અમદાવાદ,તા.ર૩
રાજ્ય સરકારે આજરોજ ખેડૂતલક્ષી નિર્ણય લઈને રાજયભરના ખેડૂતોને વધારાના બે કલાક વીજપુરવઠો આપવાનું નક્કી કર્યું છે. ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે સરકાર સામે વધતા જતા વિરોધને શાંત પાડવા સરકારે અનેક નિર્ણયો અને જાહેરાત કરવાની ફરજ પડી છે. આ અંગે માહિતી આપતા રાજ્યના ઊર્જામંત્રીએ જણાવ્યું હતું કે ખેડૂતોને સિંચાઈ માટે પાણી પૂરું પાડવા જરૂરી વધારાનો વીજપુરવઠો આપવાની ખેડૂતોની લાગણીનો રાજ્ય સરકારે તાત્કાલિક પ્રતિભાવ આપ્યો છે અને ખેડૂતોની આ લાગણીને ધ્યાને લઈને રાજ્ય સરકારે ખેડૂતોને હાલ જે વીજપુરવઠો મળે છે તેમાં વધારાના બે કલાક ઉમેરી રાજ્યભરના ખેડૂતોને કુલ દસ કલાક વીજપુરવઠો પૂરો પાડવાનો નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારના નિર્ણયને લીધે રાજ્યના ખેડૂતો તેમના પાકને પૂરતું પિયત આપી શકશે. ભૂતકાળમાં પણ રાજ્યના ખેડૂતોને જ્યારે જ્યારે જરૂરિયાત જણાઈ છે ત્યારે જે તે વિસ્તાર અને પાકની જરૂરિયાત મુજબ રાજ્ય સરકારે તાત્કાલિક નિર્ણય લઈને રાજ્યના ખેડૂતોને વધારાનો વીજપુરવઠો પૂરો પડ્યો છે, એમ પણ મંત્રીએ દાવો કર્યો હતો.