નવજોતસિંહ સિદ્ધુ માટે પ્રથમ હરોળમાં બેઠક, પાક. આર્મી ચીફને ભેટ્યા, પીઓકેના રાષ્ટ્રપતિની બાજુમાં બેસ્યા

(એજન્સી)
ઇસ્લામાબાદ, તા. ૧૮
ભારતના ક્રિકેટરમાંથી રાજકારણી બનેલા નવજોતસિંહ સિદ્ધુએ આશા વ્યક્ત કરી હતી કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે શાંતિ પ્રક્રિયા માટે ઇમરાન ખાનનું પીએમ બનવું સારૂ રહેશે. વાદળી સૂટ અને ગુલાબી પાઘડીમાં સજ્જ સિદ્ધુ ઇસ્લામાબાદમાં શનિવારે ઐવાને સદર(રાષ્ટ્રપતિ ભવન) ખાતે ઇમરાન ખાનના શપથ ગ્રહણ સમારોહમાં ખાસ મહેમાનોમાં સામેલ હતા. સભાસ્થળ પર આવ્યા બાદ પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ કમર જાવેદ બાજવા પ્રથમ હરોળમાં બેઠેલા મહેમાનોને મળ્યા હતા અને સિદ્ધુ સાથે ભેટી ગયા હતા. બંનેને થોડી વાતો કરી હતી અને એકબીજાને સ્મિત આપ્યું હતું અને ફરી ભેટી પડ્યા હતા. પીટીવી સાથે વાત કરતા સિદ્ધુએ પોતાની કાવ્ય પંક્તિ સાથે ઇમરાનના વખાણ કર્યા હતા. પંજાબની કોંગ્રેસ સરકારમાં મંત્રી સિદ્ધુએ કહ્યું કે, નવીસરકાર સાથે પાકિસ્તાનમાં નવી સવાર થઇ જે દેશની દિશા બદલી શકશે. પાકિસ્તાનના જૂથો દ્વારા આતંકવાદી હુમલા અને ભારત દ્વારા ૨૦૧૬માં સર્જિકલ સ્ટ્રાઇક થયા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો વણસ્યા છે. સિદ્ધુ વાઘા બોર્ડર પરથી પાકિસ્તાન રવાના થયા હતા. શપથ ગ્રહણ સમારોહમાં ભાગ લેવા માટે તેઓ લાહોરથી ઇસ્લામાબાદ ગયા હતા. પાકિસ્તાનના સમારોહ ખાતે પહોંચ્યા બાદ સિદ્ધુએ નવા વડાપ્રધાન દ્વારા બંને દેશો વચ્ચે શાંતિના પ્રયાસો થાય તેવી આશા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે, તેઓ ભારત તરફથી સદ્‌ભાવના દૂત બનીને આવ્યા છે અને પ્રેમનો સંદેશ લાવ્યા છે. હું અહીં એક રાજકારણી તરીકે નહીં પણ મિત્ર તરીકે આવ્યો છું. હું મારા મિત્રની ખુશીમાં સહભાગી થવા આવ્યો છુું. ખેલાડીઓ અને કલાકારો બંને દેશોના લોકોને નજીક લાવી રહ્યા છે. તેમણે સૂત્રો પોકાર્યા ‘હિંદુસ્તાન જીવે, પાકિસ્તાન જીવે’. તેમણે કહ્યું કે, મેં ઇમરાનને નબળાઇમાંથી મજબૂતી મેળવતા જોયો છે. મને આશા છે કે, ઇમરાન ખાન તેના દેશ માટે સમૃદ્ધીની નિશાની બની રહેશે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks