(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.૧૩
સાતમા પગાર પંચ સહિતની વિવિધ માગણીઓને લઈ રાજ્યવ્યાપી આંદોલન ચલાવી રહેલા રાજ્યની તમામ ગ્રાન્ટેડ સ્કૂલના કર્મચારીઓએ આગામી ૧૭ જુલાઈના રોજ માસ સીએલ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી હતી. રાજ્યભરની ગ્રાન્ટેડ સ્કૂલના કર્મચારીઓ સાતમા પગાર પંચ સહિતની માગણીઓને લઈ છેલ્લા કેટલાક સમયથી વિરોધ વ્યક્ત કરી રહ્યા છે. તાજેતરમાં રાજ્યના તમામ કલેક્ટરોને આવેદનપત્ર પાઠવવાનો અને ડી.ઈ.ઓ. કચેરીએ મૌન ધરણાંનો કાર્યક્રમ આપવામાં આવ્યો હતો.
હવે રાજ્ય સરકાર દ્વારા રાજ્યભરમાં નર્મદા ઉત્સવની ઉજવણી કરવામાં આવનાર છે. ત્યારે કર્મચારીઓ દ્વારા આ કાર્યક્રમનો પણ બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. આમ આગામી દિવસોમાં ગ્રાન્ટેડ સ્કૂલના તમામ કર્મચારીઓનું આંદોલન અતિ ઉગ્ર બને તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. અત્રે નોંધનીય છે કે સાતમા પગાર પંચની સાથે ચિત્ર-વ્યાયામ અને સંગીતના શિક્ષકોની ભરતી કરવામાં આવતી નથી તેથી વહેલી તકે ભરતી પ્રક્રિયા હાથ ધરવા પણ વિવિધ શિક્ષક સંઘો દ્વારા માગણી કરવામાં આવી છે.