જી.સી.એ. ગુજરાતની ટીમને ત્રણ કરોડનું રોકડ ઈનામ આપશે
અમદાવાદ, તા.૧૬
ગુજરાતની રણજી ટ્રોફી ટીમે પાર્થિવ પટેલની કેપ્ટનશિપ હેઠળ ૮૩ વર્ષમાં પ્રથમ વખત રણજી ટ્રોફી ચેમ્પિયનશિપમાં ઐતિહાસિક વિજય મેળવ્યો છે. ૪૧ વખત રણજી ટ્રોફી જીતનારી મુંબઈની ટીમને પાંચ વિકેટે હરાવીને વિજય મેળવનારી ગુજરાતની રણજી ટ્રોફી ટીમનો ભવ્ય સત્કાર સમારંભ ટૂંક જ સમયમાં યોજવામાં આવશે, એમ ગુજરાત ક્રિકેટ એસોસીએશનના ઉપપ્રમુખ પરિમલ નથવાણીએ એક અખબારી યાદીમાં જણાવ્યું હતું. રણજી ટ્રોફી વિજેતા ગુજરાતની ટીમ મુંબઈના સી.સી.આઈ. બ્રેબોર્ન સ્ટેડિયમ પર જાન્યુઆરી ર૦થી જાન્યુઆરી ર૪ સુધી ચેતેશ્વર પૂજારાની કેપ્ટનશિપ હેઠળની રેસ્ટ ઓફ ઈન્ડિયાની ટીમ સામે ઈરાની કપ રમવાની તૈયારીમાં વ્યસ્ત રહેશે. “ગુજરાતની ટીમ હાલમાં ઈરાની કપની મેચ માટેની પ્રેક્ટિસમાં વ્યસ્ત હોવાથી ર૪મી જાન્યુઆરી ર૦૧૭ બાદ ભવ્ય સત્કાર સમારંભ યોજાશે તેમ તેમણે જણાવ્યું હતું. જેની તારીખ, સ્થળ અને સમયની જાહેરાત ટૂંક જ સમયમાં કરવામાં આવશે. જો કે, મોટેરામાં વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમના ભૂમિપૂજન પ્રસંગે ઉપસ્થિત રહેલા પાર્થિક પટેલ સહિતના વિજેતા ટીમના ખેલાડીઓ તથા સ્પોર્ટ સ્ટાફને ઉમળકાભેર વધાવી લેવામાં આવ્યા હતા, એમ પણ નથવાણીએ જણાવ્યું હતું. ગુજરાત ક્રિકેટ બોર્ડે ગુજરાતની રણજી ટીમ માટે ત્રણ કરોડ રૂપિયાના રોકડ ઈનામની જાહેરાત કરી છે. પરિમલ નથવાણીએ કહ્યું કે આ ઈનામી રકમ બીસીસીઆઈ તરફથી મળનારી બે કરોડ રૂપિયાની રકમ ઉપરાંતની હશે.