Ahmedabad

રાજ્યમાં દુષ્કાળની ભીતિ : ડેમોમાં માત્ર પ૧.૩ર ટકા જ પાણી !

અમદાવાદ, તા.૪
રાજ્યમાં ચોમાસુ નબળું રહેતાં આ વર્ષે ૨૫ ટકા જેટલી વરસાદની ઘટ રહી છે. તેમાં પણ કચ્છ જિલ્લાની હાલત તો સૌથી વધારે ખરાબ છે. કચ્છમાં ૭૫ ટકા વરસાદની ઘટ પડી છે. તો દક્ષિણ ગુજરાતમાં ફક્ત ચાર ટકા જ વરસાદની ઘટ છે. વરસાદની ઘટને કારણે સરકારે ૧૬ તાલુકાના આશરે ૧૩૩૭ ગામોને અછતગ્રસ્ત જાહેર કર્યા છે. આ ગામોમાં સિંચાઈનું પાણી તેમજ પશુઓને ખવડાવવા માટે ઘાસ પણ નથી. ગુજરાતના જળાશયોની સ્થિતિ તપાસીએ તો માલુમ પડશે કે રાજ્યના ડેમોમાં સરેરાશ ૫૧.૩૨%(લાઇવ સ્ટોક) જ પાણીનો જથ્થો બચ્યો છે. એક તરફ કચ્છના માલધારીઓએ હિજરત શરૂ કરી છે તો બીજી તરફ ખેડૂતો સિંચાઈના પાણી માટે ઉપવાસ કરી રહ્યા છે. આંકડાઓ તો એવું જ કહી રહ્યા છે કે આવનારા દિવસો ગુજરાતના ખેડૂતો માટે મુશ્કેલીભર્યા હશે. ત્યારે ખરેખર સવાલ થાય છે કે શું ગુજરાતમાં ખરેખર દુષ્કાળના ડાકલા વાગી રહ્યા છે? રાજ્યમાં કેવી કપરી પરિસ્થિતિ ઉભી થઈ શકે છે તેનો અંદાજ તમે જ નીચે આપેલા આકંડાઓ પરથી લગાવો.
ચોથી ઓક્ટોબરના રોજ નર્મદા ડેમમાં ૮૪૭ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. જ્યારે તેની સામે પાણીની જાવક ૧૮,૬૩૫ ક્યુસેક છે. હાલ ડેમની સપાટી ૧૨૭.૪૨ મીટર છે. છેલ્લા ૨૪ કલાકમાં ડેમની સપાટીમાં ૧૦ સેન્ટીમીટરનો ઘટાડો નોંધાયો છે. ડેમમાં હાલ ૨૬૪૯ એમસીએમ લાઇવ પાણીનો જથ્થો છે. ખેતી માટે પાણીની માંગ વધવાને કારણે મુખ્ય કેનાલમાં વધારે પાણી છોડવામાં આવી રહ્યું છે. સરકાર દાવો કરી રહી છે કે નર્મદા ડેમમાં જે પાણી છે તેનાથી જ્યાં જ્યાં નર્મદા કેનાલનું નેટવર્ક છે ત્યાં આખું વર્ષ પીવાનું પાણી આપી શકાય તેમ છે. આ ઉપરાંત સિંચાઈ માટે પણ નર્મદાનું પાણી પૂરું પાડી શકાય તેમ છે. પરંતુ જ્યાં નર્મદા કેનાલનું નેટવર્ક નથી ત્યાં શું એ સવાલ ઉભો જ છે.
ગુજરાત સરકારે ૨૬મી સપ્ટેમ્બરના રોજ એક મહત્વપૂર્ણ નિર્ણય કરતા જે તાલુકાઓમાં ૧૨૫ મીમીથી ઓછો વરસાદ થયો છે તેમને અછતગ્રસ્ત જાહેર કર્યા હતા. સરકારે રાજ્યના ૧૪ તાલુકાઓને અછતગ્રસ્ત જાહેર કર્યા છે જેમાં કચ્છના ૧૦ અને બનાસકાંઠાના ૪ તાલુકાનો સમાવેશ થાય છે. મહેસૂલ મંત્રી કૌશિક પટેલે કચ્છના ૧૦ તાલુકાના ૮૯૩ ગામ, ઉત્તર ગુજરાતના ૪ તાલુકાના ૪૪૪ ગામ મળીને ૧૩૩૭ ગામને અછતગ્રસ્ત જાહેર કર્યા છે.