અમદાવાદ, તા.ર
ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દારૂ બેફામ વેચાતો હોય તેવું વારંવાર પકડાતા દારૂના જથ્થાથી સ્પષ્ટ થયું છે ત્યારે ગાંધી જયંતીના દિવસે જ અમદાવાદ ક્રાઈમ બ્રાંચે દેશી અને વિદેશી દારૂના જથ્થા સાથે મહિલા બુટલેગરને ઝડપી પાડી છે. ચોક્કસ બાતમીના આધારે અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાંચે રાણીપ-કાળીગામ પુનિત સોસાયટીમાં રહેતા ભારતીબેન ભરતભાઈ શર્મા (વિધવા)ના ઘરે રેઈડ કરી તેઓના ઘરમાંથી તથા તેમના કબજાના બાજુમાં આવેલ કાચબા ઘર તથા ઘોડા બાંધવાની જગ્યામાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ તથા બિયર નંગ કુલ નંગ-૬૬૭ કિ.રૂા. ૧,૧૧,પ૦૦/- તથા દેશીદારૂ લિટર-૭૪ કિ.રૂા. ૧૪૮૦ મળી કુલ કિ.રૂા.૧,૧ર,૯૮૦નો મુદ્દામાલ તપાસ અર્થે કબજે કર્યો હતો. ત્યારબાદ આરોપી ભારતીબેનની વિરૂદ્ધ ડી.સી.બી. પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ભારતીબેન અગાઉ દેશી-વિદેશી દારૂનો ધંધો કરવા બદલ ઘણાં કેસોમાં તેમજ અગાઉ કુલ-૬ વખત પાસા અટકાયતી તરીકે જામનગર, વડોદરા, રાજકોટ ખાતે જેલમાં રહી આવેલી છે. સને ર૦૧૭માં પાસા અટકાયતી તરીકે જામનગર જેલમાં રહી આવી આજથી બે માસ પહેલાં જેલમાંથી છૂટી ઘરે આવેલી છે તેમ છતાં પોતાની પ્રોહી પ્રવૃત્તિ ચાલુ રાખી છે.