સુપ્રીમ કોર્ટ દ્વારા આકરી ઝાટકણી અને વિપક્ષના સતત પ્રહાર વચ્ચે ભીંસમાં મુકાયેલી કેન્દ્ર સરકાર દેશભરમાં ફેલાયેલી ટોળા દ્વારા હિંસાને ડામવા માટે કાયદો બનાવવાની જરૂર છે કે નહીં તે અંગે મંત્રીઓની પેનલ અને સચિવોની કમિટી રચવા માટે બેઠક કરશે. ગૃહમંત્રી રાજનાથસિંહ મંત્રીઓની પેનલ સાથે થનારી બેઠકની અધ્યક્ષતા કરશે અને તેનો રિપોર્ટ પીએમ મોદીને સોંપવામાં આવશે જેમાં કેન્દ્રીય ગૃહ સચિવોની રચાયેલી ઉચ્ચસ્તરની સમિતીની ભલામણોનો સમાવેશ હશે. ગૃહ સચિવ રાજીવ ગૌબાની આગેવાનીવાળી સમિતીમાં ન્યાય સચિવો, કાયદાકીય બાબતોના વિભાગ, સંસદીય વિભાગ અને સામાજિક ન્યાય અને અધિકારીતાના ચાર સભ્યો હશે. કમિટી ચાર અઠવાડિયામાં પોતાનો રિપોર્ટ સરકારને સુપરત કરશે. ગૃહ મંત્રાલયના ટોચના અધિકારીએ સમાચાર એજન્સીને જણાવ્યું હતું કે, સમિતી એ હકીકત પર કામ કરશે કે, લિન્ચિંગની ઘટનાઓને દબાવવા માટે નવા કાયદાનીજરૂર છે કે પછી હાલનો કાયદો પુરતો છે. કમિટી એવી પણ સમીક્ષા કરશે કે આવી હિંસક ઘટનાઓ ડામવામાં રાજ્યો સક્ષમ કેમ નથી. આવી લિન્ચિંગની ઘટનાઓમાં દોષ કોને આપવો તે અંગે પણ સમિતી સમીક્ષા કરશે. સચિવોની કમિટી ત્યારબાદ આ રિપોર્ટ મંત્રીઓની પેનલને સોંપશે જેમાં વિદેશ મંત્રી સુષમા સ્વરાજ, ટ્રાન્સપોર્ટ મંત્રી નીતિન ગડકરી, કાયદા મંત્રી રવિશંકર પ્રસાદ અને સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી થાવરચંદ ગેહલોતનો સમાવેશ થાય છે.