માંગરોળ, તા.૩૦
છેલ્લા ઘણા લાંબા સમયથી ગુજરાત રાજ્ય તલાટી મહામંડળ દ્વારા પોતાના વણ ઉકેલ્યા પ્રશ્નો સંદર્ભે સરકારમાં અનેકો વખત રજૂઆતો કરી છે તેમ છતાં સરકાર દ્વારા આ પ્રશ્ને ઉદાસીનતા દાખવતા, આખરે રાજ્યના અગિયાર હજાર તલાટી કમ મંત્રીઓએ, સરકારને મહામંડળ દ્વારા વણ ઉકેલ્યા પ્રશ્નનો સુખદ ઉકેલ ન લવાશે તો વિવિધ કાર્યક્રમો યોજી વિરોધ કરવાનું આખરી અલ્ટીમેટમ આપ્યું છે. આ અંગેની વિગતો આપવા આજે તાલુકા મથક માંગરોળ ખાતે તાલુકા પંચાયતના સભાખંડમાં રાજ્ય મહામંડળના પ્રમુખ ભરત આહીરના અધ્યક્ષસ્થાને એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તેમણે જણાવ્યું કે, ગત તા. રપ ઓગસ્ટના, રાજ્ય મહામંડળની કારોબારી સમિતિની બેઠક અંબાજી ખાતે મળી હતી. જેમાં વણ ઉકેલ્યા પ્રશ્નો સંદર્ભે વિસ્તૃત ચર્ચા કરી, સરકાર સામે લડી લેવાનું નક્કી કરવામાં આવ્યું છે. સાથે જ સાત સદસ્યોની એક લડત સમિતિની પણ રચના કરવામાં આવી છે. આ સમિતિ સમગ્ર રાજ્યના તમામ જિલ્લાઓની મુલાકાત લઈ, જિલ્લા સંઘોને લડત અંગે માર્ગદર્શન આપશે. મંડળની મુખ્ય જે માગણીઓ છે એમાં તલાટી કમમંત્રીઓને પગાર ધોરણમાં થતાં અન્યાયને દૂર કરવા પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગે જે ઠરાવ કરેલ હોવાનું સ્વીકારેલ છે તેમ છતાં તેમાં મૂકેલી શરતો નં.૪-પ તથા ૬ના કારણે કોઈ પણ પ્રકારનો નાણાકીય લાભ તલાટી કમમંત્રીઓને થતો નથી. તલાટી કમમંત્રીઓને તમામ કામગીરી, વહીવટ તથા હિસાબી અનુભવ હોય, તલાટી કમમંત્રીઓને વિસ્તરણ અધિકારી તમામ જેવા કે પંચાયત, સહકાર, આંકડા, નાયબ ચીટનીશની જગ્યાઓ ઉપર બઢતી આપવાની સ્પષ્ટતા કરવી, સરકાર દ્વારા તાજેતરમાં ફિક્સ પગારથી ભરતી થયેલ કર્મચારીઓની સન ર૦૦૬થી સેવા સળંગ ગણવા ઠરાવવામાં આવેલ છે તે અગાઉ સને ર૦૦૪માં પણ સરકાર દ્વારા ફિક્સ પગારથી કર્મચારીઓની ભરતી કરેલ છે. આ કર્મચારીઓ સિનીયર હોવા છતાં ર૦૦૪થી નિમણૂક પામેલ કર્મચારીઓની પાછળ પ્રવર્તતા યાદીમાં સમાવવામાં આવે, સરકારે ૧૮૦૦ મહેસૂલી તલાટીઓની ભરતી કરવામાં આવી ત્યારે તેઓને કરવાની કામગીરી અંગે મહેસૂલ વિભાગે જે જોબચાર્ટ બનાવેલ તે કામગીરી આજદિન સુધી તેઓ કરતા નથી. હવે તલાટી કમમંત્રીઓ મહેસૂલ વિભાગની કામગીરી કરશે નહીં. સરકાર દ્વારા ફિક્સ પગાર નીતિથી ભરતી થયેલ તલાટી કમમંત્રીને પ્રથમ પાંચ વર્ષ કોઈ લાભ મળતા નથી. આવા તલાટીઓને જૂની પેન્શન યોજના શરૂ કરી સમાવવામાં આવે. આ પ્રશ્નોના ઉકેલ લાવવામાં ન આવશે તો અંબાજી મુકામે મહામંડળની બેઠકમાં વિરોધ પ્રદર્શિત કરવા તબક્કાવાર કાર્યક્રમ રાજ્યભરના અગિયાર હજાર તલાટીઓ કરશે જે અંતર્ગત આગામી તારીખ ૧૦/૯/૧૮ના સોમવારે રાજ્યભરના તમામ તલાટીઓ કાળીપટ્ટી ધારણ કરી ફરજ બજાવશે. તા.૧૭/૯/૧૮ના સોમવારે રાજ્યભરના તમામ તલાટીઓ ફરજ ઉપર હાજર રહી પેનડાઉન કાર્યક્રમ કરશે. તા.ર૯/૯/૧૮ના ગુરૂવારે રાજ્યભરના તમામ તલાટીઓ માસ સીએલ મૂકી સ્થાનિક કક્ષાએ દેખાવો કરશે. તા.ર/૧૦/૧૮ના ગુરૂવારે ગાંધીજયંતીના દિવસે રાજ્યભરના તલાટીઓ ધરણાનો કાર્યક્રમ યોજશે. આ પ્રસંગે જિલ્લા-તાલુકા મંડળના હોદ્દેદારો-સદસ્યો-તલાટીઓ ઉપસ્થિત રહ્યા હતા.