(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ,તા.ર૬
શંકરસિંહ વાઘેલાના રાજીનામા બાદ ખાલી પડેલી ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષના નેતાના પદ પર ઉપનેતા મોહનસિંહ રાઠવાની નિયુક્તિ કરાયા બાદ આજરોજ તેમણે ચાર્જ સંભાળ્યો હતો. ચાર્જ સંભાળ્યા બાદ વિરોધ પક્ષના નેતા મોહનસિંહ રાઠવા અને પૂર્વ નેતા શક્તિસિંહ ગોહિલની આગેવાનીમાં કોંગ્રેસનું પ્રતિનિધિ મંડળ મુખ્ય સચિવને મળ્યું હતું અને રાજ્યના લાખો પૂર અસરગ્રસ્તોને સરકાર તાત્કાલિક સહાય પહોંચાડી મદદરૂપ બને તે સહિતની માગણીઓ સાથે આવેદનપત્ર પાઠવ્યું હતું.
મોહનસિંહ રાઠવાએ જણાવ્યું હતું કે, અતિવૃષ્ટિના કારણે સમગ્ર રાજ્યમાં અનેક પરિવારો વહીવટી તંત્રની મદદની રાહ જુએ છે પણ હજુ સુધી વહીવટી તંત્ર દ્વારા સહાય તો બાજુ પર રહી, અસરગ્રસ્તો સુધી પહોંચી પણ શક્યું નથી અને તેમની ખબર સુદ્ધાં પણ પૂછવા આવ્યું નથી. સમગ્ર રાજ્યમાંથી સ્થાનિક અહેવાલો પ્રાપ્ત થાય છે તે પ્રમાણે સમગ્ર રાજ્યમાં રૂા.૧૦ લાખ કરોડનું નુકસાન થયું હોવાનો અંદાજ છે.