(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર,તા.રર
રાજ્યમાં હિન્દી ફિલ્મ પદ્માવતના રિલીઝને લઈને ચાલી રહેલ વિવાદ જારી રહેવા પામેલ છેે. કેટલાક શહેરોમાં અમુક સિનેમા થિયેટરોએ ફિલ્મ પ્રદર્શિત કરવાની તૈયારી દર્શાવી છે તો સામે વિરોધી દેખાવ કરનારાનું આક્રમક વલણ યથાવત છે રાજયમાં વિરોધ જારી રહેતા સુરત, નવસારી, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, દહેગામ સહિતના વિવિધ શહેરોમાં વિરોધી દેખાવો કરાયા હતા. આ સાથે દેખાવકારો પૈકીનાઓની ધરપકડનો દોર પણ આજે હાથ ધરાયો હતો તો બીજી તરફ એસ.ટી. બસોનો બંધ કરાયેલો વ્યવહાર આજે કેટલાક સ્થળોએ બપોરે કે તે પછી ધીમે ધીમે ચાલુ કરવામાં આવ્યો હતો. જો કે એસ.ટી. વ્યવહાર બંધ રહેવા દરમ્યાન ખાનગી વાહન ચાલકોએ ઉઘાડી લૂંટ ચલાવી મુસાફરોને બરોબરના લૂંટયા હતા.
પદ્માવત ફિલ્મને લઈને ચાલી રહેલ વિરોધ પ્રદર્શ આજે પણ યથાવત રહ્યુ છે. સરકાર અને વિવિધ રાજપુત સંગઠનો દ્વારા કરવામાં આવેલી શાંતીની અપીલ છતાં કરણી સેના, મહકાલ સેના વગેરેના કાર્યકર્તાઓ રસ્તા પર ઉતરીને ટાયરો સળગાવી હાઈ-વે બ્લોક કરતા જોવા મળ્યા હતા. બનાસકાંઠામાં પાલનપુર-થરાદ હાઈ-વે બ્લોક કરી દેવાતા વાહન ચાલકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.પદ્માવત ફિલ્મનો વિરોધ સોમવારે પણ યથાવત રહ્યો હતો.દેહગામ, સુરત, પાટણ, નવસારી, બનાસકાંઠા અને સાબરકાંઠામાં પણ ફિલ્મનો વિરોધ કરાવામાં આવ્યો છે,ત્યારે દહેગામમાં રેલવે સ્ટેશન પાસે આવેલી આશિષ હોટેલ નજીક લોકોનુ ટોળુ ધસી આવ્યુ હતું અને રસ્તા વચ્ચે ટાયર સળગાવી ફિલ્મનો વિરોધ કર્યો હતો.સુરતના કતારગામ સહિત ૧૦ સ્થળોએ પદ્માવત ફિલ્મનો વિરોધ કરવામાં આવ્યો હતો.કરણીસેના દ્વારા કતારગામ વિસ્તારમાં સિટીબસમાં તોડફોડ તોડફોડ કરવામાં આવી હતી. રાજયમાં અત્યાર સુધી બસોને આગ લગાવવાની ઘટનાઓ સામે આવતા અનેક એસટી રૂટ બંધ કરી દેવામાં આવેલા છે. જેના કારણે મુસાફરોએ ભારે હાલાકીનો સમાનો કરવો પડી રહ્યો છે. મહેસાણા એસટી વિભાગના ૧૧ ડેપોના એસટી બસોના તમામ રૂટ આજે સતત બીજા દિવસે પણ બંધ રાખવામાં આવ્યા છે. મહેસાણા, વિસનગર, વડનગર, ખેરાલુ, ઊંઝા, પાટણ, હારીજ, ચાણસ્મા, બેચરાજી, કડી, કલોલ ડેપોના રૂટ બંધ રહેતા મુસાફરોને ભારે હાલાકીનો સમાનો કરવો પડી રહ્યો છે. તો સુરતમાં હિંસક વિરોધ પ્રદર્શન મુદ્દે અલગ અલગ ૮ જેટલી ફરીયાદો દાખલ થઈ છે. શહેરના કાપોદ્રા, પુણા, કતારગામ, અમરોલી, ઉમરા પોલીસ સ્ટેશનમાં પોલીસે ટોળા સામે ફરિયાદ દાખલ કરી છે. તો પુણામાં મહિલા પોલીસ કોન્સ્ટેબલની છેડતી મુદ્દે પણ ફરિયાદ દાખલ થઈ છે. ફિલ્મ પદ્માવતના વિરોધ પ્રદર્શને લઈને અમદાવાદ સહિતના શહેરોમાં પોલીસ દ્વારા થીયેટરોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્તીની યોજના તૈયાર કરવામાં આવી છે. જે પણ થીયટર પદ્માવત ફિલ્મ રિલીઝ કરશે તેને પુરતા પ્રમાણમાં પોલીસ બંદોબસ્ત ફાળવવામાં આવશે.અમદાવાદમાં આજે વહેલી સવારથી જ ગીતા મંદિર બસ સ્ટેશન ખાતે પ૦૦થી વધુ બસો બંધ રાખવામાં આવી હતી. જો કે બપોર બાદ તે બસો રાબેતા મુજબ ચાલુ કરવામાં આવી હતી. એસ.ટી બસો નિશાન બનતા લોકો હાલાકીનો ભોગ બન્યા છે. અમદાવાદથી ઉત્તર ગુજરાત તરફ જતી એસ.ટી. બસો રદ કરી દેવાતા ખાનગી વાહનચાલકોએ રીતસરની લૂંટ ચલાવી હતી. લોકોની હાલાકી અને મજબૂરીનો લાભ લઈને ખાનગી વાહન ચાલકોએ બમણા ભાડા વસૂલ્યા હોવાની વ્યાપક ફરિયાદ ઉઠી છે.