રાજ્યમાં ધોરણ-૧૦ અને ૧રની પરીક્ષાઓ ૧ર માર્ચથી શરૂ થશે

અમદાવાદ, તા.૩૦
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી માર્ચ-૨૦૧૮માં લેવાનારી ધોરણ-૧૦, ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહ અને ધોરણ-૧૨ સાયન્સની પરીક્ષાનો કાર્યક્રમ આજે બોર્ડ દ્વારા સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યો છે. બોર્ડની પરીક્ષાઓ તા.૧૨મી માર્ચથી શરૂ થશે અને તા.૨૮મી માર્ચના રોજ પૂર્ણ થશે. બોર્ડની પરીક્ષા માટે અત્યારસુધીમાં ૧૭.૧૬ લાખ વિદ્યાર્થીઓ નોંધાઇ ચૂકયા છે અને હજુ ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓની નોંધણીની કાર્યવાહી ચાલુ હોઇ આ આંકડો વધશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું. આ વખતે ધોરણ-૧૨ સાયન્સમાં પ્રથમ વખત સેમેસ્ટર સીસ્ટમ વગર બોર્ડ દ્વારા પરીક્ષા લેવામાં આવનાર છે, તે નોંધનીય છે. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી માર્ચ-૨૦૧૮માં લેવાનારી ધોરણ-૧૦, ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહ અને ધોરણ-૧૨ સાયન્સની પરીક્ષાનો સત્તાવાર કાર્યક્રમ વિદ્યાર્થીઓ અને વાલીઓના આગોતરા આયોજનને ધ્યાનમાં રાખી આજરોજ જાહેર કરવામાં આવ્યો હતો. આ વખતે સૌપ્રથમવાર ધોરણ-૧૨ સાયન્સની પરીક્ષા સેમેસ્ટર સીસ્ટમ વિના યોજાવાની છે. ધોરણ-૧૨ સાયન્સની પરીક્ષા તા.૧૨મી માર્ચથી શરૂ થશે અને તા.૨૨મી માર્ચ,૨૦૧૮ના રોજ પૂર્ણ થશે. સાયન્સની પરીક્ષા દરમ્યાન મહત્વના પેપરો વચ્ચે એક દિવસ રજા આપવાની પરંપરા બોર્ડ દ્વારા આ વખતે પણ જાળવી રાખવામાં આવી છે. સાયન્સમાં પ્રથમ મુખ્ય ત્રણ વિષયની પરીક્ષા લેવાશે અને છેલ્લુ પેપર જીવવિજ્ઞાનનું રાખવામાં આવ્યું છે. આ જ પ્રકારે ધોરણ-૧૦ની પરીક્ષા પણ તા.૧૨મી માર્ચથી શરૂ થશે અને તા.૨૩મી માર્ચના રોજ પૂર્ણ થશે. ધોરણ-૧૦ની પરીક્ષામાં પણ મહત્વના વિષયોની પરીક્ષામાં વિદ્યાર્થીઓને એક દિવસનો ગેપ આપવામાં આવ્યો છે. જયારે ધોરણ-૧૦ના સૌથી અઘરા મનાતા ગણિત વિષયના પેપર માટે વિદ્યાર્થીઓને આ વખતે ત્રણ દિવસના ગેપનો ફાયદો આપવામાં આવ્યો છે. આ સિવાય ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષા પણ તા.૧૨મી માર્ચથી જ શરૂ થશે પરંતુ તે સૌથી છેલ્લે એટલે કે, તા.૨૮મી માર્ચના રોજ પૂર્ણ થશે. વિષયોની સંખ્યા વધુ હોવાથી બોર્ડ દ્વારા ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષા દરમ્યાન રજાઓ વધુ આપવામાં આવી હોવાથી તે મોડે સુધી ચાલવાની છે. બોર્ડની પરીક્ષા માટે ધોરણ-૧૦માં ૧૧.૦૬ લાખ જેટલા વિદ્યાર્થીઓ નોંધાયા છે, ગત પરીક્ષામાં ધોરણ-૧૦ના ૧૧.૦૨ લાખ વિદ્યાર્થીઓ નોંધાયા હતા. એટલે કે, આ વર્ષે ધોરણ-૧૦ની પરીક્ષામાં ચાર હજાર વિદ્યાર્થીઓ વધુ નોંધાયા છે. જયારે ધોરણ-૧૨ સાયન્સમાં આ વખતે ૧.૩૫ લાખ વિદ્યાર્થીઓ નોંધાયા છે, જે ગત પરીક્ષામાં ૧.૪૧ લાખ હતા એટલે કે, સાયન્સની પરીક્ષામાં છ હજાર જેટલા વિદ્યાર્થીઓ ઘટયા છે. આ સિવાય ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષા માટે અત્યારસુધી ૪.૭૫ લાખ જેટલા વિદ્યાર્થીઓ નોંધાઇ ચૂકયા છે. જો કે, ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહ માટે તા.૮મી જાન્યુઆરી સુધી વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન ચાલુ રહેનાર હોવાથી આ આંકડો હજુ વધશે તેમ આધારભૂત સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.

