છે. આના કારણે તેને ધૂમધામથી મનાવાઇ રહ્યો છે. દિલ્હીમાં કોંગ્રેસના મુખ્યમથકે રાહુલ ગાંધીએ તિરંગો ફરકાવી મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. રાહુલે કેન્દ્રીય મંત્રી અનંતકુમાર હેગડેના બંધારણ બદલવાના નિવેદન પર કહ્યું કે, બાબસાહેબ આંબેડકરે દેશને જે બંધારણ આપ્યું છે તે ખતરામાં છે આ સંવિધાનની સુરક્ષા કરવાની જવાબદારી કોંગ્રેસની છે. રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, આ અમારી ફરજ છે કે, અમે સત્યને સ્વીકાર કરી તેની સુરક્ષા કરીએ પછી ભલે તે અમારા ભૂતકાળનો સત્ય હોય કે પછી વર્તમાનનું. રાજકીય ફાયદા માટે ભાજપ જુઠ્ઠું બોલી રહ્યું છે. ભાજપ અને અમારામાં આજ ફેર છે. અમે સંઘર્ષ કરી રહ્યા છીએ, હારીએ છીએ પરંતુ સત્યનો સાથ ક્યારેય છોડવાના નથી. સ્થાપના દિવસના કાર્યક્રમમાં સામેલ થયા બાદ રાહુલ ગાંધીએ કોંગ્રેસના નેતાઓ સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. કોંગ્રેસે હેગડેના બંધારણ બદલવાના નિવેદન સામે તેઓ માફી માગે તેવી માગ કરી હતી. અનંતકુમાર હેગડેએ લોકસભામાં જણાવ્યું હતું કે, બંધારણ અને સંસદ મારા માટે સર્વોચ્ચ છે. મારા શબ્દોને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યા છે. જો મારી વાતથી કોઇની પણ લાગણીઓ દુભાઇ હોય તો હું માફી માગું છું. હેગડેએ કર્ણાટકના કોપ્પલ જિલ્લામાં એક કાર્યક્રમમાં તેમણે કહ્યું હતું કે, કેટલાક લોકો કહે છે કે, ધર્મનિરપેક્ષ શબ્દ છે તો તમારે માનવું જ પડશે. કેમ કે આ બંધારણમાં છે. અમે તેનું સન્માન કરીશું પરંતુ આગામી સમય બદલાશે. બંધારણમાં પહેલા પણ ઘણા બદલાવ થયા છે અને હવે અમે બંધારણ બદલવા જઇ રહ્યા છીએ. ભાજપ બંધારણ બદલવા માટે સત્તામાં આવી છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, સરકાર સેક્યુલર શબ્દને બંધારણમાંથી હટાવી શકે છે.