(સંવાદદાતા દ્વારા) અમદાવાદ, તા.ર૮
ભાદરવા માસની શરૂઆત થતાં રાજ્યમાં પુનઃ વરસાદી માહોલ છવાયો છે. પશ્ચિમ બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ ગુજરાત તરફ આગળ વધી રહી છે. જેના પગલે આગામી ત્રણ દિવસમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આથી રાજ્યના તમામ જિલ્લા કલેક્ટરો અને તાલુકા મામલતદારોને હેડ ક્વાર્ટર નહીં છોડવાના આદેશો અપાયા છે. દરમિયાન છેલ્લા ર૪ કલાકમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં ઝરમરથી લઈ સાત ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. ગત ર૪ કલાક દરમિયાન સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ઉપરાંત દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લામાં પણ હળવાથી ભારે વરસાદ નોંધાતા જગતનો તાત ખુશખુશાલ જણાઈ રહ્યો છે. ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં લોકો હાલાકીમાં મુકાયા હતા. બનાસકાંઠા જિલ્લાના અંબાજી પંથકમાં, સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી, સુરેન્દ્રનગર, પાલિતાણા, દક્ષિણ ગુજરાતના નવસારી, નર્મદા જિલ્લાના રાજપીપળા, વાપી તથા અરવલ્લી જિલ્લામાં ભારે વરસાદ નોંધાયો હતો. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૬૨ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. તિલકવાડામાં છ ઇંચ વરસાદ થઇ ગયો છે જ્યારે હાલોલ-સંખેડામાં પાંચ-પાંચ ઇંચ વરસાદ નોંધાયો છે. આવી જ રીતે ઉમરપાડામાં ચાર ઇંચથી વધુ વરસાદ નોંધાઈ ગયો છે. છ તાલુકાઓમાં ત્રણ અને ૧૬ તાલુકાઓમાં બે ઇંચ વરસાદ નોંધાયો છે. ૩૭ તાલુકાઓમાં એક ઇંચ વરસાદ થયો છે. રાજ્યમાં ધીરે ધીરે વરસી રહેલા વરસાદે છેલ્લા ચોવીસ કલાક દરમિયાન દક્ષિણ ગુજરાતમાં વરસવાનું ચાલુ રાખ્યું છે. રાજ્યના ૬૨ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ થયો છે. જેમાં નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકામાં ૧૬૭ મી.મી. એટલે કે છ ઇંચ, હાલોલમાં ૧૨૫ મી.મી., અને સંખેડામાં ૧૩૦ મી.મી., મળી કુલ બે તાલુકામાં પાંચ ઇંચ અને ઉમરપાડામાં ૧૦૮ મી.મી., એટલે કે ચાર ઇંચ જેટલો વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે. રાજ્યના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તા. ૨૮.૮.૨૦૧૭ને સવારે ૭.૦૦ કલાકે પુરા થતા ચોવીસ કલાક દરમિયાન છોટાઉદેપુર તાલુકામાં ૭૭ મી.મી., જાંબુધોડામાં ૮૮ મી.મી., હાંસોટમાં ૮૦ મી.મી., ડેડિયાપાડામાં ૭૫ મી.મી., વ્યારામાં ૮૮ મી.મી., માંડવી (સુરત)માં ૮૭ મી.મી., મળી કુલ છ તાલુકાઓમાં ત્રણ ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત રાજ્યના કઠલાલ તાલુકામાં ૬૦ મી.મી., મહેમદાબાદમાં ૬૦ મી.મી., માતરમાં ૬૦ મી.મી., નડિયાદમાં ૫૮ મી.મી., વસોમાં ૫૫ મી.મી., આંકલાવમાં ૬૦ મી.મી., ડેશરમાં ૪૯ મી.મી., બોડેલીમાં ૭૦ મી.મી., શહેરામાં ૫૧ મી.મી., ધોધામાં ૫૧ મી.મી., મહુવામાં ૫૦ મી.મી., નેત્રંગમાં ૫૧ મી.મી., ગરૂડેશ્વરમાં ૫૧ મી.મી., નાંદોદમાં ૫૬ મી.મી., સાગબારામાં ૫૨ મી.મી., મળી કુલ ૧૬ તાલુકાઓમાં બે ઇંચથી વધુ અને અન્ય ૩૭ તાલુકાઓમાં એક ઇંચથી વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.