અમદાવાદ,તા.૧
રાજકોટમાં પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલે ચૂંટણી અધિકારીની મંજૂરી વિના સભા યોજી હતી. ત્યારે મંજૂરી વિના સભા યોજવા બદલ હાર્દિક પટેલ સહિત આયોજકો વિરૂધ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. એટલે હાર્દિક પટેલની ગમે ત્યારે ધરપકડ થાય તેવી શકયતા છે. પ્રાપ્ત વિગતો મુજબ હાલ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લીધે આચારસંહિતા લાગુ કરી દેવાઈ છે. ત્યારે તા.ર૯ નવેમ્બરના રોજ રાજકોટમાં હાર્દિક પટેલે મહાક્રાંતિ સભા યોજી હતી. જો કે પટેલ સમાજના દિવાળી બાદના સ્નેહમિલનનો કાર્યક્રમ યોજવાના નામે મંજૂરી લેવામાં આવી હતી. પરંતુ મંજૂરી લીધા બાદ મહાક્રાંતિ સભા યોજાઈ હતી ત્યારે આ સભાનો રાજકીય લાભ લેવાનો પ્રયાસ થયો હોવાનું મામલતદારને ધ્યાને આવ્યું હતું. ત્યારે રાજકોટ પશ્ચિમના મામલતદાર દ્વારા હાર્દિક પટેલ, તુષાર નંદાની સહિતના આયોજકો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે ત્યારે હાર્દિક પટેલ સહિતના આયોજકો સામે જાહેરનામાના ભંગ બદલ ગુનો નોંધાયો છે આ મામલે હાર્દિક પટેલની ધરપકડ થવાની સંભાવનાઓ શરૂ થઈ છે. અત્રે નોંધનીય છે કે મુખ્યમંત્રી વિજય રૂપાણીના રાજકોટમાં જ સભા યોજીને હાર્દિક પટેલે ભાજપ સરકારને આડે હાથ લીધી હતી. ત્યારે ચૂંટણીમાં પાટીદાર ફેકટર અસર કરી જાય નહીં તે માટે હાર્દિક પટેલને કોઈપણ કેસમાં જેલમાં ધકેલી દેવાના પ્રયાસ ભાજપ સરકાર દ્વારા થઈ રહ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે.