રાજ્યસભાની ચૂંટણીમાં અહમદ પટેલને હરાવવાનો પ્રયાસ કરનારાઓ સામે રોષ

(સંવાદદાતા દ્વારા)
આણંદ, તા.૧૧
ગુજરાત વિધાનસભાની ચૂંટણી આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે રાજકીય ગરમાવો પ્રસરી ગયો છે ત્યારે આણંદ જિલ્લાના ઉમરેઠ અને ભાલેજ પંથકમાં ગત રાજ્યસભાની ચૂંંટણીમાં અહમદ પટેલને મત નહીં આપી હરાવવાનો પ્રયાસ કરનારાઓની સામે ઉગ્ર રોષ પ્રવર્તી ઉઠ્યો છે અને લોકો મત માંગવા આવનારાને મોઢા પર જવાબ આપી રહ્યા છે કે, તમે અહમદ પટેલને મત આપ્યો ન હતો એટલે અમારા મત પણ તમને નહી મળે, જેને લઈને મત માંગવા આવનાર ઉમેદવારના માટે મોઢુ સંતાડવું પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. મળતી વિગતો અનુસાર રાજ્યસભાની ચૂંટણી સમયે એનસીપીના ધારાસભ્યો દ્વારા કોંગ્રેસના અહમદ પટેલને મત નહીં આપી તેઓને હરાવવાનો પ્રયાસ કર્યો હતો જો કે, જે તે સમયે ઉમરેઠના એનસીપીના ધારાસભ્ય અને એનસીપીના પ્રદેશ પ્રમુખ જયંત પટેલે પોતે અહમદ પટેલને મત આપ્યો હોવાની વાતો કરી હતી. પરંતુ જયંત પટેલે અહમદ પટેલને મત નહી આપ્યો હોવાનું ખુલ્લું થયું હતું. જો કે ત્યારબાદ કોંગ્રેસે પણ એનસીપી સાથે ગઠબંધન નહી કરી ભાજપની બી-ટીમ ગણાતી એનસીપીને કોંગ્રેસથી દૂર રાખી હતી. ઉમરેઠ વિધાનસભા બેઠક પર હાલમાં ભાજપ, કોંગ્રેસ અને એનસીપી વચ્ચે ત્રિપાંખીયો જંગ ખેલાયો હતો. આ બેઠક પર મુસ્લિમોના મતો નિર્ણાયક છે. જેથી એનસીપીના ઉમેદવાર જયંત પટેલ બોસ્કીએ મુસ્લિમ મતો મેળવવા માટે ભાલેજ અને ઉમરેઠ ગામમાં પ્રચાર માટે જતા લોકોએ તેઓને સ્પષ્ટ જણાવી દીધું હતું કે, તમે માત્ર મુસ્લિમ હોવાના કારણે અહમદ પટેલને મત નહી આપી તેઓને હરાવવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે અહમદ પટેલને મત નહીં આપનારાઓને મુસ્લિમો પણ મત નહીં આપે તેમ કરી રોકડું પરખાવી દીધું હતું. એનસીપીના જયંત પટેલને ગત ચૂંટણીમાં મુસ્લિમ સમુદાયે ખોબલેને ખોબલે મત આપ્યા હતા. જેના કારણે તેઓનો વિજય થયો હતો જ્યારે આ વખતે મુસ્લિમ સમુદાય તેમનાથી વિમુખ જોવા મળી રહ્યો છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks