રાજ્યમાં સ્વાઈન ફ્લૂના કહેરમાં ૧૪૦થી વધુ જિંદગીઓ હોમાઈ

અમદાવાદ, તા.૧૦
રાજયભરમાં સ્વાઇન ફલુનો વાયરસ ખતરનાક રીતે ત્રાટકયો છે અને અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને સૌરાષ્ટ્ર-કચ્છ સહિતના વિસ્તારોમાં જાણે સ્વાઇન ફલુએ હાહાકાર મચાવ્યો છે. સ્વાઇન ફલુના ખતરનાક કહેરના લીધે અત્યારસુધીમાં રાજયભરનો કુલ મૃત્યુઆંક હવે ૧૪૦ને આંબી ગયો છે, તો સ્વાઇન ફલુ પોઝીટીવના રાજયમાં એક હજારથી વધુ કેસો નોંધાયા છે. જેમાં સૌથી વધુ અમદાવાદમાં ૨૨૫થી વધુ કેસો સામે આવ્યા છે. અમદાવાદમાં છેલ્લા ૨૪ કલાકમાં નરોડાની મહિલા અને વિરાટનગરના એક પુરુષ દર્દીનું સ્વાઇન ફલુના કારણે મૃત્યુ થયું છે. આ સાથે અમદાવાદમાં છેલ્લા નવ દિવસમાં સ્વાઇન ફલુના કારણે ૧૨ મૃત્યુ નોંધાતા જબરદસ્ત ચકચાર મચી ગઇ છે. વડોદરામાં છેલ્લા ૨૪ કલાકમાં ચાર દર્દીઓના મોત નોંધાયા હતા. રાજયભરમાં જે પ્રકારે સ્વાઇન ફલુના પોઝીટીવ કેસો વધી રહ્યા છે અને જે હદે મૃત્યુઆંક વધી રહ્યો છે તેનાથી પ્રજા હવે ખરેખર ભયભીત બની છે.તો બીજીબાજુ, સરકારની ગંભીર નિષ્ક્રિયતા સામે આવી રહી છે. અત્યારસુધીમાં સૌથી વધુ મત્યુઆંક સૌરાષ્ટ્ર-રાજકોટમાં ૫૦નો નોંધાયો છે. રાજયભરમાં સ્વાઇન ફલુની વકરતી ભયાવહ સ્થિતિને ખુદ રાજય સરકાર અને આરોગ્ય તંત્ર જબરદસ્ત ચિંતિંત બન્યું છે કારણ કે, રાજયમાં સ્વાઇન ફુલની સ્થિતિ ગત વર્ષની સરખામણીમાં આ વખતે વધુ ખતરનાક અને ભયંકર છે પરંતુ સરકારની આ ચિંતા અને લેવાઇ રહેલા પગલાં જાણે દાવા પોકળ સાબિત થઇ રહ્યા છે. સ્વાઇન ફલુ પોઝીટીવના વધતા જતા કેસો અને વધી રહેલા મૃત્યુઆંકને જોતાં રાજયના આરોગ્યતંત્ર આ મામલે નિષ્ફળ સાબિત થઇ રહ્યું છે. અમદાવાદ શહેરમાં અત્યારસુધીમાં કુલ મળી ૨૨૫થી વધુ સ્વાઇન ફલુ પોઝીટીવના કેસો સામે આવ્યા છે, જેમાં ૩૭ કેસો તો છેલ્લા ૨૪ કલાકમાં નોંધાયા છે. સ્વાઇન ફલુના કારણે અમદાવાદમાં છેલ્લા નવ દિવસમાં ૧૨ મોત નોંધાતા શહેરનો કુલ મૃત્યુઆંક ૨૬ થઇ ગયો છે. સ્વાઇન ફલુના જબરદસ્ત કહેરના લીધે રાજયના અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, સૌરાષ્ટ્ર-કચ્છ સહિતના વિસ્તારોમાં અત્યારસુધીમાં ૧૪૦ જેટલા દર્દીઓના મોત નીપજયા છે. ગયા વર્ષની સરખામણીએ સ્વાઇન ફલુના કારણે આ વખતે રાજયમાં ખતરનાક ભય અને ચિંતાજનક સ્થિતિનું નિર્માણ થયું છે. અત્યારસુધીમાં એક હજારથી વધુ સ્વાઇન ફલુના પોઝીટીવ કેસો સામે આવ્યા છે. માત્ર છ મહિનામાં જ સ્વાઇન ફુલના કેહરે આ વરવી પરિસ્થિતિનું નિર્માણ કર્યું છે. જેમાં અમદાવાદમાં અત્યારસુધીમાં ૨૬, વડોદરામાં ૨૦, સુરતમાં ૧૦, રાજકોટ-સૌરાષ્ટ્રમાં ૫૦, કચ્છ-ભુજમાં ૧૫થી વધુ, ગીર-સોમનાથમાં પાંચ, જામનગરમાં ૧૦ અને આણઁદમાં ત્રણથી વધુ દર્દીઓના મોત મળી કુલ ૧૪૦ લોકોનો ભોગ સ્વાઇન ફલુએ લીધો છે. ખુદ સરકારી હોસ્પિટલોના સત્તાવાળાઓએ કબૂલ્યું છે કે, આ વર્ષે રાજયભરમાં સ્વાઇન ફુલની સ્થિતિ ઘણી ચિંતાજનક અને ભયંકર છે અને સરકારી હોસ્પિટલોમાં સ્વાઇન ફલુના દર્દીઓ માટે આઇસોલેશન વોર્ડ સહિતની સુવિધા તૈનાત કરાઇ છે. જો કે, આરોગ્યવિભાગના અધિકારીઓના આ દાવાઓ છતાં સ્વાઇન ફલુ કે તેનો ભરડો કંટ્રોલમાં આવતો જણાતો નથી. ઉલ્ટાનું દિન-પ્રતિદિન સ્વાઇન ફલુની પરિસ્થિતિ વણસી રહી છે અને ભયંકર રીતે વકરી રહી છે. જે પ્રકારે નિર્દોષ નાગરિકો સ્વાઇન ફલુના ભરડામાં હોમાઇ રહ્યા છે તે પરથી રાજય સરકાર અને આરોગ્યતંત્રની સરેઆમ નિષ્ફળતા સામે આવી છે.
સ્વાઇન ફુલનો ભરડો એવો હોય છે કે તેમાં વ્યકિત ભરડાઇ ગયા બાદ જાણ થાય છે, તેથી સરકાર અને આરોગ્યતંત્ર લોકોને આ વાયરસ પરત્વે જાગૃત અને સજાગ રહેવા પણ લોકોને અપીલ કરી રહી છે. નાગરિકોએ પણ સ્વાઇન ફલુના આ એચ-૧એન-૧ વાયરસ પરત્વે જાગૃતિ કેળવી સલામતીના ઉપાયો કરવા જોઇએ. કેટલીક સરકારી હોસ્પિટલોએ તો સ્વાઇન ફુલના રક્ષણ સામે આયુર્વેદિક ઉકાળાનું વિનામૂલ્યે વિતરણ શરૂ કર્યું છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts