(સંવાદદાતા દ્વારા) સુરેન્દ્રનગર, તા.૧પ
વિધાનસભાની ચૂંટણીનો બુંગીયો વાગી મૂક્યો છે. ત્યારે ભાજપને મત આપવા માટે ખાસ કરીને પાર્ટી અને પાટીદારો રીતસરના મેદાનમાં આવી ગયા છે. ત્યારે સંકલ્પ યાત્રા લઈને ગાડીઓના કાફલા સાથે માલવણ આવી પહોંચેલ હાર્દિક પટેલે પોતાના ગામોમાં ભાજપને જાકારો આપવા માટે ૧૪૪ લાગુ કરીને ભાજપને ભૂંડા મોંએ પાછા ધકેલી દેવા માટે હાકલ કરી હતી. સાથે ઝાલાવાડના ગામડાઓમાં નર્મદા રથનો વિરોધ કરીને પાટીદારોએ પાવર બતાવ્યો હોઈ હજુ પણ વિરોધ ચાલુ રાખવા અપીલ કરી હતી.
માલવણ ઉમા સંકુલ ખાતે ગાડીઓના વિશાળ કાફલા સાથે આવેલા પાસના કન્વીનર હાર્દિક પટેલનું પાટીદાર સમાજે ભવ્ય સ્વાગત કર્યું હતું. ત્યારબાદ હાર્દિકે ઉમા સંકુલ ખાતે ભાજપ પર આકરા પ્રહાર કરતા જણાવ્યું કે ભાજપની નર્મદા રથયાત્રા સામે પાટીદારોની સોમનાથ સુધીની સંકલ્પ યાત્રા છે. યાત્રામાં ભીડનો અંદાજો જોઈને જ પાટીદારના પાવરનો ભાજપ સરકારને અંદાજ આવી જશે. આગામી ર૦૧૭ની વિધાનસભામાં ચૂંટણીમાં પાટીદારો દરેક ગામમાં પોતે સ્વયંભૂ ધારા ૧૪૪ લગાવી આપણી તાકાતનો પરચો બતાવે. હાર્દિક પટેલે ૧૧ વખત ‘જય સરદાર જય પાટીદાર’ના નારા લગાવી હોલ ગજવી નાખ્યો હતો.માલવણ હાઈવે ટોલનાકા પાસે પાટીદારોના ૩૦૦ ગાડીઓના કાફલાની તપાસ માલવણ ટોલટેક્ષ ખાતે ખુદ આઈ.જી. ડી.એન.પટેલ સહિતના સ્ટાફે કરી હતી. જેમાં તમામ ગાડીઓની તલાસી લેતા કેટલીક ગાડીઓમાંથી છરા અને ધોકા નીકળતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. આ દરમ્યાન પોલીસ અને પાટીદારો વચ્ચે ચકમક ઝરી હતી.