(એજન્સી) નવી દિલ્હી,તા.૨૫
રેપ કેસમાં સચ્ચા ડેરા સૌદા પ્રમુખ ગુરમીત રામ રહીમ પર કોઇ ચુકાદો આવે તે પહેલાં જ પંજાબ અને હરિયાણામાં વણસતી સ્થિતિને પગલે મોટી સંખ્યામાં સુરક્ષા દળોને તૈનાત કરવામાં આવ્યા છે. રામ રહીમના અનુયાયીઓ રસ્તા પર ઉતરી આવ્યા છે. પરિણામે બંને રાજ્યોમાં કાયદો-વ્યવસ્થા જાળવી રાખવા માટે કેન્દ્ર સરકાર તરફથી અર્ધલશ્કરી દળોની ૧૮૦ ટુકડીઓ મોકલવામાં આવી છે. પંચકૂલાની આસપાસ ભારે માત્રામાં અર્ધલશ્કરી દળો તૈનાત કરવામાં આવ્યા છે. સાથે જ હેલિકોપ્ટર અને ડ્રોનની મદદથી નજર રાખવામાં આવી રહી છે. અર્ધલશ્કરી દળોની તૈનાતી સહિત અન્ય બાબતોમાં રાજ્ય સરકારોએ ભારે ખર્ચ કરવો પડી રહ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કેટલાંક રાજ્યોને છોડીને જ્યારે પણ કેન્દ્રીય ગૃહ મંત્રાલય કોઇપણ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા નિયંત્રિત કરવા માટે અર્ધસૈનિક દળ મોકલે, તો તે રાજ્યને એક અર્ધસૈનિક દળની ટુકડી માટે એક લાખ ૯૫ હજાર ૩૦૦ રૂપિયા પ્રતિ દિવસના હિસાબે ચુકવવા પડે છે. રામ રહીમ કેસમાં કેન્દ્રીય ગૃહ મંત્રાલયે પંજાબ અને હરિયાણામાં અર્ધલશ્કરી દળોની આશરે ૧૮૦ ટુકડીઓ મોકલી છે. આ હિસાબે પંજાબ અને હરિયાણા સરકારને અર્ધલશ્કરી દળોની આશરે ૧૮૦ ટુકડીઓ માટે દરરોજના આશરે ૩ કરોડ ૫૧ લાખ ૫૪ હજાર રૂપિયા ખર્ચવા પડે છે.