(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૦
જમ્મુ-કાશ્મીરમાં મંગળવારે આવેલા રાજકીય સંકટ વચ્ચે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તાત્કાલિક અસરથી રાજ્યમાં રાજ્યપાલ શાસન લાગુ કરવાની મંજૂરી આપી દીધી હતી. બીજી તરફ રાજ્યના રાજ્યપાલ એન એન વોરાએ સરહદી સુરક્ષાની સમીક્ષા કરવા માટે તાત્કાલિક બેઠક બોલાવી હતી.
આ અંગે દસ મહત્ત્વના મુદ્દા
૧. બંધારણ અનુસાર રાજ્યમાં રાષ્ટ્રપતિને બદલે રાજ્યપાલ શાસન લાગુ થાય છે અને તે ઓછામાં ઓછા છ મહિના સુધી લાગુ રહે છે. જો છ મહિનામાં પણ કોઇ નિવેડો ન આવે તો આર્ટિકલ ૩૫૬ અનુસાર રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવે છે. આ દરમિયાન રાજ્યપાલ હેઠળની વિધાનસભાને ભંગ કરવામાં આવે છે.
૨.અધિકારીએ જણાવ્યું હતું કે, જ્યારે રાજ્યપાલ છ મહિનાના ગાળામાં જાહેરાત કરે તે સમયગાળામાં ચૂંટણી યોજી શકાય છે. જો છ મહિના બાદ પણ ચૂંટણી ન યોજાય તો ચૂંટણી પંચે તેના કારણો આપવા પડે છે. જમ્મુ-કાશ્મીરની બાબતમાં સુરક્ષાની સ્થિતિ સૌથી ધ્યાન આપવા જેવી હોય છે.
૩. ઉલ્લેખનીય છે કે, મંગળવારે ભારતીય જનતા પાર્ટીએ મહેબૂબા મુફતીની પાર્ટી પીડીપી સાથે ગઠબંધન તોડી સરકારને આપેલો ટેકો પરત ખેંચ્યો હતો ત્યારબાદ અહીં રાજકીય સંકટની સ્થિતિ ઊભી થઇ હતી. જોકે, પત્રકાર પરિષદ કરી ભાજપે સાથો સાથ રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાની માગણી પણ કરી નાખી હતી. ત્યારબાદથી જ એવી ધારણા હતી કે, રાજ્યમાં વહેલી તકે રાજ્યપાલ શાસન લાગુ થઇ જશે.
૪. ઉલ્લેખનીય છે કે, જમ્મુ-કાશ્મીરમાં છ વર્ષનો કાર્યકાળ હોય છે અને અહીં રાષ્ટ્રપતિને બદલે રાજ્યપાલ શાસન લાગુ થાય છે.
૫. કાશ્મીરમાં ભાજપ-પીડીપી સરકાર તૂટી પડ્યા બાદ કોઇપણ પાર્ટીએ સરકાર રચવાનો દાવો કર્યો નહોતો. નેશનલ કોન્ફરન્સ અને ભાજપે રાષ્ટ્રપતિ શાસન લાદવાની માગ કરી હતી. જ્યારે પીડીપીમાં પણ બહુમતી ગુમાવી રહી હતી. ૬. કોંગ્રેસે પહેલા જ સ્પષ્ટ કરી દીધું હતું કે, પીડીપી સાથે જવાનો કોઇ સવાલ જ નથી. તેથી સ્પષ્ટ રીતે રાષ્ટ્રપતિ શાસનનો જ એકમાત્ર વિકલ્પ બચ્યો હતો. આ દરમિયાન જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલે પોતાનો રિપોર્ટ રાષ્ટ્રપતિને મોકલ્યો હતો. તેમને રાષ્ટ્રપતિ શાસન લગાવવાની ભલામણ કરી હતી.
૭. ઉલ્લેખનીય છે કે, જમ્મુ-કાશ્મીરની ૮૭ બેઠકોવાળી વિધાનસભા માટે વર્ષ ૨૦૧૪માં ૨૫ નવેમ્બર અને ૨૦ ડિસેમ્બર વચ્ચે પાંચ તબક્કામાં મતદાન થયું હતું જેમાં તત્કાલીન સત્તાપક્ષ નેશનલ કોન્ફરન્સનો પરાજય થયો હતો અને કોંગ્રેસ સાથે ગઠબંધનમાં સરકાર ચલાવી રહેલી પાર્ટીને ફક્ત ૧૫ બેઠકો મળી હતી.
૮. બીજી તરફ ૨૦૦૮માં ફક્ત ૧૧ બેઠકો જીતેલી ભાજપે આ વખતે મોદી લહેરમાં ૨૫ બેઠકો જીતી હતી અને ૫૨ દિવસના રાજ્યપાલ શાસન બાદ પૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રી મુફતી મોહંમદ સઇદની પીડીપીને સમર્થન આપી સરકાર રચવામાં સામેલ થઇ હતી.
૯. ૧૧ માર્ચ ૨૦૧૫ના રોજ સત્તામાં બેઠેલા સઇદનું જાન્યુઆરી ૨૦૧૬માં અવસાન થયું હતું જેના કારણે ફરીવાર સરકાર સંકટમાં આવી ગઇ હતી અને રાજ્યમાં ફરીવાર રાજ્યપાલ શાસન લગાવવાની ફરજ પડી હતી. આ વખતે ૮૮ દિવસ સુધી રાજ્યપાલ શાસન લગાવ્યા બાદ સઇદની પુત્રી મહેબૂબા મુફતીને સમર્થન આપી ભાજપે ફરી સરકારમાં ટેકો આપ્યો. જે મંગળવારે સમર્થન ખેંચી લેવાને પગલે ફરી પડી ગઇ હતી.
૧૦. દરમિયાન ભાજપ પર આરોપ લાગતો રહ્યો હતો કે, લોકસભા ચૂંટણીઓને જોતા તેણે આ નિર્ણય કર્યો છે જેથી ખીણમાં વધતી આતંકવાદની ઘટનાઓને લઇ કેન્દ્રની છબિ ખરાબ ન થાય. તેથી યુદ્ધવિરામ સમાપ્ત કર્યાના તરત બાદ ગઠબંધન તોડી નાખ્યું હતું. પરંતુ આ ગઠબંધન પર હંમેશાથી જ સવાલ ઉઠતા રહ્યા છે. ઘણી જગ્યાએ વિપક્ષો અને એનડીએના સાથી પક્ષોએ તાલમેલ વગરનું ગઠબંધન ગણાવ્યું હતું. અંતે ભાજપે પીડીપીને જાણ કર્યા વિના જ તેની સાથે છેડો ફાડી નાખ્યો હતો.
મહેબૂબાથી નારાજ પીડીપીના ચાર ધારાસભ્યોએ ઓમર અબ્દુલ્લાહ સાથે મુલાકાત કરી
જમ્મુ-કાશ્મીરમાં ભાજપ-પીડીપી સરકાર તૂટી પડ્યા બાદ કાશ્મીરની રાજનીતિમાં ફરીવાર ભૂકંપ આવ્યો છે. એવા અહેવાલો પ્રાપ્ત થઇ રહ્યા છે કે, ગઠબંધન સરકાર તૂટી ગયા બાદ પીડીપીમાં પણ તિરાડ જોવા મળી રહી છે. પીડીપીના ચાર ધારાસભ્યોએ બુધવારે રાજ્યની ત્રીજી સૌથી મોટી પાર્ટી નેશનલ કોન્ફરન્સના અધ્યક્ષ ઓમર અબ્દુલ્લાહ સાથે ગુપ્ત મુલાકાત કરી હતી. બીજી તરફ ઓમર અબ્દુલ્લાહે પીડીપીના ચાર ધારાસભ્યો સાથે મુલાકાત થઇ હોવાનો ઇન્કાર કર્યો હતો. અહેવાલો અનુસાર પીડીપીના ચાર ધારાસભ્યો અબ્દુલ હક ખાન, હસીબ દ્રાબુ, માજિદ પાડર અને ચૌધરી કમર ઓમર અબ્દુલ્લાહને મળવા પહોંચ્યા હતા.
