National

રામ-રહીમ ચુકાદા પહેલાં કોર્ટની ટિપ્પણી, હરિયાણા સરકાર નિષ્ફળ નીવડી

નવી દિલ્હી, તા. ૨૪
ડેરા સચ્ચા સૌદાના પ્રમુખ ગુરમિત રામ રહીમ પર સગીર સાથે બળાત્કાર કેસમાં શુક્રવારે પંચકુલા સીબીઆઇ કોર્ટમાં ચુકાદો આવશે પરંતુ બે દિવસ પહેલા જ તેમના અનુયાયીઓ મોટી સંખ્યામાં ચંદીગઢથી લઇ પંચકુલા સુધી એકઠા થઇ ગયા છે. તેને જોતા વહીવટીતંત્રે પણ લાખોની સંખ્યામાં પોલીસ કૂમક ખડકી દીધી છે. દરમિયાન મોટી સંખ્યામાં સમર્થકો એકઠા થવાના કારણે કોર્ટે નારાજગી દર્શાવતા હરિયાણા સરકારને કહ્યું છે કે, તેમનું તંત્ર આટલી મોટી સંખ્યામાં અરાજકતા ફેલાવવા આવેલા લોકો પર લગામ કસવામાં નિષ્ફળ રહ્યું છે. આ દરમિયાન હરિયાણાના મોટાભાગના શહેરોમાં ૭૨ કલાક માટે ઇન્ટરનેટ સેવા બંધ કરવામાં આવી છે. ટિ્‌વટર અને વોટ્‌સએપ જેવા સોશિયલ મીડિયાના માધ્યમો દ્વારા અફવાઓ ફેલાય નહીં તે માટે આ પગલંુ ભરવામાં આવ્યું છે. હરિયાણા અને પંજાબ સરકારે સેનાને પત્ર લખી કહ્યું છે કે, જો જરૂર પડશે તો તેમને બોલવવામાં આવશે.
સરકારે ઘણા સ્થળોએ હાઇએલર્ટ જારી કર્યું છે અને હરિયાણા તથા પંજાબમાં ઘણી જગ્યાઓ પર કર્ફ્યુ જેવી સ્થિતિ છે. ગુરમિત રામ રહિમના અનુયાયીઓએ કોર્ટ નજીક હાઇવે પર ચક્કાજામ કર્યો છે અને તેઓ કહી રહ્યા હતા કે, ચુકાદો આવતા પહેલા હજુ પણ અમારામાંથી દિલ્હીથી સેંકડો લોકો અહીં આવી રહ્યા છે. પંજાબ અને હરિયાણા સરકારોએ રેલવેને વિનંતી કરી હતી કે, તેઓ બે દિવસ માટે ચંદીગઢ આવતી તમામ ટ્રેનોને રદ કરી દે. હરિયાણા સરકારે ચંદીગઢ અને પંચકુલા જતી તમામ બસોને પણ રદ કરી હતી.
હરિયાણાના ચંદીગઢથી આશરે ૨૨ કિલોમીટર દૂર આવેલા નાનકડા શહેર પંચકુલામાં હવે બહારના લોકો માટે પ્રવેશ બંધ કરી દીધો છે. ચંદીગઢ, પંચકુલા અને સિરસામાં જ્યાં રામ રહિમના મોટા પ્રમાણમાં અનુયાયીઓ ધસી આવ્યા છે ત્યાં તમામ સરકારી કચેરીઓ શુક્રવારે બંધ રહેશે જ્યારે અહીં આવતી ૨૨ ટ્રેનો રદ કરી દેવામાં આવી હતી. રામ રહિમ છાવણીના ડેરા સચ્ચા સૌદાના પ્રવક્તાએ જણાવ્યંુ હતું કે, મોટા ચુકાદા દરમિયાન આવતીકાલના ચુકાદા માટે અહીં ૨૦ લાખથી વધુ બાબાના પ્રેમીઓ એકઠા થવાના છે. બીજી તરફ સંસ્થાના નેતાઓએ લોકોને શાંતિ જાળવવા અપીલ કરી છે. હરિયાણા પોલીસના ટોચના અધિકારીએ જણાવ્યું હતંુ કે, કોર્ટની પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે થશે અને તેમાં કોઇ બાધા પહોંચાડી શકે તેમ નથી. અમે સમગ્ર કોર્ટ પરિસરનો ઘેરાવ કર્યો છે અને કોઇને પણ કોર્ટની અંદર તથા નજીક આવવા દેવાશે નહીં. રામ રહિમ મોટાભાગે બૂલેટપ્રૂફ ગાડીઓમાં ફરે છે અને હરિયાણા સરકારે તેમને ઝેડ પ્લસ સુરક્ષા આપી છે જેનો તેઓ સિરસા અને આસપાસના વિસ્તારોમાં ફરવા માટે ઉપયોગ કરે છે.
નામ વિનાનો પત્ર, બે હત્યા : રામ-રહીમ વિરૂદ્ધ રેપ કેસની સ્ટોરી

