ગુવાહાટી, તા. ૨
રાષ્ટ્રગાન સમયે જ્યારે એક મુસ્લિમ દિવ્યાંગ વ્યક્તિ ઉભો ન થઇ શક્યો ત્યારે કહેવાતા રાષ્ટ્રવાદી લોકોએ તેને પાકિસ્તાની ગણાવી ગાળો ભાંડી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ ઘટના આસામના ગુવાહાટીની છે જ્યાં ૩૬ વર્ષના અરમાનઅલી સાથે આવો દુર્વ્યવહાર થયો છે. પીડિત અરમાને આરોપ લગાવ્યો છે કે, શુક્રવારે ૨૯મી સપ્ટેમ્બરના રોજ સિનેમા હોલમાં રાષ્ટ્રગાન સમાપ્ત થતા જ બે વ્યક્તિઓએ તેને ગાળો ભાંડી હતી અને તેમાંથી એકે કહ્યું હતું કે, જુઓ સામે પાકિસ્તાની બેઠો છે. ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે નવેમ્બરમાં સુપ્રીમ કોર્ટે ફિલ્મ પહેલા રાષ્ટ્રગાન બજાવવાને અનિવાર્ય કર્યું હતું. આ સાથે જ તમામ ફિલ્મ જોનારાઓ માટે ઉભા થવાનું પણ ફરજિયાત કરવામાં આવ્યું હતું. પરંતુ સુપ્રીમ કોર્ટે એવી પણ સ્પષ્ટતા કરી હતી કે, દિવ્યાંગ લોકોને ઉભા થવાની જરૂર નથી. અરમાને સમાચાર એજન્સીને જણાવ્યંુ હતું કે, આ ઘટના અંગે ભારતના મુખ્ય ન્યાયાધીશને પત્ર લખવાનું વિચારી રહ્યો છે. એક અહેવાલ અનુસાર અરમાને ઘટના અગે જાણકારી આપતા કહ્યું કે, જ્યારે મને પાકિસ્તાની સંબોધવામાં આવ્યો ત્યારે મેં પાછળ ફરીને જોયું અને મારા ચહેરા પર સંતુષ્ટીનો ભાવ હતો કારણ કે, કોઇપણ વ્યક્તિ માટે પાકિસ્તાની શબ્દનો ઉપયોગ કરવો સરળ છે જ્યારે તે જાણતો પણ નથી કે, આ પાકિસ્તાની પોતાના પગ પર ઉભો થઇ શકતો નથી. કદાચ તેમની દેશભક્તિ મારા રાષ્ટ્રગીત પર ઉભા ન થવા પર સમાપ્ત થઇ ગઇ હશે. મહત્વની વાત એ છે કે, અરમાન શિશુ સરોથી નામના એક સામાજિક સંગઠનમાં એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર છે. આ સંગઠન દિવ્યાંગોના અધિકારો માટે કામ કરી રહ્યું છે. અરમાને કહ્યું કે, આ સંગઠન એ છે જ્યાં આપણો સમાજ આજે ઉભો છે.