Site icon Gujarat Today

રાજ્યના ખેડૂતોને ખેતી માટે વધુ બે કલાક વીજ પુરવઠો અપાશે

અમદાવાદ, તા.૧૬
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના મહિનાઓ બાકી રહ્યા છે. ત્યારે રાજ્યની ભાજપ સરકારે ખેડૂતોને રિઝવવા માટે નિતનવા પેકેજો જાહેર કરી, નવી નવી જાહેરાતો કરી રહી છે. ખેડૂતોને ટેકાના ભાવ આપવામાં પણ આડોડાઈ કરતી સરકાર હવે ચૂંટણી આવતા જ જગતનો તાત યાદ આવી ગયો છે. ત્યારે ચૂંટણીમાં પણ ખેડૂતો ટેકાનો ભાવ ન આપનારી ભાજપ સરકારને ટેકો ના આપે તેવા ભયમાં સરકારે ખેડૂતોને વધારાનો બે કલાક વીજ પુરવઠો આપવાનો નિર્ણય કર્યો છે. ગુજરાતની ભાજપ સરકારના ઊર્જા મંત્રી ચીમન સાપરિયાએ સરકારે કરેલા ખેડૂતલક્ષી નિર્ણયની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વમાં રાજ્ય સરકારે ખેડૂતલક્ષી નિર્ણયો લીધા છે. રાજ્ય સરકારે વધુ એક ખેડૂતલક્ષી નિર્ણય લઈને રાજ્યભરના ખેડૂતોને વધારાના બે કલાક વીજ પુરવઠો આપવાનું નક્કી કર્યું છે. મગફળી અને ડાંગર પકવતા ખેડૂતોને સિંચાઈ માટે પાણી પૂરૂ પાડવા જરૂરી વધારાનો વીજ પુરવઠો આપવાની ખેડૂતોની લાગણીનો રાજ્ય સરકારે તાત્કાલિક પ્રતિભાવ આપ્યો છે અને ખેડૂતોની આ લાગણીને ધ્યાને લઈને રાજ્ય સરકારે રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં ખેડૂતોને હાલ જે જેવી પુરવઠો મળે છે તેમાં વધારાના બે કલાક ઉમેરી રાજ્યભરના ખેડૂતોને કુલ દસ કલાક વીજ પુરવઠો પૂરો પાડવાનો નિર્ણય કર્યો છે. મંત્રીએ એમ પણ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારના નિર્ણયને લીધે રાજ્યના મગફળી અને ડાંગર પકવતા ખેડૂતો તેમના પાકને પૂરતું પિયત આપી શકશે.

Exit mobile version