અમદાવાદ,તા.૧૫
શહેરનાં માધુપુરા અને શાહીબાગ વિસ્તારમાં નાનાં બાળકો સાથે દુષ્કર્મ અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યુ હોવાની ઘટનાઓ સામે આવતાં ભારે ચકચાર મચી ગઇ હતી. શહેરના માધપુરા વિસ્તારમાં ઇદગાહ પાસે પાડોશી યુવકે માત્ર પાંચ વર્ષની માસૂમ બાળકીને લાલચ આપી તેના ઘરે લઇ જઈ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવાનો પ્રયાસ કર્યો હતો. બાળકીએ આ અંગે તેની માતાને જાણ કરતાં માધુપુરા પોલીસ સ્ટેશનમાં યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ સમગ્ર મામલે ઝીણવટભરી તપાસ હાથ ધરી છે. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, શહેરના માધુપુરાના ઈદગાહ વિસ્તારમાં આવેલી એક ચાલીમાં મૂળ રાજસ્થાનનો રહેવાસી અને મજૂરી કામ કરી ગુજરાન ચલાવતો પરિવાર રહે છે. આ પરિવારની પાંચ વર્ષની બાળકી ગઈકાલે સાંજે આસપાસ તેના ઘરની બહાર રમતી હતી. દરમ્યાનમાં તેના ઘરની નજીકમાં રહેતો યુવક તેની પાસે આવ્યો હતો. યુવક બાળકીને ચોકલેટની લાલચ આપી તેના ઘરે લઈ ગયો હતો. ઘરનો દરવાજો બંધ કરી યુવકે બાળકી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે તેમાં તે સફળ ન રહેતાં તેણે બાળકીને છોડી દીધી હતી. બાળકીએ ઘરે જઈ તેની માતાને જણાવ્યું હતું કે તેની સાથે બાજુવાળાએ આ રીતે કૃત્ય કર્યું છે. બાળકી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવાનો પ્રયાસ કર્યો હોઈ તેઓએ માધુપુરા પોલીસ સ્ટેશનમાં યુવક સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આરોપીને ઝડપવા તજવીજ હાથ ધરી હતી. આ જ પ્રકારે શહેરના શાહીબાગ વિસ્તારમાં આવેલી એક ચાલીમાં સગીર યુવકે ચોકલેટની લાલચ આપીને નવ વર્ષના બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવાની કોશિશ કરતાં મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો છે. સામાન ચઢાવવાના બહાને સગીર બાળકને પાડોશીના મકાનમાં લઇ ગયો, જ્યાં તેણે આ કૃત્ય આચર્યુ હતુ. શાહીબાગ વિસ્તારમાં આવેલ કાંતિલાલની ચાલીમાં રહેતા ૩૩ વર્ષીય પ્રિતમભાઇ (નામ બદલેલ છે)એ શાહીબાગ પોલીસે આ મામલે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી સગીર યુવકની અટકાયત કરી લીધી હતી.