(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.રર
રાજ્યના ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં આરોગ્ય સુવિધાઓ પૂરી પાડવા યોગદાન આપતી આશાવર્કર બહેનોને માનદવેતનમાં પ્રતિમાસ ૩૦ ટકા બોનસ આપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. રાજ્યની ૪૦ હજારથી વધુ આશા બહેનોને આનો લાભ મળશે. ઉપરાંત આશા બહેનોને બે સાડી અથવા ડ્રેસ જે પસંદ કરે તે વિના મૂલ્યે અપાશે. જેનાથી રાજ્ય સરકારને વર્ષાન્તે ૪૦ કરોડનો વધારાનો બોજ પડશે. આ સંપૂર્ણ રકમ રાજ્ય સરકારના ભંડોળમાંથી ચૂકવાશે.
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ અંગે વિગતો આપતા કહ્યું હતું કે રાજ્ય સરકારે સરકારી અધિકારી/કર્મચારીઓ, ગ્રાન્ટેબલ સંસ્થાઓના કર્મચારીઓ, બોર્ડ-નિગમના કર્મચારીઓને સાતમાં પગાર પંચના લાભો પૂરા પાડ્યા છે. ત્યારે આ આશા બહેનોને અપાતા પ્રોત્સાહક રકમમાં પણ વધારો કરવા આરોગ્ય મંત્રી શંકર ચૌધરી દ્વારા મુખ્યમંત્રી વિજય રૂપાણીને રજૂઆત કરાઈ હતી જેને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રીએ આ મહત્ત્વનો નિર્ણય કર્યો છે. આનો લાભ ૪૦,૦૦૦થી વધુ આશા બહેનોને મળશે. આ વધારાનો અમલ ૧-૪-ર૦૧૭થી કરવામાં આવશે. એટલે પાંચ મહિનાનું એરિયર્સ પણ ચૂકવવામાં આવશે. આ ઉપરાંત આંગણવાડી બહેનોને ગણવેશની વિના મૂલ્યે સુવિધાઓ રાજ્ય સરકારે પૂરી પાડી છે તે જ રીતે આશા બહેનોને પણ દર વર્ષે બે સાડી/ડ્રેસ તેઓ જે પસંદ કરે તે વિના મૂલ્યે રાજ્ય સરકાર દ્વારા પૂરા પડાશે.
રાજ્યના ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં આશા બહેનોની પસંદગી સ્થાનિક કક્ષાએ ગ્રામ્ય સભાના માધ્યમથી સેવાકીય ધોરણોને ધ્યાનમાં રાખીને કરવામાં આવતી હોય છે. આ આશા બહેનો તેઓની રોજીંદી કામગીરીની સાથે સાથે ગામમાં કામગીરી કરતી હોય છે. આ આશા બહેનોને માસિક પ્રોત્સાહક રકમ આશરે ર૦૦૦થી રપ૦૦ મળતી હોય છે જેમાં આ વધારો થવાથી વર્ષાન્તે દરેક આશા બહેનોને અંદાજે રૂા.૯૦૦૦ સુધીનો વધારો મળશે. રાજ્યમાં હાલ ૪૦,૪૬૦થી વધુ આશા બહેનો આરોગ્ય સ્વયંસેવક તરીકે ગ્રામસભાના માધ્યમથી સેવાઓ આપી રહી છે.