રાજ્યપાલ શાસનને કારણે કાશ્મીર ખીણમાં સેનાના અભિયાનને કોઇ અસર નહીં થાય : બિપિન રાવત
સેનાના પ્રમુખ જનરલ બિપિન રાવતે બુધવારે કહ્યું હતું કે, રાજ્યપાલ શાસનને કારણે કાશ્મીર ખીણમાં સેનાના અભિયાન પર કોઇ અસર નહીં થાય. અમને નથી લાગતું કે કોઇ અસર પડશે, અમારા કાર્યમાં કોઇ રાજકીય દખલ નથી. તેમણે કહ્યું કે, કાશ્મીરમાં યુદ્ધવિરામના અંતને કેન્દ્ર સરકારે મંજૂરી આપી દીધી છે જ્યારે રમઝાન મહિનામાં લોકો શાંતિપૂર્ણ રીતે નમાઝ અદા કરી શકે. જોકે, હવે પહેલાની જેમ સેના અભિયાન ચાલુ રાખશે. રમઝાન દરમિયાન યુદ્ધવિરામ સમયે આપણે જોયું કે, આતંકવાદી હુમલાઓ ચાલુ રહ્યા હતા ત્યારે અભિયાનોને શા માટે રદ કરવા પડે. કેન્દ્ર સરકાર દ્વારા રમઝાન મહિનામાં યુદ્ધવિરામની જાહેરાત કરાઇ હતી જ્યારે સેનાના જવાન ઔરંગઝેબની હત્યાના બીજા દિવસે યુદ્ધવિરામના અંતની જાહેરાત કરવામાં આવી હતી. ઓરંગઝેબ અને પત્રકાર શુજાત બુખારીની ઇદની પૂર્વ સંધ્યાએ જ ગોળી મારી હત્યા કરી દેવાઇ હતી.
વોરાનો કાર્યકાળ પાંચ દિવસમાં સમાપ્ત થાય છે પણ અમરનાથ યાત્રા સુધી રાજ્યપાલ તરીકે ચાલુ રહી શકે
જમ્મુ-કાશ્મીરમાં પીડીપી અને ભાજપનું ગઠબંધન તૂટ્યા બાદ ફરીવાર એનએન વોરાના વડપણ હેઠળ રાજ્યપાલ શાસન લદાયું છે જોકે, તેઓ ૨૫મી જૂને નિવૃત્ત થાય છે. છેલ્લા ૧૦ વર્ષમાં તેમના નેજા હેઠળ ચોથીવાર રાજ્યમાં રાજ્યપાલ શાસન લદાયું છે. વોરાની નિવૃત્તિ બાદ કેન્દ્ર કોઇ નવા રાજ્યપાલની નિમણૂંક કરશે તેવા સવાલના જવાબમાં તૂટેલી સરકારમાં નાયબ મુખ્યમંત્રી રહેલા ભાજપના નેતા કવિન્દ્ર ગુપ્તાએ કહ્યું હતું કે, અમરનાથ યાત્રા બાદ કોઇ નિર્ણય લેવાઇ શકે છે. તેમના સંકેતથી અંદાજ લગાવી શકાય કે કેન્દ્ર સરકાર ૮૨ વર્ષના રાજ્યપાલને નિવૃત્તિ સમયે જવા દેવા માગતી નથી ઓછામાં ઓછું ઓગસ્ટમાં સમાપ્ત થનારી અમરનાથ યાત્રા સુધી તેમને જાળવી રાખવા માગે છે. વોરા નિવૃત્ત આઇએએસ અધિકારી છે અને ૧૯૯૭ની આઇકે ગુજરાલ સરકારમાં કેન્દ્રીય ગૃહ સચિવ રહી ચુક્યા છે.