રાજ્યસભાની ચૂંટણી પહેલાં ગુજરાતમાં બે મહત્ત્વની બેઠક

અમદાવાદ, તા. ૭
રાજ્યસભાના ખરાખરીના જંગ માટેની યુદ્ધ રણનીતિ અંતર્ગત ગુજરાતમાં બે મહત્વની બેઠક યોજાઇ હતી. અમદાવાદમાં ભાજપના અધ્યક્ષ અમિત શાહે ધારાસભ્યો સાથે બેઠક યોજી હતી જ્યારે કોંગ્રેસના અહમદ પટેલ અમદાવાદથી ૭૬ કિલમીટર દૂર આણંદમાં રોકાયેલા પોતાના ધારાસભ્યોને મળ્યા હતા. અમિત શાહ અને અહમદ પટેલ મંગળવારની રાજ્યસભા ચૂંટણી માટેના બંને પક્ષોના ઉમેદવારો છે. ગુજરાત વિધાનસભામાં ભાજપનો સંખ્યાબળ વધુ હોવાને કારણે અમિત શાહ સરળતાથી પ્રથમવાર સંસદમાં પ્રવેશ કરી લેશે. બીજી તરફ અહમદ પટેલ પોતાના ધારાસભ્યોની ગણતરી કરી રહ્યા છે.
રાજ્યસભા ચૂંટણી અંગે ૧૦ મુદ્દા
૧. છ ધારાસભ્યોએ પાર્ટી છોડ્યા બાદ અન્ય ધારાસભ્યો ન તૂટે તે માટે બેંગ્લુરુના રિસોર્ટમાં લઇ જવાયેલા ૪૩ કોંગ્રેસના ધારાસભ્યો સોમવારે સવારે ૪.૩૦ કલાકે અમદાવાદ પરત ફર્યા હતા અને તેઓ અહમદ પટેલ માટે મત આપશે.
૨. કોંગ્રેસના અધ્યક્ષા સોનિયા ગાંધીના રાજકીય સચિવ અહમદ પટેલે ધારાસભ્યોને એરપોર્ટ પર આવકાર્યા હતા. ત્યાંથી બે બસોમાં ધારાસભ્યોને આણંદના નીજાનંદ રિસોર્ટમાં લઇ જવાયા હતા. આ દરમિયાન અહમદ પટેલે જણાવ્યું હતું કે, અમને જીતનો વિશ્વાસ છે અને તમામ ધારાસભ્યો અમારી સાથે છે.
૩. શરદ પવારની એનસીપીના બે ધારાસભ્યોના મતો પણ કોંગ્રેસ ગણી રહી છે. પરંતુ ગત રાત્રે પાર્ટીના વરિષ્ઠ નેતા પ્રફુલ્લ પટેલે જણાવ્યું હતું કે, અત્યાર સુધી અમે નક્કી નથી કર્યું કે, અમે કોને મત આપીશું. બીજી તરફ અહમદ પટેલે જણાવ્યંુ હતું કે, મને સંદેશ મળી ગયો છે કે તેઓ અમારા સમર્થનમાં મતદાન કરશે અને આ માટે તેઓ વ્હીપ જારી કરશે.
૪. ગુજરાતના કદાવર નેતા શંકરસિંહ વાઘેલા દ્વારા ઘડી કાઢવામાં આવેલી કથિત રણનીતિથી કોંગ્રેસના છ ધારાસભ્યોએ રાજીનામું આપતા ૧૮૨ સભ્યોવાળી ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસની સંખ્યા ૫૭થી ઘટીને ૫૧ થઇ ગઇ હતી. શંકરસિંહ વાઘેલાએ આ વર્ષના અંતમાં યોજાનાર વિધાનસભાની ચૂંટણીમાં પોતાને મુખ્યમંત્રીના ઉમેદવાર જાહેર ન કર્યા હોવાનો આરોપ લગાવતા કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો હતો.
૫. મંગળવારના મતદાનમાં અહમદ પટેલના સમર્થનમાં ઓછામાં ઓછા ૪૫ ધારાસભ્યોના સમર્થનની કોંગ્રેસને જરૂર છે હાલ ગુજરાત વિધાનસભામાં કુલ ૧૭૬ ધારાસભ્યો છે. સૂત્રો અનુસાર ભાજપનું કહેવું છે કે, તેમને આશા છે કે, કોંગ્રેસના ૪૪માંથી બે કે ત્રણ ધારાસભ્યોની જરૂર છે જેના કારણે કોંગ્રેસના વરિષ્ઠ નેતાની મુશ્કેલી વધી શકે છે.
૬. કોંગ્રેસે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી ઉચ્ચારી છે કે, પાર્ટીના આદેશની અવગણના કરાશે તો ભારે કિંમત ચુકવવી પડશે જેમાં કાયદાકીય પગલાં સહિત ચૂંટણી લડવા પર પણ પ્રતિબંધ મુકાઇ શકે છે. ગત મહિને યોજાયેલી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ગુજરાત કોંગ્રેસના ઓછામાં ઓછા ૧૧ ધારાસભ્યોએ વિપક્ષના મીરાં કુમારને બદલે ભાજપના રામનાથ કોવિંદને મત આપ્યો હતો.
૭. ભાજપે ઉતારેલા બે ઉમેદવારો અમિત શાહ અને સ્મૃતિ ઇરાની સરળતાથી જીત હાંસલ કરી લેશે. અહમદ પટેલનો સામનો કરવા માટે ભાજપે ત્રીજા ઉમેદવાર તરીકે બળવંતસિંહ રાજપૂતને ઉતાર્યા છે. બળવંતસિંહ કેટલાક દિવસો પહેલા કોંગ્રેસ છોડી ભાજપમાં સામેલ થનારા છ ધારાસભ્યોમાંથી એક છે જેમના માટે એમ કહેવાય છે કે તેઓ શંકરસિંહની છાવણીના છે.
૮. હજુ પણ ધારાસભ્ય તરીકે ચાલુ રહેલા શંકરસિંહે પોતાનો મત ગુપ્ત રાખ્યો છે. કોંગ્રેસે વિધાનસભામાં અહમદ પટેલ તરફે મતદાન કરવા માટે વ્હીપ કે, આદેશ જારી કર્યો છે જેમાં શંકરસિંહ વાઘેલાનો પણ સમાવેશ થાય છે.
૯. શંકરસિંહ વાઘેલાએ જણાવ્યંુ હતું કે, તેઓ અહમદ પટેલના સારા મિત્ર છે અને સતત તેમના સંપર્કમાં છે. બીજી તરફ તેમણે અમિત શાહના સંપર્કમાં હોવાની વાતને ફગાવી છે.
૧૦. અહમદ પટેલની ફરી પસંદગીમાં વિપક્ષના ધારાસભ્યોને તોડવા અને લાંચ આપવાનિા પ્રયાસો થઇ રહ્યા હોવાના કોંગ્રેસના દાવાને ભાજપે ફગાવી દીધા છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks