(એજન્સી) જયપુર, તા.૧૮
રાજસ્થાનમાં વધતા ગુનાઓ પર વસુંધરા સરકારના એક મંત્રીનો ચોંકાવનારો જવાબ સામે આવ્યો છે. પોતાના ૪ વર્ષના કામકાજના વખાણ કરવા માટે સિરોહી પહોંચેલા ગ્રામીણ વિકાસ તેમજ પંચાયતી રાજમંત્રી રાજેન્દ્ર રાઠોડને જ્યારે રાજ્યમાં વધતા ગુનાઓ અને કથળતી જતી કાયદાકીય વ્યવસ્થા વિશે પ્રશ્ન કરવામાં આવ્યો તો મંત્રીએ જવાબ આપ્યો કે ગુનાઓ તો રામરાજમાં પણ થતા હતા. રામરાજમાં ક્યો ગુનો નહોતો થતો, તો હવે ગુનાઓ બંધ થઈ જાય. કાયદો વ્યવસ્થાની સમસ્યા સતયુગથી લઈને કળિયુગ સુધી રહી છે અને આગળ પણ ચાલુ રહેશે. અમે પ્રયત્ન કર્યો છે કે, ગુનાઓ પર નિયંત્રણ મેળવવામાં આવે.
એક તરફ રાજસ્થાનમાં અવાર-નવાર સાંપ્રદાયિક ઉન્માદને કારણે કલમ-૧૪૪ લાગુ પાડવી પડે છે અને ઈન્ટરનેટ બંધ કરવું પડે છે. બીજી તરફ ચોરી, લૂંટફાટ અને હત્યા જેવા ગુનાઓ પણ વધી રહ્યા છે. દલિત અત્યાચારના કિસ્સામાં રાજસ્થાન ત્રીજા ક્રમાંકે છે તો મહિલાઓ સાથે થનારા ગુનાઓમાં ચોથા ક્રમાંકે છે. એવામાં ગ્રામીણ તેમજ વિકાસ તેમજ પંચાયતી રાજમંત્રી રાજેન્દ્ર રાઠોડનું આ અર્થવિહોણું નિવેદન ગુનેગારોની હિંમતમાં વધારો કરનારું છે. બીજેપીના આ વરિષ્ઠ મંત્રીના નિવેદન પર કોંગ્રેસ પ્રવક્તા અર્ચના શર્માએ કહ્યું કે, આ નિવેદન એકલા મંત્રીનું નથી પરંતુ આખી સરકારની માનસિકતાને દર્શાવે છે કે, સરકાર રાજ્યની કથળતી કાયદાકીય વ્યવસ્થાને ભગવાન ભરોસે છોડી રહી છે. બીજી તરફ કાયદો અને વ્યવસ્થાની જવાબદારી સંભાળનારા ગુલાબચંદ કટારિયાને આજે બેરોજગારોના ગુસ્સાનો શિકાર થવું પડ્યું. પોતાની સરકારના ૪ વર્ષના કામકાજની વિગતો આપવા અજમેરના પ્રવાસ પર ગયેલા કટારિયાને બેરોજગારોએ કાળા વાવટાઓ દર્શાવીને વિરોધ કર્યો. નારાજ થયેલા નરસિંહ વિદ્યાર્થીઓને કાબૂમાં રાખવા માટે પોલીસ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો.