જો રમઝાન ઈદ ૧પમીએ થાય તો ગ્રામ્ય વિસ્તારોમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ ૧૬મી જૂને કરાશે

(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.૧૩
રાજ્ય સરકાર દ્વારા આવતીકાલ તા.૧૪ અને ૧પ જૂનથી ગ્રામ્ય વિસ્તારોમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજવાની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ જો ૧પમી જૂનના રોજ રમઝાન ઈદ આવતી હોય તો સમગ્ર રાજ્યમાં યોજાનાર શાળા પ્રવેશોત્સવ ૧પમી જૂનને બદલે ૧૬ જૂનને શનિવારે યોજવાનો રહેશે એવી પ્રાથમિક શિક્ષણ વિભાગના નાયબ સચિવ વિ.ટી. મંડોરા દ્વારા એક યાદીમાં જણાવાયું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારે ગ્રામ્ય વિસ્તારોમાં ૧૪ અને ૧પ જૂનના રોજથી શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમની જાહેરાત કરી હતી જ્યારે શહેરી વિસ્તારોમાં તા.રર અને ર૩ જૂનના રોજ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાનાર છે. જો કે મુસ્લિમ તહેવારો ચાંદ મુજબ મનાવતા હોવાથી જો ૧૪મી તારીખે ચાંદ દેખાય અને ૧પ જૂને રમઝાન ઈદ આવે તો મુસ્લિમ શિક્ષકો સહિતના સ્ટાફ તથા વિદ્યાર્થીઓને ભારે અગવડ પડી શકે તેમ છે. આ અંગે ગુજરાત ટુડેએ અખબારી અહેવાલ અને ટેલિફોનિક વાતચીતથી શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાનું ધ્યાન દોર્યુ હતું. ઉપરાંત ગુજરાત રાજ્ય હજ કમિટીના ચેરમેન પ્રો. મોહમ્મદઅલી કાદરી તથા અન્ય મુસ્લિમ આગેવાનોએ પણ શિક્ષણમંત્રીને તારીખ બદલવા ભારપૂર્વક રજૂઆત કરી હતી.
આ તમામ રજૂઆતને ધ્યાને રાખી શિક્ષણમંત્રીની સુચનાથી એક પરિપત્ર ઈ-મેઈલ મારફત તમામ સંબંધિત વિભાગોને મોકલવામાં આવ્યો છે. જેમાં જણાવ્યું છે કે રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ જાહેર રજાઓની યાદી મુજબ તા.૧૬-૬-ર૦૧૮ને શનિવારના રોજ રમઝાન ઈદની રજા જાહેર કરવામાં આવી છે પરંતુ તા.૧૪-૬-ર૦૧૮ના રોજ ચાંદ દેખાય તો ૧પ-૬-ર૦૧૮ને શુક્રવારના રોજ રમઝાન ઈદની રજા જાહેર કરવામાં આવે તો તેવા સંજોગોમાં તા.૧પ-૬-ર૦૧૮ના રોજ સમગ્ર રાજ્યમાં યોજાનાર શાળા પ્રવેશોત્સવ તે દિવસને બદલે તા.૧૬-૬-ર૦૧૮ને શનિવારના રોજ યોજવાનો રહેશે તેમ શિક્ષણ વિભાગની યાદીમાં જણાવાયું છે આમ શિક્ષણમંત્રીના આ નિર્ણયને ગુજરાત ટુડે અને હજ કમિટીના ચેરમેન વગેરે આવકારી તેમનો આભાર વ્યકત કરે છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks