અમદાવાદ, તા.૨૪
બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયાના વકીલો માટેના નવા પ્રેકટીસ રૂલ્સ અનુસંધાનમાં સુપ્રીમકોર્ટના નિર્દેશાનુસાર દેશની તમામ બાર કાઉન્સીલ હેઠળ નોંધાયેલા વકીલોના વેરીફિકેશન કરી મતદાર યાદી તૈયાર કરવાની હતી પરંતુ ઘણા રાજયોમાં વેરીફિકેશન પ્રક્રિયા જ પૂર્ણ થઇ નહી હોવાથી દેશના દસ રાજયોમાં બાર કાઉન્સીલ ટર્મ પૂર્ણ થઇ ગઇ હોવાછતાં ત્યાંની ચૂંટણીઓ અટવાઇ પડી છે. બીજીબાજુ, ગુજરાત બાર કાઉન્સીલમાં પણ વકીલોની વેરીફિકેશન પ્રક્રિયા વિલંબિત થઇ છે અને તેને પૂર્ણ થતાં હજુ ખાસ્સો સમય લાગે તેમ હોઇ તા.૧૭મી ડિસેમ્બરે ગુજરાત બાર કાઉન્સીલની ટર્મ પૂર્ણ થઇ રહી છે ત્યારે ખૂબ જ મહત્વની એવી ગુજરાત બાર કાઉન્સીલની ચૂંટણી પણ વિલંબિત થાય તેવી પૂરી શકયતા છે. દરમ્યાન ગુજરાત રાજયના ૨૫૦થી વધુ વકીલ મંડળો(બાર એસોસીએશનો)ની ચૂંટણી ડિસેમ્બર મહિનાના બીજા શુક્રવારે તા.૮મીએ યોજાવાની હતી પરંતુ લગ્નસરાની સીઝનને લઇ આ તારીખમાં ફેરફાર કરી તા.૧૫મી ડિસેમ્બર કરવામાં આવી છે, જેથી હવે રાજયના તમામ બાર એસોસીએશનોની ચૂંટણી તા.૧૫મી ડિસેમ્બરે યોજાશે. આ અંગે ગુજરાત બાર કાઉન્સીલની શિસ્ત સમિતિના ચેરમેન અનિલ સી.કેલ્લાએ જણાવ્યું હતું કે, ગુજરાત બાર કાઉન્સીલની જનરલ બોડીની બેઠકમાં આજે રાજયના વિવિધ બાર એસોસીએશન તરફથી તા.૮મી ડિસેમ્બરે યોજાનારી ચૂંટણી લગ્નસરાની સીઝનને લઇ તારીખ બદલવા જે રજૂઆત કરાઇ હતી, તેને ધ્યાને લેવાઇ હતી અને પુખ્ત વિચારણાના અંતે તારીખમાં ફેરફાર કરી તા.૧૫મી ડિસેમ્બર ચૂંટણીની તારીખ નક્કી કરાઇ હતી. દરમ્યાન વકીલોના વેરીફિકેશન મામલે તેમણે જણાવ્યું કે, બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયા દ્વારા ૨૦૧૫માં વકીલો માટે વેરીફિકેશન ફોર પ્રેકટીસ રૂલ્સ બનાવ્યા હતા. જેના અનુસંધાનમાં ૧૯૭૬ પછી ૨૦૧૦ સુધીના વકીલોએ પોતાનું વેરીફિકેશન કરાવવાનું ફરજિયાત હતું. આ માટે બાર કાઉન્સીલમાં વેરીફિકેશન ફોર્મ પોતાના હાયર સેકન્ડરી, ગ્રેજયુએશન અને એલએલબીની માર્કશીટ, સનદ સહિતના દસ્તાવેજો પોતાના વકીલાતનામા સાથે જમા કરાવવાનું હતું. જે વકીલો આવા ફોર્મ જમા ના કરાવે તેઓને નોન પ્રેકટીસીંગ એડવોકેટ તરીકે જાહેર કરવાનું બીસીઆઇએ ઠરાવ્યું હતું. જો કે, બીસીઆઇના આ રૂલ્સને સુપ્રીમકોર્ટમાં પડકારાતાં દેશના દિલ્હી, કેરાલા, આસામ, મદ્રાસ, મહારાષ્ટ્ર, બિહાર, ઉત્તરપ્રદેશ સહિતના દસ રાજયોમાં બાર કાઉન્સીલની ટર્મ પૂર્ણ થઇ ગઇ હોવાછતાં અને વકીલોની વેરીફિકેશનની પ્રક્રિયા પૂર્ણ નહી થઇ શકતાં આ દસ રાજયોની બાર કાઉન્સીલની ચૂંટણી અટવાઇ પડી છે. બાર કાઉન્સીલના પૂર્વ ચેરમેન અનિલ કેલ્લાએ ઉમેર્યું હતું કે, ગુજરાતના આશરે ૨૦ હજારથી વધુ વકીલોએ બીસીઆઇના નવા રૂલ્સ મુજબ, ફરજિયાતપણે ભરવાના થતાં વેરીફિકેશન ફોર્મ હજુ ભર્યા જ નથી. રાજયના ૩૦,૨૫૦ વકીલોએ પોતાના આ ફોર્મ ભર્યા છે. જે પૈકી દસ હજાર વકીલોની માર્કશીટ અને દસ્તાવેજો ગુજરાત બાર કાઉન્સીલે ગુજરાત યુનિવર્સિટી સહિતની સાત યુનિવર્સિટીને વેરીફિકેશન માટે મોકલી આપ્યા છે. જો કે, વેરીફિકેશનની સમગ્ર કામગીરી પૂર્ણ થતાં હજુ ચારથી પાંચ મહિના જેટલો સમય વીતી જાય તેમ છે અને ત્યાં સુધીમાં તા.૧૭-૧૨-૨૦૧૭એ ગુજરાત બાર કાઉન્સીલની ટર્મ પણ પતી જાય છે એટલે વેરીફિકેશનની પ્રક્રિયા વિલંબિત થવાના કારણે ગુજરાત બાર કાઉન્સીલની ચૂંટણી પણ વિલંબિત થાય તેવી પૂરી શકયતા છે.