અમદાવાદ,તા. ૪
રાજકોટના ચકચારભર્યા નીલેશ રૈયાણી ખૂન કેસમાં ત્રણ સપ્તાહ પહેલા ગુજરાત હાઇકોર્ટે ગોંડલના ભાજપના ધારાસભ્ય જયરાજસિંહ ટેમુભા જાડેજા સહિત ત્રણ આરોપીઓને જન્મટીપની સજા ફટકારી હતી. હાઇકોર્ટના આજીવન કેદની સજાના આ હુકમ સામે ભાજપના ધારાસભ્ય જયરાજસિંહ ટેમુભા જાડેજાએ સુપ્રીમકોર્ટમાં અપીલ દાખલ કરી છે. જેની સુનાવણીમાં સુપ્રીમકોર્ટે આજે ગુજરાત સરકારને નોટિસ જારી કરી છે. વધુમાં, સુપ્રીમકોર્ટે બે સપ્તાહમાં આ કેસ સંદર્ભે જવાબ રજૂ કરવા પણ સરકારપક્ષને તાકીદ કરી છે. નીલેશ રૈયાણી ખૂન કેસમાં ગુજરાત હાઇકોર્ટે આજીવન કેદની સજા પામનાર ભાજપના ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા સહિત ત્રણેય આરોપીઓને એક-એક લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો અને આરોપીઓને સજાના આ હુકમ સામે સુપ્રીમકોર્ટમાં જવા માટે તા.૩૦મી સપ્ટેમ્બર સુધીનો સમય આપ્યો હતો. હાઇકોર્ટના આ ચુકાદાથી નારાજ ભાજપના ધારાસભ્ય દ્વારા સુપ્રીમકોર્ટમાં અપીલ દાખલ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, નીલેશ રૈયાણી ખૂન કેસમાં ૨૦૧૦માં રાજકોટની સેશન્સ કોર્ટે ભાજપના ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાને નિર્દોષ ઠરાવી છોડી મૂકવા હુકમ કર્યો હતો. જો કે, ગુજરાત હાઇકોર્ટે નીચલી કોર્ટના આ ચુકાદાને ફેરવી કાઢી આરોપી ધારાસભ્ય જયરાજસિંહ ટેમુભા જાડેજા અને તેના બે મદદગાર આરોપીઓ અમરજીતસિંહ અનિરૂધ્ધસિંહ જાડેજા અને મહેન્દ્રસિંહ ઉર્ફે ભગત રાણા એમ ત્રણ આરોપીઓને આજીવન કેદ ફટકારતાં ભારે ખળભળાટ મચી ગયો હતો. હાઇકોર્ટે ભાજપના આરોપી ધારાસભ્ય સહિતના ત્રણેય આરોપીઓને જેલ સત્તાવાળાઓ સમક્ષ શરણાગતિ સ્વીકારવા માટે તા.૩૦ સપ્ટેમ્બર,૨૦૧૭ સુધીનો સમય આપ્યો છે. ચકચારભર્યા આ કેસની વિગતો એવી છે કે, રાજકોટના ગોંડલ ખાતે રાજાવાડીની ૩૫ એકર જમીનના વિવાદમાં છેલ્લા કેટલાય વર્ષોથી ઝઘડો અને તકરાર ચાલતી હતી. જેમાં ૨૦૦૪માં નીલેશ રૈયાણી નામના યુવકની જાહેરમાં કરપીણ હત્યા કરી દેવાઇ હતી. આ જમીનની અદાવતમાં વિક્રમસિંહ રાણા ઉર્ફે વિનુ શિંગાળાની હત્યાનો બદલો લેવા નીલેશ રૈયાણીનું મર્ડર કરાયું હતું. ચકચારભર્યા આ કેસમાં ગોંડલના ભાજપના ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ રાણા અને અમરસિંહ જાડેજા સહિતના આરોપીઓના નામો બહાર આવ્યા હતા. આ કેસમાં રાજકોટ સેશન્સ કોર્ટે ૨૦૧૦માં સમીરખાન પઠાણ નામના આરોપીને આજીવન કેદની સજા ફટકારી હતી, જયારે ભાજપના ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ રાણા અને અમરસિંહ જાડેજા સહિતના અન્ય ૧૨ આરોપીઓને નિર્દોષ ઠરાવી છોડી મૂકયા હતા. આ હુકમ સામે ફરિયાદપક્ષ તરફથી ગુજરાત હાઇકોર્ટ સમક્ષ કરાયેલી અપીલની સુનાવણીના અંતે હાઇકોર્ટે નીચલી સેશન્સ કોર્ટનું આખું જજમેન્ટ ફેરવી નાંખ્યું હતું અને ભાજપના ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ રાણા અને અમરસિંહ જાડેજાને જન્મટીપની આકરી સજા ફટકારી હતી, જયારે સમીરખાન પઠાણ સહિતના બાકીના આરોપીઓને નિર્દોષ ઠરાવી છોડી મૂકયા હતા. ગુજરાત હાઇકોર્ટના આ ચુકાદાને પગલે ગુજરાતના રાજકારણમાં પણ ખળભળાટ મચી ગયો હતો.