(સંવાદદાતા દ્વારા) અમદાવાદ, તા.૧ર
ગુજરાતમાં બઘડાટી બોલાવ્યા બાદ છેલ્લા એકાદ સપ્તાહથી હળવા મૂડમાં ચાલતા મેઘરાજાએ પુનઃ વરસવાનું શરૂ કર્યું છે અને દક્ષિણ ગુજરાત તથા મધ્ય પૂર્વ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં હળવા ઝાપટાંથી ત્રણ ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે. જ્યારે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં હળવા ઝાપટાં સ્વરૂપે વરસાદ નોંધાયો છે. ફર્લ્ડ કંટ્રોલ પાસેથી મળતી માહિતી અનુસાર છેલ્લા ર૪ કલાકમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં નોંધાયેલા વરસાદમાં મુખ્યત્વે દક્ષિણ ગુજરાત પંથકમાં ભરૂચ જિલ્લાના તાલુકાઓમાં અંકલેશ્વર-૭૦ મીમી, નેત્રંગ-૬ર મીમી, વાગરા-૬પ મીમી, હાંસોટ-૩૧ મીમી, ભરૂચ-રપ મીમી, તો વાલિયા-૧૯ મીમી વરસાદ નોંધાયો છે. નર્મદા જિલ્લાના તાલુકાઓમાં ગરૂડેશ્વર ૪૧ મીમી, ડેડિયાપાડા-૩૬ મીમી, નાંદોદ-૩ર મીમી, તિલકવાડા-૩૩ મીમી વરસાદ નોંધાયો છે. સુરત જિલ્લાના તાલુકાઓમાં માંગરોળ-ર૦ મીમી, માંડવી ૧૩ મીમી તો નવસારી જિલ્લાના તાલુકાઓમાં ચીખલી અને ખેરગામમાં વરસાદ નોંધાયો છે. તો ડાંગ જિલ્લાના તાલુકાઓમાં વધઈ-ર૩ મીમી, સુબીર અને ડાંગમાં હળવો વરસાદ નોંધાયો છે. પૂર્વ-મધ્ય ગુજરાત વિસ્તાર આણંદ જિલ્લાના તાલુકાઓમાં આંકલાવ-૩૧ મીમી, સોજીત્રા-૧૬ મીમી, ખંભાત-ઉમરેઠ-૧૧-૧૧ મીમી તો વડોદરા જિલ્લાના તાલુકાઓમાં ડભોઈ-૧૮ મીમી, કરજણ-૧પ મીમી અને સિનોર ૧૩ મીમી વરસાદ નોંધાયો છે. વડોદરા શહેરમાં ભારે વરસાદથી નીંચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા. છોટાઉદેપુર જિલ્લાના તાલુકાઓમાં સંખેડા-ક્વાંટ-૧૭-૧૭ મીમી, નસવાડી-૧૦ મીમી વરસાદ નોંધાયો છે. ઉત્તર ગુજરાતમાં ગાંધીનગર જિલ્લાના તાલુકાઓમાં કલોલ-૧૧ મીમી વરસાદ નોંધાયો છે. દરમિયાન હવામાન વિભાગના જણાવ્યા મુજબ મધ્યપ્રદેશમાં ડીપ પ્રેશર સર્જાતા જે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. તે જોતાં આગામી ચારેક દિવસમાં રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે. ભારે વરસાદને પગલે તંત્રને સચેત કરવામાં આવ્યું છે.