(એજન્સી) તા.૮
જાણીતા ઈતિહાસકાર રામચંદ્ર ગુહાએ તેમના ટ્વીટર એકાઉન્ટ પર એક ફોટો પોસ્ટ કર્યો હતો. તેમનો આ ફોટો વિવાદનું કારણ બન્યું છે. આ ફોટોમાં તે બીફ ખાતા નજરે પડ્યા છે. આ જાણકારી રામચંદ્ર ગુહાએ આપી હતી. તેમણે કહ્યું હતું કે, તે ગોવાના પ્રવાસે છે અને ઓલ્ડ ગોવામાં એક આહલાદક સવાર વીતાવ્યા પછી તેમણે લાંચમાં બીફ ખાધું હતું. રામચંદ્ર ગુહાએ ટ્વીટ કર્યું હતું કે, ઓલ્ડ ગોવામાં જાદુઈ સવાર વીતાવ્યા પછી અમે પણજીમાં લંચ કર્યું હતું. ગોવા ભાજપશાસિત રાજ્ય છે આ કારણે મેં ઉજવણી માટે બીફ ખાવાનો નિર્ણય કર્યો હતો. ગુહાએ ગોવાના અન્ય ફોટાઓ પણ પોસ્ટ કર્યા હતા. ભાજપના પૂર્વ સાંસદ બલબીર પુંજે રામચંદ્ર ગુહાની આ પોસ્ટ પર નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે ટ્વીટ કર્યું હતું કે, તમે બીફ ખાઈને અને સોશિયલ મીડિયામાં ફોટો પોસ્ટ કરીને લંચનો આનંદ લઈ રહ્યા, તમે જાણી જોઈને લાખો લોકોના વિશ્વાસની મજાક ઉડાવી રહ્યા છો. આ જોવું મુશ્કેલ નથી કે તમારી બિનસાંપ્રદાયિકતા માનસિકતાએ કેવી રીતે તમને એક અસંવેદનશીલ માણસમાં રૂપાંતરિત કર્યો છે. ઉલ્લેખનીય છે કે ઈતિહાસકાર રામચંદ્ર ગુહા ભાજપ સરકારની નીતિઓના વિવેચક છે. થોડા દિવસ પહેલાં ગુહાએ ગુજરાતની અમદાબાદ યુનિવર્સિટીમાં ભણાવવાની ના પાડી દીધી હતી. અમદાબાદ યુનિવર્સિટીએ તેમને વિદ્યાર્થીઓને ભણાવવા માટે બોલાવ્યા હતા. પરંતુ ભાજપની વિદ્યાર્થી પાંખ એબીવીપીએ તેનો વિરોધ કર્યો હતો. આ વિરોધના પગલે ગુહાએ યુનિવર્સિટીની ઓફરનો અસ્વીકાર કર્યો હતો.