અમદાવાદ, તા.૧૧
અનંતનાગમાં નિર્દોષ અમરનાથયાત્રિકો પર હુમલાના દેશભરમાં ઘેરા પ્રત્યાઘાત પડયા છે. દેશવાસીઓમાં આંતકવાદીના કાયરતાપૂર્ણ અને બર્બરતાભર્યા હુમલાને લઇ ઉગ્ર આક્રોશ અને રોષ ભભૂકી ઉઠયા છે. ગુજરાત સહિત દેશભરમાં ચોતરફ આંતકવાદી હુમલાની આકરી નિંદા અને વિરોધ થઇ રહ્યા છે. ગુજરાતમાં અમદાવાદ, રાજકોટ, વડોદરા સુરત, કચ્છ-ગાંધીધાામ સહિતના સ્થળોએ ઠેર-ઠેર પાકિસ્તાનના રાષ્ટ્રધ્વજ બાળવાથી લઇ આંતકીઓના પૂતળાદહનના જલદ કાર્યક્રમો યોજાયા હતા. દેશના વિવિધ રાજયોમાં પણ આ પ્રકારના જલદ વિરોધ પ્રદર્શનો જોવા મળ્યા હતા. તો બીજીબાજુ, આ હુમલામાં માર્યા ગયેલા નિર્દોષો માટે શ્રધ્ધાંજલિના કાર્યક્રમો યોજાયા હતા. પ્રદર્શનકર્તાઓ દ્વારા આજે પોતાના વિરોધ અને દેખાવો દરમ્યાન કેન્દ્ર સરકાર સમક્ષ આંતકવાદીઓને જડબાતોડ જવાબ આપવા અને પાકિસ્તાનને સબક શીખવાડવાની જોરદાર માંગણીઓ થઇ હતી. એટલું જ નહી, પાકિસ્તાન મુર્દાબાદ, પાકિસ્તાન હાય હાય, આંતકવાદનો સફાયો કરો ના સૂત્રોચ્ચાર અને નારાઓ ગુંજી ઉઠયા હતા. ભરૂચમાં તો મુસ્લિમ બિરાદરોએ ખૂબ મોટી સંખ્યામાં એકત્ર થઇ રેલી કાઢી હાથમાં પાકિસ્તાન મુર્દાબાદ, અમરનાથયાત્રિકોના નિધન પરત્વે દુઃખ વ્યકત કરતા, આંતકવાદનો સફાયો કરો, પાકિસ્તાન હાય-હાય સહિતના વિરોધ પ્રદર્શિત કરતાં નારાઓ સાથેના બેનરો અને પ્લેકાર્ડ સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજાયું હતું. મુસ્લિમ અગ્રણીઓએ પાકિસ્તાનના રાષ્ટ્રધ્વજને સળગાવી વિરોધ પ્રદર્શિત કર્યો હતો તો, મુસ્લિમ ભાઇ-બહેનોએ મૃતક અમરનાથયાત્રિકોને શ્રધ્ધાંજલિ અર્પી હતી. વડોદરામાં પણ આંતકવાદી હુમલાના વિરોધમાં પાકિસ્તાનનો રાષ્ટ્રધ્વજ સળગાવી પાકિસ્તાન અને આંતકવાદ વિરોધી નારા લગાવી વિરોધ પ્રદર્શન દેખાવો યોજાયા હતા. આ જ પ્રકારે કચ્છમાં ઠેર-ઠેર વિરોધ પ્રદર્શન યોજાયા હતા. ગાંધીધામમાં પ્રદર્શનકારીઓએ આંતકવાદીઓના પૂતળાનું દહન કર્યું હતું. તો માંડવીમાં પાકિસ્તાનનો રાષ્ટ્રધ્વજ બાળીને તેને પગ નીચે કચડવામાં આવ્યો હતો. સુરતમાં પણ દ્વારા આંતકવાદીઓના પૂતળાના દહનનો કાર્યક્રમ યોજાયો હતો. જયારે વલસાડમાં આંતકવાદીઓને જાહેરમાં ફાંસી આપવાનો વિરોધ કાર્યક્રમ યોજાયો હતો.