મુખ્ય ન્યાયાધીશ દીપક મિશ્રાએ રહસ્યનો અંત આણ્યો, સરકારને પોતાના અનુગામી તરીકે રંજન ગોગોઈની સત્તાવાર ભલામણ કરી

(એજન્સી) નવી દિલ્હી, તા.૪
ભારતના મુખ્ય ન્યાયાધીશ દીપક મિશ્રાએ કેન્દ્ર સરકારને સત્તાવાર રીતે પોતાના અનુગામી તરીકે જજ રંજન ગોગોઈની ભલામણ કરી છે. મિશ્રાનો કાર્યકાળ ૧લી ઓક્ટોબરના રોજ પૂર્ણ થાય છે. જજ ગોગોઈ ત્રીજી ઓક્ટોબરે પોતાના હોદ્દાના શપથ લેશે કારણ કે બીજી ઓક્ટોબરે ગાંધી જયંતિના લીધે જાહેર રજા છે. જજ રંજન ગોગોઈ એ ચાર બળવાખોર જજોમાંના એક છે જેમણે આ વર્ષે ૧રમી જાન્યુઆરીએ જજ દીપક મિશ્રા સામે વિરોધ નોંધાવ્યો હતો. જજ ગોગોઈ આસામથી સંબંધ ધરાવે છે અને એમણે હાલમાં જ તૈયાર થયેલ આસામના એનસીઆરને બનાવવા માટે નિર્દેશો આપ્યા હતા. જજ ગોગોઈનો જન્મ ૧૯પ૪માં થયો હતો. બાર સાથે ૧૯૭૮માં જોડાયા હતા અને એ પછી ગુવાહાટી હાઈકોર્ટમાં કાયમી જજ તરીકે ર૦૦૧ના વર્ષમાં નિમાયા હતા. એ પછી એમની બદલી પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં ર૦૧૦ના વર્ષમાં કરાઈ હતી અને ર૦૧૧માં પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં મુખ્ય ન્યાયાધીશ તરીકે નિમણૂક કરાઈ હતી. સુપ્રીમ કોર્ટમાં જજ તરીકે એમની નિમણૂક યુપીએ સરકારે ર૦૧રના વર્ષમાં કરી હતી. સ્થપાયેલ પ્રણાલી મુજબ નિવૃત્ત થતા મુખ્ય ન્યાયાધીશ પોતાના અનુગામીના નામની ભલામણ એમની નિવૃત્તિના ૩૦ દિવસ પહેલાં કરે છે. જે મુજબ જ સીજેઆઈ મિશ્રાએ ભલામણ કરી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks