અમદાવાદ, તા.૬
રાજ્યના આઠ મહાનગરોમાં સત્તા ભોગવતા ભાજપના શાસનકાળમાં ભ્રષ્ટાચાર કઈ હદે વ્યાપક બની ગયો છે. તેનું એકમાત્ર ઉદાહરણ રોડ રિસરફેસીંગના નામે ખર્ચાતા આડેધડ નાણાં છે. દર વર્ષે રોડ રિસરફેસીંગ અને રસ્તા બનાવવા પાછળ અબજો રૂપિયાનો ધુમાડો કરવામાં આવે છે. તેમ છતાં બે ચાર ઈંચ વરસાદમાં જ આ રસ્તાઓ ધોવાઈ જાય છે. આઠ મહાનગરોમાં રોડ રિસરફેસીંગ અને રસ્તા બનાવવા પાછળ જ ૪ હજાર કરોડથી વધુની માતબર રકમ ખર્ચવામાં આવી હોવા છતાં પ્રજાને યોગ્ય સુવિધા મળતી નથી. રાજ્યના આઠ મહાનગરો અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર, ભાવનગર, જૂનાગઢ અને ગાંધીનગરમાં ભાજપ શાસકોના ૧૦ વર્ષ કરતા વધુ સમયથી શાસનમાં ૧૭પ લાખ કરતા વધુ શહેરના નાગરિકો માટે દર વર્ષે રોડ રિસરફેસીંગ અને નવા રોડ માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરવા છતાં સુવિધાના નામે સંપૂર્ણ મીંડું છે. દર વર્ષે મોન્સુન પ્લાનના મોટા મોટા દાવા વચ્ચે ફક્ત એકથી બે ઈંચ વરસાદમાં રસ્તાઓનું ધોવાણ થઈ જાય છે. આઠ મહાનગરોમાં રસ્તા રિસરફેસીંગ અને નવા રસ્તા બનાવવામાં થતો મોટાપાયે ભ્રષ્ટાચાર ભાજપની ધનસંગ્રહ યોજનાનો ભાગ હોવાનો પર્દાફાશ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડો.મનિષ દોશીએ જણાવ્યું હતું કે આઠ મહાનગરોમાં બજેટની કુલ રકમ ર૦,૦૦૦ કરોડ જેટલી માતબર છે. જેમાંથી રોડ રિસરફેસીંગ માટે ૧૩૪૪થી ૧૮૪૮ કરોડ અને નવા રસ્તા પાછળ ર૦૧૬થી ર૭૭ર કરોડ જેટલી માતબર રકમ એટલે કે ૧૬થી રર ટકા જેટલી રકમ દર વર્ષે ખર્ચાઈ રહી છે. પણ હકીકતમાં રિસરફેસીંગ અને નવા રસ્તાઓ એક-બે ઈંચના વરસાદમાં પણ ધોવાઈ ગયા છે અને ભાજપ શાસકો શહેરના નાગરિકો સમક્ષ વિકાસની દિશા દર્શાવી રહ્યા છે. અમદાવાદ સહિત મહાનગરોમાં ઠેર-ઠેર ભૂવા, ખાડાઓના કારણે સ્માર્ટસિટીના દાવા વચ્ચે મહાનગરો ભૂવા નગરી અને ખાડાનગરી બની ગયા છે. રોડ, રિસરફેસીંગ અને નવા રસ્તાઓમાં કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર આચરનાર ભાજપ શાસકો સામે વિજિલન્સ તપાસની માગ કરતા ડો.મનિષ દોશીએ જણાવ્યું હતું કે આઠ મહાનગરોમાં અનેક વિસ્તારોમાં લાંબા સમયથી રસ્તા બનાવવામાં આવ્યા નથી. જેના પરિણામે ટેક્ષ ભરતા નાગરિકો પારાવાર હાલાકી ભોગવી રહ્યા છે. બીજી બાજુ ભાજપ શાસકો વારંવાર રીસરફેસીંગના નામે કરોડો રૂપિયા ખર્ચીને મોટા પાયે ભ્રષ્ટાચાર આચરી રહ્યા છે. શહેરના નાગરિકો પાસેથી દર વર્ષે જુદા-જુદા ટેક્ષના નામે વધારો ઝીંકવામાં આવી રહ્યો છે પણ પાયાની સુવિધા આપવામાં ભાજપ શાસકો સંપૂર્ણ ઉદાસીનતા દાખવી રહ્યા છે.