અમદાવાદ,તા.૯
નફાખોરો બેફામ બને ત્યારે કોઈપણ વેપારમાં ગ્રાહક તરફી ગુણવત્તા જોવા મળતી નથી એવું જ કંઈ સામે આવ્યું રાજકોટ મહાપાલિકાની આરોગ્ય અને ફૂડ શાખા દ્વારા ચીકી ઉત્પાદન કેન્દ્રો પર પાડવામાં આવેલા દરોડાની ઘટનામાં રાજકોટમાં અનેક જગ્યાએ ચીકીના યુનિટ પર દરોડા પાડવામાં આવ્યા હતા. જ્યાં ચીકી બનાવવા માટે હાનિકારક શંખજીરૂનો ઉપયોગ થતો હોવાનું ખુલ્યું હતું. ત્યારે આવી અખાદ્ય ૬૭પ ચીકીના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો.
રાજકોટ મહાપાલિકાની આરોગ્ય શાખા અને ફૂડ શાખા દ્વારા આજે સવારથી ચીકીના વેપારીઓ પર દરોડાનો દોર શરૂ કરવામાં આવ્યો હતો. ચીકીના વેપારીઓની દુકાનો તેમજ ઉત્પાદન કેન્દ્રોમાં પણ સઘન ચેકિંગ કરવામાં આવતા ચીકીમાં શંખજીરૂની ભેળસેળ કરવામાં આવતી હોવાનું ધ્યાને આવ્યું હતું. આ ઉપરાંત ચીકીના ઉત્પાદન કેન્દ્રોમાં ભોંયતળિયા પર સીંગપાક, તલપાક વગેરે પાક બનાવવામાં આવતા હોય છે અને તદ્દન બિનઆરોગ્યપ્રદ સ્થિતિ માલૂમ પડી હતી. તૈયાર ચીકીના જથ્થા ઉપર કીડી-મકોડા અને વાંદા રમતાં હતા તે દૃશ્ય નિહાળીને દરોડા કાર્યવાહી હાથ ધરનાર અધિકારીઓને ઊલટી થઈ ગઈ હોવાનું જાણવા મળે છે. વધુમાં ડેપ્યુટી હેલ્થ ઓફિસર ડો. પી.પી. રાઠોડ અને સિનિયર ફૂડ સેફટી ઓફિસર અમિત પંચાલે જણાવ્યું હતું કે કુલ ૬ સ્થળોએ દરોડા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં સહકાર મેઈન રોડ પર સોનલ ચીકી (૧૭૦ કિલો જથ્થાનો નાશ), સંતોષ ચીકી (૧૩૦ કિલો જથ્થાનો નાશ), કેસરી પુલ પરનું ચીકી કેન્દ્ર (૮પ કિલો જથ્થાનો નાશ), મોમાઈ ચીકી (૧૧પ કિલો જથ્થાનો નાશ), પાર્થ ચીકી (૭પ કિલો જથ્થાનો નાશ) અને બજરંગ ચીકી (૯૦ કિલો જથ્થાનો નાશ) આ મુજબ કુલ તમામ ૬ સ્થળોએ ૬૭પ કિલો ગ્રામ અખાદ્ય પદાર્થના જથ્થાનો નાશ કરી નોટિસ ફટકારવામાં આવી હતી. અધિકારી વર્તુળોએ જણાવ્યું હતું કે, વિવિધ પ્રકારની ચીકીની બનાવટમાં અખાદ્ય પદાર્થ એવા શંખજીરૂનો બેફામ ઉપયોગ કરવામાં આવતો હોવાનું પણ ધ્યાને આવ્યું હતું. આ ઉપરાંત ચીકી બનાવવા માટે વપરાતી સીંગ પણ હલ્કી કક્ષાની હોવાનું ધ્યાને આવ્યું હતું. આ ઉપરાંત અગાઉ બનાવેલી ચીકીનો પડતર સ્ટોક પણ મોટી માત્રામાં જોવા મળ્યો હતો. આધારભૂત સૂત્રો પાસેથી એવું પણ જાણવા મળ્યું છે કે વેચાયેલી ન હોય તેવી ચીકીને પુનઃ ગરમ કરીને તેમાંથી ફરીથી ચીકી બનાવી વેચાણમાં મૂકવામાં આવતી હતી. જ્યારે આ દરોડા રોકવા અનેક સ્થાનિક નેતાઓના ભલામણ-ફોન પણ આવ્યા હતા જો કે આરોગ્ય શાખાએ સારી કામગીરી બજાવી હતી.