રાજ્યમાં સ્વાઈન ફ્લૂએ વધુ ૧રનો ભોગ લીધો : કુલ મૃત્યુ આંક ર૪ર

અમદાવાદ, તા.૧૮
રાજ્યમાં છેલ્લા એક મહિનાથી પણ વધુ સમયથી વ્યાપેલો સ્વાઈન ફ્લૂનો કહેર યથાવત રહ્યો છે. રાજ્યના મોટા ભાગના જિલ્લા સ્વાઈન ફ્લૂની ઝપટે ચડ્યા છે. સ્વાઈન ફ્લૂએ આજે વધુ ૧રનો ભોગ લેતા કુલ મૃત્યુઆંક ર૪ર થઈ ગયો છે. જ્યારે સ્વાઈન ફ્લૂ મહામારી બની ચૂક્યો છે ત્યારે હજુ પણ સરકાર અને તંત્ર અંધારામાં હોય તેવું લાગી રહ્યું છે અને સ્વાઈન ફ્લૂ પાછળ જવાબદાર વાયરસ હજી શોધાયો નથી. ગુજરાતમાં સ્વાઈન ફ્લૂની મહામારી એટલી ઝડપથી ફેલાઈ રહી છે કે ખુદ હાઈકોર્ટે આ મામલે સરકારને તાત્કાલિક ધોરણે પગલા લેવા આદેશ આપવા પડ્યા છે. ગુજરાત સરકાર સ્વાઈન ફ્લૂ પર અંકુશ મેળવવામાં તદ્‌ન નિષ્ફળ સાબિત થઈ છે. ર૪ર લોકોના મોત થઈ ચૂક્યા છે. ગુજરાત હાઈકોર્ટની ફટકાર બાદ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુરૂવારે ચારેય મોટા શહેરોની સિવિલ હોસ્પિટલની જાત મુલાકાત લીધી હતી. તેમજ આરોગ્ય વિભાગે ઉઠાવેલ પગલાઓથી સંતોષ વ્યક્ત કર્યો હતો. પરંતુ મોટો સવાલ એ છે કે, સરકાર હજી સ્વાઈન ફ્લૂ મામલે સાવ અંધારામાં રમી રહી છે. વાસ્તવમાં તો આ વખતે સ્વાઈન ફ્લૂ પાછળ કયો વાયરસ જવાબદાર છે તે ન તો આરોગ્ય વિભાગ જાણે છે કે ન સરકાર. આ વાત આરોગ્ય મંત્રી અને સિવિલ હોસ્પિટલના અલગ અલગ નિવેદનોથી સ્પષ્ટ થઈ રહી છે. એકબાજુ તબીબો જ્યાં આ વખતના સ્વાઈન ફ્લૂ પાછળ અલગ જ વાયરસ જવાબદાર હોવાનો દાવો કરી રહ્યા છે ત્યારે બીજીબાજુ આરોગ્ય મંત્રી શંકર ચૌધરી સ્વાઈન ફ્લૂ પાછળ પરંપરાગત વાયરસ જ જવાબદાર હોવાનો દાવો કરી રહ્યા છે. જેના પરથી સ્પષ્ટ થઈ રહ્યું છે કે સરકાર અને આરોગ્ય તંત્ર હજી સ્વાઈન ફ્લૂને લઈ અંધારામાં હોય તેવું લાગી રહ્યું છે. એટલું જ નહીં સરકાર યુદ્ધના ધોરણે કામગીરી થઈ રહી હોવાના દાવા કરી રહી છે. સમગ્ર આરોગ્ય તંત્ર કામે લગાડાયુ હોવાના પણ દાવા થઈ રહ્યાં છે. જ્યારે શહેરોમાં પણ અનેક સ્થળોએ ગંદકી યથાવત છે તેના નિકાલ માટેની કોઈ વ્યવસ્થા થઈ રહી નથી. ઉપરાંત તૂટેલા રસ્તાઓ અને ઉડતી ધૂળ લોકોના આરોગ્ય પર અસર કરી રહી છે. તેમજ રસ્તાઓ પર રખડતા પશુઓ સ્વાઈન ફ્લૂના વાયરસને વધુ ઝડપથી પ્રસરાવી રહ્યા છે. ખુલ્લેઆમ કાપેલા ફળો અને શાકભાજીનું વેચાણ થઈ રહ્યું છે. તેમ છતાં આરોગ્ય વિભાગ તરફથી કોઈ જ પગલા લેવાઈ રહ્યાં નથી. આવી સ્થિતિમાં સ્વાઈન ફ્લૂનો વાયરસ કાબુમાં આવવાનું તો દૂર રહ્યું આગામી સમયમાં વધુ વકરે તેવા એંધાણ મળી રહ્યાં છે. સમગ્ર મામલે સરકાર અને આરોગ્ય વિભાગની ઉદાસીનતા અને બેદરકારી નજરે પડી રહી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks