રામનાથ કોવિંદ બન્યા દેશના ૧૪મા રાષ્ટ્રપતિ

વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રપતિ ચૂંટણીનાં પરિણામો બહાર આવતા ટિ્‌વટર પર પોસ્ટ કરતાં લખ્યું હતંું કે,૨૦ વર્ષ પહેલાં અને અત્યારે તમને જાણવાનો વિશેષ અધિકાર છે, રાષ્ટ્રપતિ ચૂંટણી. બીજી તરફ પીએમે કોવિંદને પુષ્પગુચ્છ આપી કોવિંદને અભિનંદન આપ્યા હતા. ૨૦ વર્ષ પહેલાંની તસવીર પરથી સમજાય છે કે મોદી અને કોવિંદ વચ્ચે કેટલાક જૂના સંબંધ છે.
(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૦
રાયસીના હિલ્સની રેસમાં જે રીતે આશા સેવાતી હતી તેજ રીતે રામનાથ કોવિંદ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભારે બહુમતીથી જીત મેળવવાની સાથે જ દેશના ૧૪મા રાષ્ટ્રપતિ બની ગયા છે. એનડીએના ઉમેદવાર રામનાથ કોવિંદને ૬૫.૬૫ ટકા મતો મળ્યા હતા જ્યારે વિપક્ષના ગણાતા ઉમેદવાર મીરાં કુમારને ૩૪.૩૫ ટકા મતો મળ્યા હતા. જોકે મીરાં કુમારે પહેલા જ જણાવી દીધું હતું કે, તેઓ વિચારધારાની લડાઇ લડી રહ્યા છે. રાષ્ટ્રપતિની ચૂંટણી માટે સોમવારે મતદાન થયું હતું જ્યારે તેના પરિણામ ગુરૂવારે બપોર સુધીમાં જ બહાર આવી ગયા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રામનાથ કોવિંદની જીત પર તેમને અભિનંદન તથા શુભકામનાઓ આપી હતી આ સાથે જ તેમણે મીરાં કુમારને પણ અભિનંદન આપ્યા હતા. રામનાથ કોવિંદને કુલ ૭,૦૨,૦૪૪ મતો મળ્યા હતા જ્યારે મીરાં કુમારને ૩,૬૭,૩૧૪ મતો મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે, ૨૦૧૨ની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં પ્રણવ મુખરજીને ૭,૧૩,૭૬૩ મતો મળ્યા હતા જ્યારે વિપક્ષી ઉમેદવાર પી.એ. સંગમાને ૩,૧૫,૯૮૭ મતો મળ્યા હતા. એનડીએના ઉમેદવારને ૫૨૨ સાંસદોએ મત આપ્યા હતા જ્યારે મીરાં કુમારને ૨૨૫ સાંસદોના મતો પ્રાપ્ત થયા હતા. ઇલેક્ટોરલ કોલેજમાં ૪૯૮૬ મતદારોના મતોનું મૂલ્ય ૧૦,૯૮,૯૦૩ થતું હતું જેમાંથી કોવિંદે ૨૯૩૦ મતદારોના મતોના મૂલ્ય ૭,૦૦,૨૪૪ મતો મેળવ્યા હતા જ્યારે મીરાં કુમારે ૩,૬૭,૩૧૪ મૂલ્યવાળા ૧૮૪૪ મતદારોના મતો મેળવ્યા હતા.
મીરાં કુમારના પરાજય માટે એનડીએ શાસિત રાજ્યો આંધ્રપ્રદેશ, આસામ, અરૂણાચલપ્રદેશ, છત્તીસગઢ, ગોવા, ગુજરાત અને ઝારખંડ જેવા રાજ્યો જવાબદાર રહ્યા હતા. બીજી તરફ તૃણમુલ કોંગ્રેસની સત્તાવાળા પશ્ચિમ બંગાળ, કોંગ્રેસની સત્તા ધરાવતા કર્ણાટક અને કોંગ્રેસના શાસનવાળા પંજાબમાંથી મીરાં કુમારને કોવિંદ કરતા વધુ મતો મળ્યા હતા. આઠ રાઉન્ડમાં થયેલા મત ગણતરીમાં રામનાથ કોવિંદ શરૂઆતથી અંત સુધીમાં સરસાઇ જાળવી રાખી હતી. સૌપ્રથમ રાષ્ટ્રપતિ ભવનની પેટીને ખોલવામાં આવી હતી બાદમાં આલ્ફાબેટ પ્રમાણે રાજ્યોની મત પેટીઓને ખોલવામાં આવી હતી. તમામ મતોની ગણતરી વિવિધ ચાર ટેબલો પર કરવામાં આવી હતી અને આઠ રાઉન્ડમાં ગણતરી પૂરી થઇ હતી. આ વખતે આશરે ૯૯ ટકા મતદાન થયું હતું. સંસદ ભવનના એક મતદાન કેન્દ્ર સહિત વિવિધ રાજ્યોમાં ૩૨ મતદાન કેન્દ્રો સ્થાપિત કરવામાં આવ્યા હતા. ચૂંટણીમાં કુલ ૪૮૯૬ મતદાતા (૪૧૨૦ ધારાસભ્યો અને ૭૭૬ ચૂંટાયેલા સાંસદો) મત આપવા માટે પાત્રતા ધરાવતા હતા. વિધાનસભા પરિષદમાં એમએલસી ઇલેક્ટોરલ કોલેજનો ભાગ નથી. ધારાસભ્યોના મતોનું મુલ્ય રાજ્યની વસ્તી પર નિર્ભર કરે છે જે રાજ્યમાંથી તેઓ આવે છે. જ્યારે તમામ સાંસદોના મતોનું મુલ્ય એક સમાન ૭૦૮ છે. પૂર્વ લોકસભા અધ્યક્ષ મીરાં કુમારની સરખામણીમાં મોટાભાગના મતો બિહારના પૂર્વ રાજ્યપાલ અને સત્તાપક્ષ ગઠબંધન એનડીએના રામનાથ કોવિંદના પક્ષમાં નાખવામાં આવ્યા હતા.

ભારતના ૧૪મા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ વિશે જાણવા જેવું
ઉત્તર પ્રદેશના કાનપુરમાં પહેલી ઓક્ટોબર ૧૯૪૫ના દિવસે જન્મ થયો હતો. કોવિંદ બંધારણ અંગે વ્યાપક અનુભવ ધરાવે છે. પ્રોફેશનથી વકીલ રામનાથ કોવિંદ ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ રહ્યા છે. કોવિંદ ઓલ ઇન્ડિયા કોળી સમાજના અધ્યક્ષ રહ્યા છે. ઉત્તર પ્રદેશની કાનપુર યુનિવર્સિટીમાંથી બીકોમ અને એલએલબીની ડિગ્રી હાંસલ કરી છે. કોવિંદ પોતાના સમયમાં ખુબ જ હોશિંયાર વિદ્યાર્થી રહ્યા હતા. રામનાથ કોવિંદ ૧૯૭૧માં બાર કાઉન્સિલ ઓફ દિલ્હીમાં રજિસ્ટ્રાર થયા હતા. કોવિંદે દિલ્હી હાઈકોર્ટમાં ૧૯૭૭-૭૯ સુધી વકીલાત કરી હતી. સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટમાં ૧૬ વર્ષનો અનુભવ. દલિત સમુદાયના કોવિંદ ઉત્તર પ્રદેશમાંથી બે વખત રાજ્યસભાના સભ્ય રહ્યા છે. રામનાથ કોવિંદ ૧૯૭૭માં પૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈના ખાસ કાર્યકારી અધિકારી રહી ચુક્યા છે. રામનાથ કોવિંદ ૧૯૯૪માં ઉત્તર પ્રદેશમાંથી પ્રથમ વખત રાજ્યસભામાં સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા હતા. ૨૦૦૬ સુધી સાંસદ રહ્યા હતા. રામનાથ કોવિંદ ગૃહ મામલાઓની કમિટિ સહિત અનેક સંસદીય કમિટિઓમાં સામેલ રહ્યા છે. કોવિંદ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ સાથે પણ સંબંધ ધરાવે છે. રામનાથ કોવિંદને બિહારના રાજ્યપાલ પણ એકાએક બનાવવામાં આવ્યા હતા. તે વખતે સત્તારુઢ જેડીયુ દ્વારા તેમનો વિરોધ કરાયો હતો. રામનાથ કોવિંદે સમાજના નબળા વર્ગ માટે ખુબ કામ કર્યું છે. તેઓએ અનુસૂચિત જાતિ અને જનજાતિની મહિલાઓને મફત કાયદાકીય સલાહો આપી છે. ૭૧ વર્ષીય રામનાથ કોવિંદ રાષ્ટ્રપતિ ભવન સુધી પહોંચનાર બીજા દલિત નેતા બન્યા છે. અગાઉ એકઆર નારાયણન રાષ્ટ્રપતિ બન્યા હતા. રામનાથ કોવિંદે સમાજના નબળા વર્ગ માટે ખુબ કામ કર્યું છે. તેઓએ અનુસૂચિત જાતિ અને જનજાતિની મહિલાઓને મફત કાયદાકીય સલાહો આપી છે. ૧૯૯૮-૨૦૦૨ દરમિયાન દલિત મોરચાનું નેતૃત્વ કર્યું હતુ.ં ઓલ ઇન્ડિયા કોળી સમાજનું નેતૃત્વ કર્યું હતું. એપ્રિલ ૧૯૯૪માં ઉત્તરપ્રદેશથી રાજ્યસભા માટે ચૂંટાયા હતા. ત્યારબાદ માર્ચ ૨૦૦૬ સુધી સતત બ અવધિ સુધી રહ્યા
રામનાથ કોવિંદને અભિનંદન,
વિચારધારાની લડાઇ ચાલુ
રહેશે : મીરાં કુમાર
તાજેતરમાં યોજાયેલી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં પરિણામોમાં એનડીએના રામનાથ કોવિંદે ભારે બહુમતીથી જીત મેળવ્યા બાદ વિપક્ષના ઉમેદવાર મીરાં કુમારે તેમને અભિનંદન આપ્યા હતા અને ભારતના રાષ્ટ્રપતિના કાર્યકાળ માટે શુભકામના પણ આપી હતી. તેમણે ચૂંટણીમાં પોતાને સમર્થન આપનારા તમામ સભ્યોનો આભાર માનતા જણાવ્યું હતું કે, હું તમામ સભ્યો ઉપરાંત તમામ વિપક્ષના નેતા સોનિયા ગાંધીનો સમર્થન બદલ ખાસ આભાર માનું છું. તેમણે ઉમેર્યું હતું કે તેઓ હજુ પણ સમાજના કચડાયેલા વર્ગો માટે અવાજ ઉઠાવવાનું ચાલુ રાખશે. હું સ્પષ્ટતા કરવા માગુ છું કે, ૨૦મી જુલાઇ ૨૦૧૭ મારી લડતનો અંતિમ દિવસ નથી, તે ચાલુ રહેશે. મારી લડત ધર્મનિરપેક્ષતા, વંચિતો અને કચડાયેલાઓ માટે ચાલુ રહેશે. પરિણામો બાદ વડાપ્રધાન મોદીએ પણ મીરાં કુમારને તેમના અભિયાન માટે અભિનંદન પાઠવ્યા હતા. મોેદીએ ટિ્‌વટર પર જણાવ્યું હતું કે, હું મીરાં કુમારને પણ તેમના અભિયાન માટે અભિનંદન આપું છું કે, લોકશાહીના મૂલ્યો માટે તેમણે અભિયાન ચલાવ્યું.
ભારતના નવા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યંું, મોટી જવાબદારી : ૧૦ મુદ્દા

૧. રામનાથ કોવિંદ અને મીરાં કુમારની પસંદગી કરવા માટે સોમવારે આશરે ૪૮૦૦ જેટલા મતદારોએ મતદાન કર્યંું હતંુ. મીરાં કુમારને ૧૭ વિપક્ષ દ્વારા પસંદ કરાયા હતા.
૨. મીરાં કુમારે કહ્યું કે, હું કોવિંદજીને અભિનંદન આપું છું પરંતુ મારી લડત ચાલુ રહેશે કારણ કે મારી લડત વિચારધારાની છે જેમાં ઘણા ભારતીયોનો સમાવેશ થાય છે.
૩. મતગણતરી સવારે ૧૧ વાગે શરૂ થઇ ત્યારે સૌ પ્રથમ સંસદની મતપેટીઓ ખોલવામાં આવી હતી ત્યારબાદ રાજ્ય વિધાનસભાઓની મતપેટીઓ ખોલાઇ હતી.
૪. રિટર્નિંગ ઓફિસરે જણાવ્યું હતું કે, સોમવારે થયેલી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ૯૯ ટકા મતદાન થયું હતું જે અત્યારસુધીનું સૌથી ઊંચું મતદાન છે. વિવિધ ૩૨ સ્થાને મતદાન યોજાયું હતું જેમાં એક પાર્લામેન્ટમાં અને ૨૯ વિધાનસભાઓમાં તથા બે કેન્દ્રશાસિત રાજ્યોની વિધાનસભાઓમાં યોજાયું હતું.
૫. રામનાથ કોવિંદ દલિત નેતા છે અને ખેડૂત પુત્ર છે. તેમના સામાન્ય જીવન અને સંઘર્ષે ભાજપને આકર્ષિત કર્યા હતા.
૬. બિહારના પૂર્વ રાજ્યપાલે રાજ્યસભામાં બે સત્ર દરમિયાન સભ્યપદ મેળવ્યું છે. તેઓ વ્યવસાયે વકીલ છે અને હાઇકોર્ટ તથા સુપ્રીમ કોર્ટમાં ફરજ બજાવી ચૂક્યા છે.
૭. વિપક્ષમાં ભાગલા પડાવવા પીએમ મોદીએ રામનાથની પસંદગી કરી માસ્ટરસ્ટ્રોક રમ્યો હતો અને પોતાના પક્ષને એકજૂથ રાખી પછાત વર્ગનું પણ સમર્થન પ્રાપ્ત કરી લીધું હતું.
૮. કે.આર. નારાયણન પછી કોવિંદ દેશના બીજા દતિલ રાષ્ટ્રપતિ બન્યા.
૯. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર અને તેમના પક્ષે કોવિંદને મત આપ્યા હતા જ્યારે છેલ્લા બે સત્રથી ભાજપના સાથી શિવેસના વિરોધમાં મત કરી રહ્યું હતું પરંતુ તેણે પણ કોવિંદને મત આપ્યા હતા.
૧૦. નીતિશ કુમારે કોવિંદને સમર્થન કરતા વિપક્ષને મોટો ફટકો પડ્યો હતો જેમાં ૨૦૧૯ની સામાન્ય ચૂંટણી પહેલા વિપક્ષને વેરવિખેર કરવામાં સત્તાપક્ષ સફળ રહ્યું હતંુ.
૭૭ મતો અમાન્ય જેમાંથી ૨૧ સાંસદોના હતા

રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ધારાસભ્યો અને સાંસદોએ પહેલી અને બીજી પસંદ તરીકે મત આપવાનો હતો પરંતુ ૭૭ ધારાસભ્યો અને સાંસદો તેમ કરવામાં નિષ્ફળ ગયા હતા. દેશભરના ૨૧ સાંસદો અને ૫૬ ધારાસભ્યોના મતો જેનું મુલ્ય ૨૦૯૪૨ હતું તે અમાન્ય ગણાયા હતા. આશ્ચર્યની વાત એ છે કે, ચૂંટણી પંચે મતદાન પહેલા જ સાંસદો અને ધારાસભ્યોને આ અંગે સંપૂર્ણ જાણકારી આપી હતી. અમાન્ય મતોને પરત ખેંચી લેવામાં આવ્યા હતા.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks