(એજન્સી) નવી દિલ્હી, તા. ૨
કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહે લોકસભામાં જણાવ્યું હતું કે, સરકાર ચોમાસુ સત્રમાં જ એસસી-એસટી સુધારા બિલ પસાર કરશે. કોંગ્રેસે બુધવારે લોકસભામાં એસસી-એસટી કાયદાની કેટલીક જોગવાઇઓને ખતરનાક ગણાવી છે. કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગેએ કોર્ટના આ નિર્ણયને બદલવા માટે વહેલામાં વહેલી તકે બિલ લાવવાની માગ કરી હતી. ખડગેએ આરોપ લગાવ્યો હતો કે, કેન્દ્ર સરકાર દલિતોના અધિકારોની રક્ષાવાળા આ બિલમાં ફેરફાર કરવામાં વિલંબ કરી રહી છે. આ અંગે રાજનાથસિંહે જણાવ્યું હતું કે, અનુસૂચિત જાતિ અને જનજાતિ વિરૂદ્ધ અત્યાચાર પર રોક લગાવનારા કાનુનની મુળ જોગવાઇઓ લાવવા માટે મંત્રીમંડળ બુધવારે જ આ બિલને મંજૂરી આપી ચુક્યું છે. સરકાર ઇચ્છે છે કે, આ બિલ ચોમાસુ સત્રમાં જ પસાર થાય. રાજનાથે કહ્યું કે, હું નથીજાણતો કે વિપક્ષ આ મુદ્દો કેમ ઉઠાવી રહ્યો છે. વડાપ્રધાન પહેલા જ કહી ચુક્યા છે કે, આ મુદ્દે કિંતુ-પરંતુ વિના બિલ લાવવામાં આવશે. આ કાનુન બનાવવા માટે અમે તમામ સત્રમાં વટહુકમ લાવીશું. મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું હતું કે, એસસી-એસટી એક્ટ ૧૯૮૯ એ પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીનો વારસો છે અને તેઓ વીપી સિંહ વડાપ્રધાન બન્યા તેના ત્રણ મહિના પહેલા જ સપ્ટેમ્બર ૧૯૮૯માં આ બિલ લાવ્યા હતા. આશરે ૧૭ જેટલા પક્ષો અને ઘણા બધા સંસદના સભ્યો ૨૪મી માર્ચે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પાસે પહોંચ્યા હતા અને સુપ્રીમ કોર્ટના આદેશને રદબાતલ કરવા માટે સરકારને અપીલ કરવા વિનંતી કરી હતી. આ અંગે કોંગ્રેસના ટોચના નેતા સોનિયા ગાંધીએ પણ વડાપ્રધાનને પત્ર લખ્યો હતો. ખડગેએ કહ્યું હતું કે, સરકાર ઓછા મહત્વ ધરાવતા બિલો માટે વટહુકમ લાવે છે પણ દલિતોની રક્ષાવાળા બિલ પર ધ્યાન આપતી નથી. તમે તેને આવતીકાલે પસાર કરાવો.