(એજન્સી) નવી દિલ્હી, તા.૩૦
પહેલીવાર રાજ્યસભામાં બેઠક મેળવનારી આમ આદમી પાર્ટીમાં ત્રણ નામોને લઈને અસમંજસની સ્થિતિ યથાવત્ છે. જો કે, પાર્ટીના સૂત્રોએ જણાવ્યા અનુસાર એક બેઠક માટે સંજયસિંહનું નામ લગભગ નક્કી હોવાનું માનવામાં આવી રહ્યું છે. સંજયસિંહને પક્ષના વડાએ દસ્તાવેજ એકઠાં કરીને નામાંકન કરાવવા માટે તૈયાર રહેવાનું કહ્યું છે.
રાજ્યસભા ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ દિલ્હીની સત્તાધારી આમ આદમી પાર્ટીમાં ઘમાસાણ ચાલુ છે. આગામી જાન્યુઆરીએ ચૂંટણી યોજાનાર છે, આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતાઓએ આ કેસમાં સ્પષ્ટ બોલવાનો ઈન્કાર કર્યો છે. હજી પણ બે અન્ય નામો માટે વિચારણા થઈ રહી છે. પાર્ટીની રાજકીય બાબતોની સમિતિ આ બાબતે ઝડપથી નિર્ણય લઈ શકે છે.
પાર્ટીના વરિષ્ઠ નેતા અને કવિ કુમાર વિશ્વાસને રાજ્યસભામાં મોકલવા માટે તેમના સમર્થકો સતત હોબાળો કરી રહ્યા છે, તો બીજી તરફ અત્યારે પાર્ટી તરફથી આના પર કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી. વિશ્વાસે પણ ટ્વીટર દ્વારા પોતાના સમર્થકોને કહ્યું છે કે, તેમના માટે રાજ્યસભાની બેઠક વધારે મહત્ત્વની નથી, પહેલા દેશ પછી પાર્ટી.
થોડા સમય પહેલાં આર્થિક બાબતોના તજજ્ઞ અને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના પૂર્વ ગવર્નર રઘુરામ રાજનનો સંપર્ક જરૂરથી સાધવામાં આવ્યો, પરંતુ તેમણે ઈન્કાર કરી દીધો. હવે પીએસીને બેઠકમાં જ નક્કી થશે કે રાજ્યસભામાં પાર્ટીમાંથી જ કોઈ જશે અથવા તો કોઈ રાજકીય હસ્તીને જ તક આપવામાં આવશે.
દિલ્હી ઉપરાંત સિક્કીમ અને યુપીની ૧-૧ બેઠકો પર પણ ચૂંટણી યોજાશે. નામાંકન ભરવાની છેલ્લી તારીખ પ જાન્યુઆરી છે. તેના આગલા દિવસે નામાંકન પત્રોની તપાસ કરવામાં આવશે, જ્યારે નામ પાછું લેવાની છેલ્લી તારીખ આઠ જાન્યુઆરી છે. ૭૦ સભ્યોવાળી દિલ્હી વિધાનસભામાં ‘આપ’ના ૬૬ સભ્યો છે. જો, આમાં પણ બળવાખોર ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કરી દીધું તો પણ આમ આદમી પાર્ટી તરફથી મોકલવામાં આવેલ ઉમેદવાર જ વિજયી થશે.