(સંવાદદાતા દ્વારા) અમદાવાદ, તા.૧૬
રાજ્યસભાની ચૂંટણીમાં ભારે કશમકશ બાદ કોંગ્રેસના ઉમેદવાર અહમદભાઈ પટેલની જીત બાદ મૃતપ્રાય અવસ્થામાં જીવતી ગુજરાત કોંગ્રેસમાં પ્રાણ ફૂંકાયા છે. હવે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બહુમતી સાથે વિજય પ્રાપ્ત કરવા નેતાઓએ કમર કસી છે. તેના ભાગરૂપે કોંગ્રેસ હાઈકમાન્ડ સાથે ચર્ચા કરવા પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીની આગેવાનીમાં કોંગ્રેસના આગેવાનો દિલ્હી ગયા છે અને ટૂંક સમયમાં જ કોંગ્રેસના પ્રદેશ માળખામાં ધરખમ ફેરફારની શક્યતા વર્તાઈ રહી છે. ભરતસિંહ ઉપરાંત વિધાનસભામાં વિપક્ષના નેતા મોહનસિંહ રાઠવા સહિતના પ નેતાઓ પણ દિલ્હી પહોંચ્યા છે. જેમાં જીતુ પટવારી, સિદ્ધાર્થ પટેલ અને વર્ષા ગાયકવાડનો સમાવેશ થાય છે. અશોક ગેહલોત પણ બેઠકમાં સામેલ હતા. તેઓએ આગામી વિધાનસભા ચૂંટણીની રણનીતિ અને સંગઠનમાં ફેરફાર અંગે વિસ્તૃત ચર્ચા હાથ ધરી હતી. ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીમાં હાઈવોલ્ટેજ ડ્રામા અને શંકરસિંહ વાઘેલા સહિતના બળવાખોર ધારાસભ્યોના કાવાદાવા બાદ કોંગ્રેસ સફળતા મેળવતા પક્ષના ૪૩ વફાદાર ધારાસભ્યોને દિલ્હીનું તેડું આવ્યું છે. ગુજરાત કોંગ્રેસ જાણે વેન્ટીલેટર પરથી બહાર આવી હોય તેમ નેતાઓ અને કાર્યકરોમાં નવો જોમ ઉમેરાયો છે અને હવે વિધાનસભાની આવનારી ચૂંટણીને લઈને ગુજરાત કોંગ્રેસ એકશન મોડમાં આવી ગઈ છે. ત્યારે પક્ષના વફાદાર ૪૩ ધારાસભ્યોને દિલ્હીનું તેડું આવ્યું છે. દિલ્હીમાં ર૦મી ઓગસ્ટે પક્ષના ૪૩ ધારાસભ્યો સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સાથે મુલાકાત કરશે. દરમિયાન તેમની સાથે ગુજરાતની વર્તમાન સ્થિતિ અંગે ચર્ચા કરશે. સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી રાજ્યસભાની ચૂંટણી વખતે શું થયું તે અંગે પણ ધારાસભ્યોના મુખે સાંભળશે. આ ઉપરાંત તેઓ પ્રદેશ કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ સાથે બેઠક કરીને હવે ગુજરાત વિધાનસભાની આવનારી ચૂંટણીને લઈને નવી રણનીતિ ઘડશે. સંગઠનને મજબૂત કરવા પણ ચર્ચા કરશે. ર૧મી ઓગસ્ટે અહમદ પટેલનો જન્મદિવસ છે ત્યારે દિલ્હીમાં ભોજન સમારોહનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ત્યારબાદમાં તમામ ૪૩ ધારાસભ્યો સહપરિવાર તિરૂપતિ મંદિર દર્શનાર્થે જશે.