રાજ્યમાં મેઘમહેર જારી : ડાંગના વઘઈમાં ૬ ઈંચ વરસાદ ખાબક્યો

અમદાવાદ, તા.ર૧
છેલ્લા ચાર દિવસથી રાજ્યમાં ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે રાજ્યમાં વરસી રહેલા વરસાદને જોતાં છેલ્લા ર૪ કલાકમાં રાજ્યના બાવન તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ થયો છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં કેટલાક સ્થળોએ ૩થી ૬ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. જ્યારે આગામી ૭ર કલાક રાજ્યમાં અનેક સ્થળોએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ચોમાસું ધીરે ધીરે જામ્યું છે ત્યારે છેલ્લા ચોવીસ કલાકમાં ૫૨ તાલુકાઓમાં નોધપાત્ર વરસાદ વરસાવ્યો છે. જેમાં વઘઈ તાલકામાં ૧૬૪ મી.મી. એટલે કે ૬ ઈંચ તથા વ્યારામાં ૧૩૭મી.મી. અને વાલોડમાં ૧૩૩ મી.મી. મળી કુલ બે તાલુકાઓમાં ૫ ઈંચ અને ડોલવણ તાલુકામાં ૧૦૨ મી.મી. એટલે કે ૪ ઈંચથી વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે. હાલ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે હજુ ૭૨ કલાક ભારેથી અતિભારે વરસાદ પડશે. રાજ્યના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલ મુજબ આજે સવારે ૭ વાગ્યા સુધીમાં મહુવા તાલુકામાં ૯૭ મી.મી, બારડોલીમાં ૯૪ મી.મી., સોનગઢમાં ૮૬ મી.મી, ચોર્યાસીમાં ૮૨ મી.મી., કપરાડામાં ૭૭ મી.મી અને પલસાણામાં ૭૩ મી.મી. મળી કુલ ૬ તાલુકાઓમાં ૩ ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. આ ઉપરાત રાજ્યના ઉમરપાડા, સુબીર, નવસારી, સુરત શહેર, ધરમપુર, વાંસદા, ડાંગ, બોરસદ, નેત્રંગ, વાગરા, જેતપુર પાવી અને ગરબાડા મળી કુલ ૧૨ તાલુકાઓમાં બે ઈંચ અને અન્ય ૨૯ તાલુકાઓમાં એક ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. જ્યારે આ લખાઈ રહ્યું છે ત્યારે રાજ્યના અમદાવાદ સહિતના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યાના અહેવાલો સાંપડ્યા છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts