(એજન્સી) બેંગ્લુરૂ, તા.૭
કર્ણાટકના મુખ્યમંત્રી એચડી કુમાર સ્વામીએ શુક્રવારે સંસદમાં રામમંદિર મુદ્દે ભારતીય જનતા પાર્ટી (બીજેપી)ની ઝાટકણી કાઢી હતી.
કુમાર સ્વામીએ જણાવ્યું કે, ભારતીય જનતા પાર્ટીએ રામમંદિર બનાવવાની વાત કરીને પદયાત્રા કાઢી. રામમંદિર બનાવવાનું વાયદો કરીને લોકો પાસેથી નાણાભંડોળ અને ઈંટો લાવ્યા. પરંતુ ભાજપે રામમંદિર બનાવવા માટે એકત્રિત કરેલ ઈંટો કચરાના ઢગલામાં અને નાણાં પોતાના ગજવામાં સેરવી દીધા. ભાજપ વર્ષ ૧૯૯૯થી બે વખત સત્તા પર આવી છતાં હજુ સુધી રામમંદિર બનાવી શકી નથી.
કુમાર સ્વામીના આ આરોપોને પરત ખેંચી લેવા જણાવતા ભાજપ એમએલસીના સભ્યએ જણાવ્યું કે, પાર્ટીમાં શ્રદ્ધા રાખનાર લોકોએ રામમંદિર માટે ઈંટો પૂરી પાડી હતી. તેમણે સીએમ સ્વામીને પ્રશ્ન કર્યો કે, વર્ષ ર૦૦૬માં ભાજપ સાથે ગઠબંધન હતું ત્યારે તેમણે આ પ્રશ્ન કેમ ઉઠાવ્યો નહીં. મુખ્યમંત્રી રામમંદિર મામલે ખોટા આક્ષેપ કેમ કરી રહ્યા છે ? ત્યારબાદ સ્વામીએ ફરી ભાજપ પર પ્રહાર કર્યો હતો તેમણે રામમંદિર માટે મેળવેલ ભંડોળના નાણાં શું કર્યું એવો સવાલ ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે, આજ સુધી રામમંદિર માટે એકત્રિત કરવામાં આવેલ નાણાંની વિગતોની કોઈને જાણ નથી.