(એજન્સી) કોલકાતા, તા.૧૧
ભાજપના પ્રમુખ અમિત શાહ મધ્ય કોલકાતામાં એક રેલીમાં ભાગ લેવા માટે શનિવારે એનએસસી બોઝ ઇન્ટરનેશનલ એરપોર્ટની બહાર આવ્યા ત્યારે યુવા કોંગ્રેસ કાર્યકરો દ્વારા કાળા વાવટા બતાવીને તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. કોંગ્રેસના કાર્યકરોએ કાળા વાવટા બતાવવાની સાથે મોદી વિરોધી અને શાહ વિરોધી સૂત્રોચ્ચારો પણ કર્યા હતા. તેઓએ શેરીમાં મોટરસાઇકલો લાઇનમાં ઊભા રાખીને અમિત શાહનો કાફલો રોકવાનો પણ પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસે તેમને હટાવ્યા હતા. અગાઉ પશ્ચિમ બંગાળના ભાજપના ઇન્ચાર્જ કૈલાશ વિજયવર્ગીય અને રાજ્યના પક્ષ પ્રમુખ દિલીપ ઘોષ દ્વારા અમિત શાહનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ભાજપના કેટલાક સમર્થકોએ મ્યુઝીક અને ડાન્સ સાથે તેમનું સ્વાગત કર્યું હતું અને પશ્ચિમ બંગાળમાં એનઆરસી અપડેટ કરવાની માગણી કરી હતી. દરમિયાન, રાજ્યમાં શાસક તૃણમૂલ કોંગ્રેસે આસામમાં એનઆરસી ક્વાયત સામે રાજ્યવ્યાપી વિરોધ કર્યો હતો. ભાજપે જણાવ્યું કે, ટીએમસીનો રાજ્યવ્યાપી વિરોધ અમિત શાહની રેલીમાં ભાંગફોડ કરવાનો એક પ્રયાસ છે.