ડેરા સચ્ચા સૌદાના પ્રમુખ ગુરમીત રામ રહિમ વિરૂદ્ધ શુક્રવારે રેપ કેસનો ચુકાદો આવવાનો છે તે પહેલા જ પંચકુલામાં આવેલી સીબીઆઇ કોર્ટ બહાર લાખો સમર્થકો એકઠા થઇ ગયા છે અને પંજાબ તથા હરિયાણામાં તંગદિલી ઊભી થઇ છે. હરિયાણઆના સિરસામાં આવેલા રામ રહિમના મુખ્યમથકમાં ૨૦૦૨માં બે મહિલાઓ સાથે દુષ્કર્મને મામલે આ ચુકાદો આવી રહ્યો છે. ચુકાદા પહેલા જ હરિયાણામાં એક લાખથી વધુ સમર્થકો એકઠા થયા છે જ્યારે હજુ તેમાં વધારો થવાની શક્યતા છે. બંને રાજ્યોમાં કોઇ હિંસક ઘટના ન બને તે માટે મજબૂત સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. જેરા સચ્ચા સૌદાની વેબસાઇટ પરથી જાણવા મળ્યું છે કે, રામ રહિમના ૬૦ મિલિયન કરતા વધુ સમર્થકો છે.
રામ રહિમના સંગઠન સાથે જોડાયેલી સાધ્વીએ વર્ષ ૨૦૦૨માં રેપની ફરિયાદ કરી હતી જેમાં તે સમયે વડાપ્રધાન અટલબિહારી વાજપેયીને એક નનામા પત્ર દ્વારા જાણ કરાઇ હતી કે કેવી રીતે રામ રહિમસિંહે તેના પર રેપ કર્યો હતો. ધાર્મિક નેતા પોતાની પાસે રિવોલ્વર રાખતો હતો અને તેની પાછળ પોર્ન ફિલ્મ ચાલતી હતી. તેણે કહ્યું કે, તેનું ત્રણ વર્ષ સુધી શારીરિક શોષણ કરાયું અને તેના જેવી ૩૫-૪૦ મહિલાઓ હજુ પણ તેનો શિકાર બની રહી છે. આ પત્રની હરિયાણા અને પંજાબ હાઇકોર્ટે સુઓ મોટો નોંધ લઇ સપ્ટેમ્બર ૨૦૦૨માં કેસ સીબીઆઇને સોંપ્યો હતો.તપાસ દરમિયાન ૧૮ સાધ્વીઓની પૂછપરછ કરાઇ હતી અને તેમાંથી બેએ રામ રહિમે શારીરિક શોષણ કર્યું હોવાની ફરિયાદ કરી હતી. એકે કહ્યું કે તેને શુદ્ધ કરવાના બહાને રેપ કરાયો હતો. સીબીઆઇએ તેમના નિવેદન નોંધી કોર્ટમાં પુરાવા તરીકે રજૂ કરવાનું કહ્યંુ હતું. ત્યારબાદ ડેરા સચ્ચા સૌદાના એક કાર્યકરના મોત બાદ રામ રહિમ પર કેસ નોેંધાયો હતો. રેપ કેસના પાંચ વર્ષ બાદ સીબીઆઇએ ૩૦ જુલાઇ ૨૦૦૭માં આરોપનામું કોર્ટને સુપરત કર્યું હતું. સપ્ટેમ્બર ૨૦૦૮માં રામ રહિમ પર અન્ય આરોપો પણ ઘડાયા હતા અને આ દરમિયાન સુનાવણી શરૂ કરાઇ હતી. ગુરમીત રામ રહિમ તેના પરના આરોપોને નકારતો આવ્યો છે. જ્યારે સુનાવણી શરૂ થયાના ૧૦ વર્ષ બાદ આખરે શુક્રવારે ચુકાદો આવશે.

ડેરા સચ્ચા સૌદામાં અમારા જેવા સાત કરોડ લોકો છે, કાંઇ પણ થઇ શકે : અનુયાયીઓ

સિરસા શહેરની કેટલાક કિલોમીટર નજીક આવેલા ડેરા સચ્ચા સૌદાના મુખ્યમથકે લાખોની સંખ્યામાં ગુરમીત રામ રહિમના સમર્થકો એકઠા થયા છે જેઓ પ્રેમીઓ તરીકે પણ ઓળખાય છે. સીબીઆઇ કોર્ટની નજીક આવેલા હાઇવે પર આ સમર્થકોએ જમાવડો કર્યો છે. મુખ્યમથકમાં રહેલા સમર્થકો વચ્ચે ચર્ચાઓ ચાલી રહી છે કે, જો ચુકાદો તેમની વિરૂદ્ધમાં આવે તો શું કરવું. સમર્થકોએ એમ પણ કહ્યું છે કે, સ્થિતિ ગંભીર છે અને કોઇ પણ સમયે કાંઇ પણ બની શકે છે. ડેરાના પ્રવક્તા આદિત્ય ઇનસાને કહ્યું કે, અમે સાત કરોડ લોકો છીએ, પરિસર છાવણી બની ગયું છે અને તેઓ ઉંઘવા પણ તૈયાર નથી. ડેરાના સમર્થકોમાંથી એકે કહ્યું હતું કે, અમારા ધાર્મિક નેતા વિરૂદ્ધ ખોટી અફવાઓ ફેલાવાઇ રહી છે જેમાં મીડિયાનો મોટો ભાગ છે. ચુકાદાને ધ્યાનમાં રાખતા રાજ્ય સરકારોએ બંને રાજ્યોની શાળાઓ અને કોલેજોને બંધ રાખવાનો આદેશ આપ્યો છે. સમર્થકો એવી પણ ધમકી આપી રહ્યા હતા કે તેમના ગુરૂજીને કોઇ પણ નુકસાન થવું જોઇએ નહીં. તેઓ અમારા માટે ઘણી મહેનત કરી રહ્યા છે. અમારી પાસે આજે જે હોસ્પિટલો, શાળાઓ અને જે કાંઇ પણ છે તે બધુ બાબાને પ્રતાપે મળેલું છે.