(સંવાદદાતા દ્વારા) ગાંધીનગર, તા.પ
ગુજરાતમાં ગત ઉનાળા દરમિયાન પાણીની તંગીને લઈને અછતગ્રસ્ત જાહેર કરાયેલા ગામો તથા અન્ય ઘણા ગામોમાં પાણી માટેના ટેન્કરો અને ઘાસચારા વગેરેની લાંબી કામગીરી બાદ રાજ્યમાં સારો એવો વરસાદ પડતાં સરકારે અછત ઉઠાવી લેવાનો નિર્ણય કર્યો છે. આ સાથે ટેન્કરો દ્વારા પાણી પહોંચાડવાની કામગીરી પણ ઘટીને ર૦૪ ગામો પૂરતી હવે રહેવા પામી છે. રાજ્યમાં ર૬ ટકા જેટલો સિઝનનો વરસાદ વરસ્યો છે અને જળાશયોમાં પણ ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ૩૧ ટકા પાણીનો જથ્થો હોઈ સરકારે અછતની સ્થિતિમાંથી રાહત મેળવી છે. જ્યારે રાજ્યમાં તાજતેરમાં પડેલા અનરાધાર વરસાદને લીધે કુલ ૩ર મૃત્યુના બનાવમાં તેમના વારસદારોને સહાયની કામગીરી ચાલુ છે તથા નુકસાન ગ્રસ્ત વિસ્તારોને સર્વેની કામગીરી પણ ઝડપભેર પૂરી કરવાની તજવીજ હાથ ધરાઈ છે. રાજ્યમાં અછતમાંથી રાહતની સ્થિતિના નિર્માણ અંગેની વિગતો આપતાં મહેસૂલમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે રાજ્યમાં સાર્વત્રિક ર૬ ટકા જેટલો વરસાદ જે ગત વર્ષથી ૧૩.પ૪ ટકાની સરખામણીએ ઘણો સારો પડી ચૂક્યો હોઈ અગાઉ અછતગ્રસ્ત જાહેર કરાયેલા ૧૮ ગામોમાંથી અછત ઉઠાવી લેવાનો સરકાર દ્વારા નિર્ણય કરાયો છે. હાલમાં વરસાદને પગલે ર૯પથી વધુ ગામ-પરાંઓમાં ટેન્કરો દ્વારા પાણી પહોંચાડાતું હતું. તેમાં ઘટીને હવે ર૦૪ ગામ-પરામાં પાણી પહોંચાડાય છે. અછત હટાવી લેવા સાથે સરકારે ૧૯ જિલ્લાઓની નોંધાયેલી ગૌશાળા તથા પાંજરાપોળોમાં જ્યાં ઘાસ વિતરણ કરવાની કામગીરી જે ચાલી રહી છે તે હજુ ૧પ દિવસ ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે. તે પછી ચાલુ રાખવી કે કેમ તે ૧પ દિવસ પછી વિચારણા બાદ નિર્ણય લેવાશે. રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં સારો વરસાદ પડતાં અને અમુક વિસ્તારોમાં સાંબેલાધાર વરસાદને કારણે કુલ ૩ર વ્યક્તિઓના મૃત્યુ થવા પામ્યા છે. આ મૃતકોના વારસદારોને સહાય આપવા અંગેની કામગીરી તંત્ર દ્વારા પૂરજોશમાં જારી હોવાનું જણાવતા મંત્રીએ ઉમેર્યું હતું કે જ્યારે મિલકત વગેરેના નુકસાન અંગે હાલમાં સર્વે કરવામાં આવી રહેલ છે. કલેક્ટર સાથે સંપર્કમાં રહીને ઝડપી કામગીરી કરાઈ રહી છે. સર્વે રિપોર્ટ બાદ નિર્ણય લેવામાં આવશેે. અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરના ભારે વરસાદને લઈ ૩રના મોત તથા ૩૦૦ પશુઓના મૃત્યુ નોંધાયા હતા. જેમાં વીજળી પડવાથી વધુ મોત થયા હતા. રાજ્યના જળાશયોમાં પણ પાણીની આવક વધી રહી છે. હાલમાં રાજ્યના જળાશયોમાં ૦.૯ મિલિયન એકર ફીટ પાણીનો સંગ્રહ થવા પામેલ છે. એટલે કે રાજ્યના મધ્યમ અને મોટા બંધોમાં ૪પ ટકા જેટલો પાણીનો સંગ્રહ થયો છે. આ ઉપરાંત ૬,૧૧,૦૦૦ જેટલા ચેકડેમ, તળાવ વગેરેમાં પણ પાણી ભરાયા છે. કુલ મળીને રાજ્યમાં હાલમાં વાવેતર તથા ખેતી માટે અને પીવા માટે પાણીની સારી સંતોષકારક સ્થિતિ હોવાનું જણાવતા મંત્રીએ કહ્યું કે રાજ્યમાં આપત્તિને પહોંચી વળતા તંત્ર સજ્જ છેે.