બોર્ડ પરીક્ષાનો કાર્યક્રમ

ધોરણ-૧૦ની પરીક્ષાનો કાર્યક્રમ
તારીખ સમય વિષય
તા.૧૨-૩-૨૦૧૮ ૧૦થી ૧.૨૦ પ્રથમ ભાષા
તા.૧૪-૩-૨૦૧૮ ૧૦થી ૧.૨૦ વિજ્ઞાન અને ટેકનોલોજી
તા.૧૬-૩-૨૦૧૮ ૧૦થી ૧.૨૦ સામાજિક વિજ્ઞાન
તા.૨૦-૩-૨૦૧૮ ૧૦થી ૧.૨૦ ગણિત
તા.૨૧-૩-૨૦૧૮ ૧૦થી ૧.૨૦ ગુજરાતી(દ્વિતીય ભાષા)
તા.૨૨-૩-૨૦૧૮ ૧૦થી ૧.૨૦ અંગ્રેજી(દ્વિતીય ભાષા)
તા.૨૩-૩-૨૦૧૮ ૧૦થી ૧.૨૦ દ્વિતીય ભાષા
ધોરણ-૧૨ સાયન્સની પરીક્ષાનો કાર્યક્રમ
તારીખ સમય વિષય
તા.૧૨-૩-૨૦૧૮ ૩થી ૬.૩૦ ભૌતિક વિજ્ઞાન
તા.૧૪-૩-૨૦૧૮ ૩થી ૬.૩૦ રસાયણ વિજ્ઞાન
તા.૧૬-૩-૨૦૧૮ ૩થી ૬.૩૦ ગણિત
તા.૧૭-૩-૨૦૧૮ ૩થી ૬.૩૦ પ્રથમભાષા, દ્વિતીય ભાષા, સંસ્કૃત, પારસી, અરબી, પ્રાકૃત
૩થી ૫.૧૫ કોમ્પ્યુટર એજયુકેશન
તા.૨૦-૩-૨૦૧૮ ૩થી ૬.૩૦ અંગ્રેજી(પ્રથમ અને દ્વિતીય ભાષા)
તા.૨૨-૩-૨૦૧૮ ૩થી ૬.૩૦ જીવ વિજ્ઞાન
ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષાનો કાર્યક્રમ
તારીખ સમય વિષય
તા.૧૨-૩-૨૦૧૮ ૩થી ૬.૧૫ નામાના મૂળ તત્વો
તા.૧૩-૩-૨૦૧૮ ૩થી ૬.૧૫ તત્વજ્ઞાન
તા.૧૪-૩-૨૦૧૮ ૩થી ૬.૧૫ આંકડાશાસ્ત્ર
તા.૧૫-૩-૨૦૧૮ ૩થી ૬.૧૫ ભૂગોળ
તા.૧૬-૩-૨૦૧૮ ૩થી ૬.૧૫ અર્થશાસ્ત્ર
તા.૧૭-૩-૨૦૧૮ ૩થી ૬.૧૫ વાણિજય વ્યવસ્થા
તા.૨૦-૩-૨૦૧૮ ૩થી ૬.૧૫ મનોવિજ્ઞાન
તા.૨૧-૩-૨૦૧૮ ૩થી ૬.૧૫ પ્રથમ ભાષા
તા.૨૨-૩-૨૦૧૮ ૩થી ૬.૧૫ હિન્દી દ્વિતીય ભાષા
તા.૨૩-૩-૨૦૧૮ ૩થી ૬.૧૫ ગુજરાતી-અંગ્રેજી(દ્વિતીય ભાષા)
તા.૨૪-૩-૨૦૧૮ ૩થી ૬.૧૫ કોમ્પ્યુટર પરિચય
તા.૨૭-૩-૨૦૧૮ ૩થી ૬.૧૫ સંસ્કૃત, પારસી, અરબી, પ્રાકૃત
તા.૨૮-૩-૨૦૧૮ ૩થી ૬.૧૫ સમાજશાસ્ત્ર

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks