અમદાવાદ,તા.૭
કોંગ્રેસ પક્ષમાંથી બળાપો કાઢીને છેડો ફાડનારા શંકરસિંહ વાઘેલાએ રાજયસભાની ચૂંટણી માટે તેમનો મત ગુપ્ત છે તેવું કહી ફરી એકવાર પલટી મારી છે. કોંગ્રેસ સાથે છેડો ફાડયા બાદ શંકરસિંહે તે વખતે પત્રકાર પરિષદ યોજીને તેમનો મત અહમદ પટેલ માટે જ રિઝર્વ છે તેમ કહ્યું હતું. ત્યાર બાદ ફરી નિવેદન આપ્યું હતું કે અહમદ પટેલને તેમનો મત જોઈતો હશે તો તેઓ આપશે. ત્યાર બાદ હવે રાજયસભાની ચૂંટણીમાં તેમનો મત ગુપ્ત છે કહીને શંકરસિંહે તેમની પલટી મારવાની પ્રથા યથાવત રાખી છે. ત્યારે શંકરસિંહ બાપુ પહેલાં પોતાનું સ્ટેન્ડ કિલયર કર્યા બાદ જ નિવેદન આપવું જોઈએ તેવી લોકચર્ચા વેગવંતી બની છે.
કોંગ્રેસમાંથી છેડો ફાડનાર સિનિયર નેતા શંકરસિંહ વાઘેલાએ આજે ફરી એકવાર કોંગ્રેસ પર પ્રહારો કરતાં જણાવ્યું હતું કે, કોંગ્રેસના ધારાસભ્યોએ પૂરપીડિતોને છોડીને બેંગ્લુરૂ રિસોર્ટમાં ભાગી જવુ જોઇતુ ન હતું, કોંગ્રેસના ધારાસભ્યોએ પૂરપીડિતોના દુઃખના સમયમાં સાથે રહેવાની જરૂર હતી. કોંગ્રેસના જે ધારાસભ્યો પૂરપીડિતોને છોડીને જતા રહ્યા છે, તેઓને આ ચૂંટણીમાં ગુજરાતની પ્રજા માફ નહી કરે. બાપુએ ઉમેર્યું હતું કે, રાહુલ ગાંધી પર આ પ્રકારનો હુમલો થવો જોઇતો ન હતો પરંતુ આ હુમલો ખરેખર કોંગ્રેસના ધારાસભ્યો પરનો રોષ હતો એ કોંગ્રેસ પાર્ટીએ સમજી લેવાની જરૂર છે. શંકરસિંહ વાઘેલાએ રાજયસભાની ચૂંટણીના મુદ્દે તેમણે જણાવ્યું કે, રાજયસભાની ચૂંટણીમાં મતદાન દરમ્યાન ગુપ્તતા અને પવિત્રતા જાળવવી જરૂરી છે પરંતુ તેનો હાલના સંજોગોમાં ભંગ થઇ રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. નોટાના મુદ્દે બાપુએ તેમનો સ્પષ્ટ મત વ્યકત કર્યો હતો કે, નોટા એ વળી શું. નોટા હોવું જ ના જોઇએ. તમને કોઇ ઉમેદવાર ગમતો ના હોય તો મત જ આપવા શા માટે જવાનું. નોટા ખરેખર એક મજાક છે. મારા મતે, તેનો કોઇ મતલબ જ નથી. રાજયસભાની ચૂંટણી મુકત અને વાજબી રીતે થાય તે જરૂરી છે. તેમણે પોતાના ખજૂરાહોના અનુભવને પણ ખરાબ ગણાવ્યા હતા. પક્ષના વ્હીપ મુદ્દે તેમણે ઉમેર્યું કે, વ્હીપ એ માત્ર ઔપચારિકતા છે, વ્હીપ એ પક્ષ દ્વારા આપવામાં આવેલો નિર્દેશ છે પરંતુ જેને વ્હીપ માનવો જ ના હોય તેના માટે વ્હીપ શું.