(સંવાદદાતા દ્વારા)
જૂનાગઢ, તા.૧ર
રાજકોટની બદમાશ ક્રિમિનલ અનેક ગભીર ગુનાઓમાં સંડોવાયેલી સોનુ ડાંગર નામની મહિલાએ ઈસ્લામ ધર્મના મહાન પયગમ્બર હઝરત મોહમ્મદ (સ.અ.વ.) અને સમગ્ર મુસ્લિમ સમાજ અત્યંત હલકી, ગલીચ, ભાષાનો ઉપયોગ કરીને વોટ્સએપ પર વીડિયો વાયરલ કરતા સમગ્ર મુસ્લિમ સમાજમાં ભારે ખળભળાટ સાથે સોનુ ડાંગર વિરૂદ્ધ ભયંકર રોષની લાગણી વ્યાપી ગઈ છે. દરમિયાનમાં એક એમ પણ ચર્ચા થઈ રહી છે કે આગામી ત્રણ મહિનામાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે કેટલાક તત્ત્વો ગુજરાતમાં કોમી રમખાણો સર્જી હિન્દુ-મુસ્લિમ ધ્રુવીકરણ કરવા માટે આવી હિન હરકતો કરી કે કરાવી રહ્યા હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. ત્યારે ચૂંટણીલક્ષી લાભ મેળવવા માટે ગુજરાતમાં હિન્દુ-મુસ્લિમ રમખાણો થાય તેવું ષડયંત્ર કેટલાક તત્ત્વો-પરિબળો કરી રહ્યા હોવાની પણ ચર્ચા થઈ રહી છે તે સંદર્ભમાં જ સોનુ ડાંગર પાસે વીડિયો વાયરલ કરાવ્યો હોવાની શક્યતા નકારી શકાતી નથી. દરમિયાનમાં સોનુ ડાંગરના બકવાસ સામે આજે મુસ્લિમ સમાજના જાગૃત યુવાનોના એક જૂથે એમની કાયદેસરની મંજૂરી માંગી આજે બપોર બાદ વિશાળ રેલી યોજવામાં આવી હતી. આ રેલીમાં ૧૦ હજાર મુસ્લિમ યુવાનો, બિરાદરો મોટી સંખ્યામાં જોડાઈને સોનુ ડાંગરની તત્કાલ ધરપકડ કરી તેની સામે ગુનો નોંધવાની માગણી સાથે જૂનાગઢ જિલ્લા કલેક્ટર અને એસપી.ને. આવેદનપત્ર આપ્યું હતું. આ રેલીનું આયોજન કરનાર નવયુવાનોમાં મીમ સોશિયલ ગ્રુપએ પંજેતની સોશિયલ ટ્રસ્ટ ગ્રુપમાં રાઈફ ખાન, સમીરબાપુ કાદરી, કરીમ સીડા, શબ્બીર અમરેલિયા, શાહીદબાપુ બુખારી, શાહબાજ કુરેશી, અસ્લમ કુરેશી, જાફર કુરેશી, અમીન માલવિયા, મહેમૂદબાપુ, ફારીઝ બાપુ, ઈબ્રાહીમ બાપુ કાદરી, ફરહાન બાપુ કાદરી, અલ્તાફબાપુ કાદરી, મોહમ્મદ દરબાર વગેરેએ તનતોડ મહેનત કરી રેલીનું સફળ આયોજન કર્યું હતું. આ રેલીમાં ખાનકા એ નુરીના હઝરત ગુલઝારબાપુ નુરી, હનીફભાઈ જેઠવા, રાજનઅલી બાપુ બુખારી તેમજ કોર્પોરેટર હુસેનભાઈ હાલા, અદ્રેમાન પંજા, અશરફ થઈમ, સિદ્દીક કસીરી, ખુદુસ મુન્શી, શફીભાઈ સોરઠિયા, સાકીરભાઈ બેલીમ, વગેરે જોડાયા હતા. દરમિયાનમાં આ રેલીનું સફળ આયોજન મિનાજ મીમ ગ્રુપ તેમજ પંજેતની ગ્રુપના યુવા કાર્યકરોએ એવી રોષની લાગણી વ્યક્ત કરી હતી કે સોનુ ડાંગરની ક્લિપ છેલ્લા ચાર દિવસથી વાયરલ થઈ હતી. ત્યારે તેની સામે કોઈએ અવાજ ઉઠાવ્યો નથી. જૂનાગઢના સામાજિક, રાજકીય અને ધાર્મિક આગેવાનોમાંથી કોઈ આગળ નહીં આવતા અમારે યુવાનોએ નાછૂટકે આગેવાની લઈને રેલીનું આયોજન કરવાની ફરજ પડી છે. આગામી એક-બે દિવસમાં સોનુ ડાંગર સામે પોલીસ ફરિયાદ પણ નોંધાવવામાં આવશે તેવું જાણવા મળેલ છે.