અમદાવાદ, તા.૬
રાજ્યની ર૭ આયુર્વેદ કોલેજોમાંથી ૧૮ અને ૩૩ હોમિયોપેથી કોલેજોમાંથી ર૦ કોલેજોને હજી સુધી મંજૂરી ન મળતા ધો.૧ર વિજ્ઞાન પ્રવાહના પરિણામના ત્રણ મહિના બાદ પણ પ્રવેશ પ્રક્રિયામાં વિસંગતતા ઊભી થઈ છે. પરિણામે રાજ્યના ૬ર હજાર વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મૂકાયા છે.
કેન્દ્રની ભાજપ સરકારના આયુષ મંત્રાલયે ગુજરાતની આયુર્વેદ અને હોમિયોપેથી કોલેજોને મંજૂરી ન આપીને ડોક્ટર બનવા માગતા ગુજરાતના હજારો વિદ્યાર્થીઓના ભવિષ્ય પર તરાપ મારી હોવાનો આક્ષેપ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડો. મનીષ દોશીએ જણાવ્યું હતું કે, ધોરણ ૧ર વિજ્ઞાન પ્રવાહના હજારો વિદ્યાર્થીઓ છેલ્લા ૩ મહિનાથી આયુર્વેદ અને હોમિયોપેથીમાં પ્રવેશ માટે રાહ જોઈ રહ્યા છે. પરંતુ કોલેજોને મંજૂરી ના મળતા પ્રવેશ કમિટી દ્વારા જે કોલેજોને મંજૂરી નથી મળી તે કોલેજોને પ્રવેશ પ્રક્રિયામાંથી બાકાત રાખીને પ્રવેશ પ્રક્રિયા શરૂ કરી દીધી છે. મેડિકલ બાદ વિદ્યાર્થીઓની પસંદગી આયુર્વેદ અને હોમિયોપેથી હોય છે. પરંતુ બંને વિદ્યાશાખાની મોટાભાગની કોલેજોને મંજૂરી ન મળતા હજારો વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મૂકાયા છે. રાજ્યમાં હોમિયોપેથીની ૩રરપ સીટો છે, જેમાંથી ૧૧૦૦ સીટોને જ મંજૂરી મળી છે જ્યારે ર૧રપ સીટોને મંજૂરી મળી છે. જ્યારે ૧૭૮૦ સીટોને હજુ મંજૂરી મળવાની બાકી છે. આમ મંજૂરી ના મળવાના વાંકે હજારો વિદ્યાર્થીઓ હોવા છતાં પ્રવેશ આપી શકાતો નથી. કોલેજોમાં પૂરતી સુવિધા છે કે નહીં તેની તપાસ કરીને મંજૂરી અંગેની કામગીરી સમયસર પૂર્ણ થાય તે હજારો વિદ્યાર્થીઓના હિતમાં અને પ્રવેશ પ્રક્રિયા માટે પણ જરૂરી છે.
રાજ્યમાં આયુર્વેદ અને હોમિયોપેથી કોલેજોને મંજૂરી ના મળતા પ્રવેશ કમિટી અને વિદ્યાર્થીઓની હેરાનગતિમાં વધારો થયો છે. જેના કારણે મેડિકલ-પેરા મેડિકલની સમગ્ર પ્રવેશ પ્રક્રિયા ખોરવાય છે. ચાલુ વર્ષે મેડિકલ અને ડેન્ટલની પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. આયુર્વેદ કોલેજોને સીસીઆઈએમ એટલે કે સેન્ટ્રલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયન મેડિસીન દ્વારા મંજૂરી આપવામાં આવતી હોય છે પરંતુ કાઉન્સિલની બેદરકારીને કારણે ચાલુ વર્ષે હજુ સુધી કોલેજોનું ઈન્સપેકશન પૂર્ણ કરાયું નથી. જેના કારણે મંજૂરી મળી શકી નથી.
આયુર્વેદ અને હોમિયોપેથીમાં પ્રવેશ મેળવવા ઈચ્છતા વિદ્યાર્થીઓને પેરા મેડિકલમાં પ્રવેશ મળ્યો હોવા છતાં પોતાનો પ્રવેશ કન્ફર્મ કરાવતા નથી. જેના કારણે પ્રથમ રાઉન્ડમાં પેરા મેડિકલની સીટો પણ ખાલી રહી છે ત્યારે હવે પેરા મેડિકલમાં બીજા રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયા આયુર્વેદ અને હોમિયોપેથી કોલેજોને મંજૂરી મળ્યા બાદ જ શરૂ કરાશે. આમ આયુર્વેદ અને હોમિયોપેથી મંજૂરી ના મળતા પેરા મેડિકલના બીજા રાઉન્ડમાં પણ વિલંબ થઈ રહ્યો છે. પરિણામે પ્રથમ સત્રનું શૈક્ષણિક કાર્ય ક્યારે શરૂ થશે તે પણ નિશ્ચત થતું નથી.